તપ, ત્યાગ અને ધર્મ આરાધનાનો મહિનો ગણાતો શ્રાવણ ચાલી રહ્યો છે ત્યારે મળીએ એવી ધર્મમાતાઓને અને જાણીએ કઈ રીતે તેમણે નવી પેઢીને પોતાના મૂળથી જોડેલી રાખી છે
પૂજા, દીકરી કૃષ્ણવી અને કિયાંશા તેના પિતા, દાદા અને નીતુ ચેતન મહેતાની દીકરી અવીવા
ડિસ્ટ્રૅક્શનથી છલોછલ આ દુનિયામાં પોતાની પરંપરા અને ધાર્મિક સંસ્કારોથી સંતાનો અથવા તો સંતાનોનાં સંતાનો દૂર ન જતાં રહે એનું અદ્ભુત ધ્યાન કેટલાક ગુજરાતી પરિવારો રાખી રહ્યા છે. તપ, ત્યાગ અને ધર્મ આરાધનાનો મહિનો ગણાતો શ્રાવણ ચાલી રહ્યો છે ત્યારે મળીએ એવી ધર્મમાતાઓને અને જાણીએ કઈ રીતે તેમણે નવી પેઢીને પોતાના મૂળથી જોડેલી રાખી છે
તમને શું લાગે છે આજથી પચાસ વર્ષ પછી ગણેશચતુર્થી કે ગોવિંદાનું અત્યારે જે રીતે સેલિબ્રેશન થાય છે એ જ રીતે થતું હશે? આજે જેમ રક્ષાબંધનમાં ભાઈ-બહેનના સંબંધનું અનોખું મહત્ત્વ મનાવાય છે એ આમ જ સદીઓ સુધી ચાલતું રહેશે? આજે જેમ શ્રાવણમાં શિવજીને જળ ચડાવવાનું અનેરું મહત્ત્વ છે એમ ભવિષ્યમાં પણ શ્રાવણના સોમવાર અને શિવપૂજાનું મહત્ત્વ અકબંધ રહેશે? આ બધાના જ જવાબ આજની પેઢીમાં આ પરંપરાનું વહન કઈ રીતે થઈ રહ્યું છે એના પર નિર્ભર કરે છે. આવનારી પેઢી આપણાં મૂળિયાંથી કેટલી જોડાયેલી રહેશે એ આજનાં બાળકોના પેરન્ટ્સ અને પેરન્ટ્સના પેરન્ટ્સ એટલે કે દાદા-દાદી, નાના-નાની પર આખી વાત નિર્ભર કરે છે. પરંપરાગત દૃષ્ટિએ શ્રાવણ ચાલી રહ્યો છે એ મહિનાનું મહત્ત્વ સદીઓ સુધી આવું જ કન્ટિન્યુ કરવાની દિશામાં અને આપણી પરંપરા અને ધાર્મિક વિધિવિધાનોને જાગતી રાખવાનું કામ કેટલાક પરિવારોમાં બહુ જ સુપેરે થઈ રહ્યું છે. કોઈ પણ જાતના વિદેશી પેરન્ટિંગ સ્ટાઇલના સકંજામાં આવ્યા વિના આ પરિવારોએ પોતાનાં સંતાનોને પોતાની ધરોહરની અમુક ભેટ આપવાની દિશામાં નક્કર કામ કર્યું છે. આજે એવા જ કેટલાક પરિવારો સાથે આપણે ગુફ્તગો કરવાના છીએ.
ADVERTISEMENT
દીકરીને ઇસ્કૉનની સ્કૂલમાં ભણાવવી હતી એટલે ઘરની પસંદગી કરવામાં ખાસ ચોકસાઈ રાખી છે
બોરીવલીમાં રહેતાં પૂજા અને રવિ મકવાણાની સાડાત્રણ વર્ષની દીકરી કૃષ્ણવીનાં તોફાનોમાં પણ તમને ધાર્મિકતા ઝળકતી દેખાય. દરરોજ સવારે પપ્પા સાથે શિવલિંગ પર જળ ચડાવવાનું, સવારે કરાગ્રે વસતે લક્ષ્મી શ્ળોક બોલીને શરૂઆત કરવાની, જમતી વખતે, નહાતી વખતે શ્ળોક બોલવાનું અને અત્યારથી ગીતાના શ્ળોક કંઠસ્થ કરવાના એ કૃષ્ણવીનું રૂટીન છે. પોતાની દીકરીને ધાર્મિક સંસ્કારો મળે એ માટે ખાસ ઇસ્કૉનની સ્કૂલની નજીક ઘર લેનારી અને એ જ સ્કૂલમાં પોતે પણ ટીચર તરીકે કામ શરૂ કરનારી પૂજા કહે છે, ‘આજનાં બાળકો ચબરાક છે અને એકલા હાથે તમે તેમને સંસ્કરણ આપી શકો એ સંભવ નથી. એમાં મને આ સ્કૂલ વિશે ખબર પડી અને લાગ્યું કે મને સ્કૂલનો સપોર્ટ મળી ગયો. ઇસ્કૉનના બ્રહ્મચારી સાધુ ભણાવવા આવે. બાળકોની એસેમ્બલી મીટિંગમાં આરતી થાય. સ્કૂલમાં જ મંદિર છે. સ્કૂલમાં AC નથી. નીચે બેસીને જમવાનું. કાંદા-લસણ સ્કૂલમાં અલાઉડ નથી. સ્કૂલમાં રાધા અષ્ટમી, જગન્નાથ યાત્રા જેવા ફેસ્ટિવલનું સેલિબ્રેશન થાય. સ્કૂલમાં સ્પોકન સંસ્કૃતનો સબ્જેક્ટ છે અને સાથે CBSE બોર્ડ છે એટલે બાળક બન્ને વસ્તુ શીખી શકે.’
હસબન્ડને પણ સત્સંગમાં મળી, પ્રેમ થયો અને લગ્ન થયાં એટલે પહેલેથી જ આપણી સંસ્કૃતિમાં પૂરતો રસ છે એમ જણાવીને પૂજા કહે છે, ‘નર્સરીથી જ બાળકને આ વાતાવરણ મળે તો એ છેક સુધી રહે. બીજું એ પણ છે કે છ વર્ષની ઉંમર સુધી તે મારા પ્રમાણે ચાલશે પછી તો તે પોતાનું ધાર્યું જ કરવાની છે એટલે અત્યારે થાય એટલું બેસ્ટ સંસ્કરણ આપવાના પ્રયાસ કરીએ છીએ. મન્ડે ટુ ફ્રાઇડે સ્કૂલ હોય ત્યારે ટીવી નહીં જોવાનું, ખાવાનું પણ એ જ રીતે સાત્ત્વિક અને સેટરડે-સન્ડે તેને ગમતું કરવા મળે એટલે તે રાહ જુએ. તેનું ધાર્યું બધું જ ન થાય અને મર્યાદામાં તેને તેનું ધાર્યું પણ કરવા મળે એ શીખ તેને આપીએ છીએ. અમે દર વર્ષે તેને વૃન્દાવન લઈ જઈએ. રાધારાણીમાં અમે ખૂબ માનીએ તો તેને પણ શીખવી દીધું છે કે ક્યારેક ડર લાગે તો રાધા-રાધાનો જપ કરવાનો અને તે કરે પણ છે. એ સિવાય સ્ટોરીટેલિંગ અમારા ઘરમાં થાય છે એવું ક્યાંય નહીં થતું હોય. રામાયણ, મહાભારત વગેરેની અઢળક સ્ટોરીઝ તેને કહી છે.’
સાડાચાર વર્ષની ટેણકીને એક ડઝન શ્ળોક આવડે છે એનું સીક્રેટ ખબર છે?
બોરીવલીના દોલતનગર વિસ્તારમાં રહેતી સાડાચાર વર્ષની કિયાંશાએ બે દિવસ પહેલાં દાદીને પ્રશ્ન પૂછ્યો, ‘દાદી, કૃષ્ણ ભગવાન સાથે રાધા શું કામ છે?’ દાદીની મૂંઝવણ વધી. કૃષ્ણ ભગવાનની વાઇફ રુક્મિણી છે તો રામની સાથે જેમ સીતા છે એમ કૃષ્ણ સાથે રુક્મિણી કેમ નથી અને રાધા કેમ છે? તમને ખબર છે કિયાંશાનાં દાદી બિન્દુબહેન હર્ષદભાઈ જાનીએ પોતાની પૌત્રીને શું જવાબ આપ્યો? દાદીએ કહ્યું, ‘રાધા કૃષ્ણ ભગવાનની બેસ્ટ ફ્રેન્ડ છે અને તેમની ફ્રેન્ડશિપ બહુ જ પ્યૉર છે એટલે તે બન્ને સાથે છે.’ જોકે આવા અવનવા પ્રશ્નોની ઝડી આ નાનકડી દરરોજ પોતાનાં દાદી અને દાદુ પાસે લગાવે છે અને બન્ને જણ તેને સમજાય એવી ભાષામાં એ પ્રશ્નોનું સમાધાન પણ કરે છે. ‘કરાગ્રે વસતે લક્ષ્મી’, ‘મુખમ્ કરોતિ વાચાલં’, ‘હનુમાન ચાલીસા’ જેવા લગભગ એક ડઝન શ્ળોક અને સ્તોત્ર કિયાંશાને કડકડાટ આવડે છે, કારણ કે તે દરરોજ સવારે પોતાનાં દાદા-દાદી સાથે શિવજીનો અભિષેક કરવાથી લઈને આ મંત્રોના ઉચ્ચારણ માટે ભગવાનની સામે બેસે છે. બિન્દુબહેન કહે છે, ‘મારો દીકરો અને દીકરી તેમના દાદા-દાદી પાસેથી શીખ્યાં અને એ સંસ્કાર આજે તેમના સંતાનમાં અમે રોપી રહ્યાં છીએ. આમ તો ઘરનું વાતાવરણ પણ સંતાનોને ખૂબ પ્રભાવિત કરતું હોય છે. દાખલો આપું. મારો દીકરો દરરોજ મને અને તેના પપ્પાને પગે લાગે. એ જોઈને કિયાંશા પણ મને, તેના દાદાને અને તેનાં મમ્મી-પપ્પાને પગે લાગે. રિસ્પેક્ટ આપવા માટે પગે લગાય અને પગે લાગીએ તો બ્લેસિંગ્સ મળે એ વાત તેના મનમાં ઠસી ગઈ છે એટલે ઘણી વાર બેથી ત્રણ વાર પણ પગે લાગી જાય. દરરોજ સવારે પૂજામાં બેસે. દરરોજ મારી સાથે હવેલીએ આવે અને તેના સવાલો ચાલુ હોય. દાદી, શ્રીનાથજીને ડ્રાયફ્રૂટ્સ કેમ ચડાવીએ, તેમને હીંચકે કેમ ઝુલાવીએ, તેમને ધરેલી ચૉકલેટ આપણાથી ખવાય? અને એવા તો કંઈકેટલાય સવાલ. દરરોજ સવારે મારી સાથે અને સાંજે તેની મમ્મી સાથે ભગવાનના દીવા કરે. દરરોજ લાલાને નવડાવે, તેમના વાઘા સિલેક્ટ કરવાનું કામ કિયાંશાનું જ.’
બિન્દુબહેન માને છે કે ઘરના વાતાવરણની સર્વાધિક અસર બાળમાનસ પર પડતી હોય છે. તેઓ કહે છે, ‘પહેલાં તમે કરો પછી તમને જોઈને બાળક કરવા ઇચ્છે ત્યારે તેને સાચી રીત શીખવો. બાળકમાં સંસ્કારરોપણની આ જ પ્રક્રિયા છે. મારાં બાળકો નાનાં હતાં ત્યારના અને આજના સમયનો સૌથી મોટો ડિફરન્સ કહું તો એ જ કે આજનાં બાળકો બહુ જ શાર્પ છે અને તેઓ સવાલો પૂછે છે અને જવાબ મળે ત્યારે વધુ સારી રીતે તમને અનુસરે છે.’
બાર વર્ષની દીકરી સાથે મમ્મી-પપ્પા પણ હવે તો ખાસ્સાં બદલાઈ ગયાં
વિલે પાર્લેમાં રહેતાં નીતુ ચેતન મહેતાની દીકરી અવીવા બાર વર્ષની થઈ. નીતુબહેન પોતે ટીચર હતાં પણ દીકરીના જન્મ પછી દીકરી સાથે સમય પસાર કરવા મળે અને દીકરી પર પૂરતું ધ્યાન આપી શકે એટલે પોતે ફુલટાઇમ મધર બની ગયાં. તેઓ કહે છે, ‘હું પોતે પણ પાર્લામાં જ ઊછરી છું અને જમનાબાઈ સ્કૂલમાં ભણી છું. જોકે મારે દીકરીને ગ્રાઉન્ડ રિયલિટી સાથે જોડેલી રાખવી હતી એટલે એ મુજબની સ્કૂલ પસંદ કરી. જ્યાં હાયર મિડલ ક્લાસનાં બાળકો ભણતાં હોય પણ એ વચ્ચે પણ અમુક સંસ્કરણ સહજ તેમના પેરન્ટ્સ થકી આવ્યું હોય. બીજું, મેં તેને વૈષ્ણવના એક શ્લોક-ક્લાસ જૉઇન કરાવડાવ્યા. અત્યારે દરરોજ સવારે ઊઠીને શ્લોક, જમતાં પહેલાં ગ્રેટિટ્યુડ, રાતે સૂતાં પહેલાં પ્રેયર, રમતાં પહેલાં પ્રેયર, ઘરની બહાર જતાં પહેલાં પ્રેયર જેવી આદતો કેળવી છે. તેની સાથે હવે તો હું અને મારા હસબન્ડ પણ નિયમિત આ બધી જ પ્રેયર્સ કરતાં શીખી ગયાં છીએ.’
આજની પેઢી વધુ પ્રૅક્ટિકલ હોવાથી સંવેદનશીલતાની બાબતમાં તેમને મોલ્ડ કરવાની ખૂબ જરૂર છે એ સચ્ચાઈને ધ્યાનમાં રાખીને ધર્મની વાતોને બદલે સંવેદનશીલતાનો ભાવ દીકરીમાં કેળવાય એ માટે આ પેરન્ટ્સે ખૂબ મહેનત કરી છે. નીતુબહેન કહે છે, ‘મારી દીકરીના ફેવરિટ ભગવાન કૃષ્ણ છે. દર નવરાત્રિમાં તે માતૃપૂજા કરે. પર્યુષણ ઊજવીએ. ગણપતિ ઊજવીએ. અમે બધા જ ફેસ્ટિવલ સેલિબ્રેટ કરીએ, પરંતુ પાપ-પુણ્યનાં લેખાં-જોખાં સમજાવવાને બદલે મૉરલ્સ શીખવીને આ ઍક્શન કૃષ્ણને ગમશે કે નહીં એ રીતે તેને સમજાવવાની કોશિશ કરી છે અને ખરેખર એ વર્ક કર્યું છે. બીજું, દરેક સંજોગમાં પૉઝિટિવિટી તેને શીખવવાના પ્રયાસ પણ કર્યા છે. જેમ કે ધારો કે કંઈક ખરાબ પણ થાય, પડે, વાગે કે કોઈ વસ્તુ પણ ખોવાય તો ભગવાનને થૅન્ક યુ કહેવું, કારણ કે આનાથી વધારે ખરાબ પણ થઈ શક્યું હોત એ વાત ન ભૂલવી અને જે થયું એ સારું જ છે એ વાત મનમાં રાખવી, આ પ્રૅક્ટિસ મેં શરૂ કરી અને ધીમે-ધીમે અવીવા પણ એ શીખી ગઈ. જમતાં પહેલાં અન્નદાતાનો આભાર માનવાનો. ક્યારેક કોઈ ગરીબ કે બીમારને જુએ તો ઈશ્વર તેમને આશીર્વાદ આપે, શક્તિ અને શાંતિ આપે એવી પ્રેયર કરવાની. બર્થ-ડેમાં અનાથ આશ્રમમાં જવાનું અને ડોનેશન આપવાનું. કેટલા બધા અભાવમાં લોકો જીવી રહ્યા છે એ રિયલિટી સાથે મનમાં સંવેદનશીલતા જીવતી રાખવાની. કદાચ અત્યારે આ જ સૌથી મોટી વસ્તુ છે જે આજની પેઢીમાં કેળવાવી જોઈએ અને એના પ્રયાસ અમે કરી રહ્યાં છીએ.’

