Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > સંઘપૂજનના અને મહેમાનોની ભક્તિના કર્તવ્યપાલનની અસર કેટલી ઘેરી!

સંઘપૂજનના અને મહેમાનોની ભક્તિના કર્તવ્યપાલનની અસર કેટલી ઘેરી!

Published : 24 June, 2025 02:16 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મેં પણ એ જ પૂછ્યું તેમને તો કહે કે તમે મહારાજસાહેબ પાસે આવ્યા એટલે અમારા મહેમાન થયા અને મહેમાનને અમે જમાડ્યા વિના અહીંથી જવા દેતા જ નથી

પ્રતીકાત્મક તસવીર

સત્સંગ

પ્રતીકાત્મક તસવીર


મહારાજસાહેબ, અઠવાડિયા પહેલાં આપના દર્શનાર્થે આવેલો એ આપના ખ્યાલમાં હશે. એકાદ કલાકના આપશ્રી પાસે માણેલા સત્સંગ પછી જ્યારે ઘરે જવા નીચે ઊતર્યો ત્યારે નીચે મહેમાનોની ભક્તિ કરવા માટે ઊભેલા એક ભાઈએ મને પકડ્યો.’ એક શ્રાવકે આવીને સીધી વાત જ શરૂ કરી, ‘હાથ પકડીને ભાઈ મને જમવા આવવા માટે આગ્રહ કરવા માંડ્યા.’


‘કેમ એવું?’



‘મેં પણ એ જ પૂછ્યું તેમને તો કહે કે તમે મહારાજસાહેબ પાસે આવ્યા એટલે અમારા મહેમાન થયા અને મહેમાનને અમે જમાડ્યા વિના અહીંથી જવા દેતા જ નથી. મેં ચોખવટ કરતાં કહ્યું કે હું જૈન નથી તો કહે વાંધો નહીં. કહ્યું કે મને ભૂખ નથી તો કહે એમ ચાલે જ નહીં, જમવું જ પડશે.’


ભાઈ ઉત્સાહ સાથે વાત કરતા હતા.

‘તેમના આગ્રહ આગળ મારે ઝૂકવું પડ્યું. જમવા ગયો, પણ આવી જમાડવાની ભક્તિ મેં જિંદગીમાં ક્યારેય જોઈ નહોતી. જમવાનાં દ્રવ્યો ઉત્તમ, જમાડવાના ભાવો તો અતિ ઉત્તમ. સાચું કહું મહારાજસાહેબ, મેં તો સાસરેય આવી મહેમાનગતિ માણી નથી. આશ્ચર્યકારક અનુભવ કહું. જમ્યા પછી મારા કપાળે કંકુનું તિલક કરીને રૂપિયો આપ્યો.’


‘અમારે ત્યાં એને સંઘપૂજન કહે...’

ચોખવટ કરતાં મેં તેમને કહ્યું. જોકે તેમની વાચાને તો પાંખ ફૂટી હતી.

‘મહારાજસાહેબ, શ્રેષ્ઠ મહેમાનગતિ માણીને હું ઘર તરફ જતા રસ્તામાં વિચારમાં ચડી ગયો. ન કોઈ ઓળખાણ, ન કોઈ પિછાણ અને છતાં જો મારી આવી સરસ ભક્તિ થઈ હોય તો મારેય મારા જીવનમાં આવું કંઈક શરૂ કરવું જ જોઈએ. વિચારતાં-વિચારતાં મનમાં આવ્યું કે મારા ઘરની નીચે સવારના ૧૦૦ જેટલા મજૂરો આવે છે. તેમને બીજું કંઈ નહીં તો ચા-બિસ્કિટ તો આપી શકું છુંને? ઘરે પહોંચ્યા બાદ પરિવારના સભ્યો સાથે વિચારણા કરી. મોટા ભાઈના બાબાએ જવાબદારી પોતાના શિરે લઈ લીધી અને બીજા દિવસથી એનો અમલ ચાલુ પણ કરી દીધો, જે આજ સુધી બરાબર ચાલે છે.’

‘આનંદ આવે છે?’

‘શું કહું તમને, થાય છે કે આવું સરસ કાર્ય આટલાં વર્ષ મોડું કેમ ચાલુ કર્યું? ખેર, એટલું સમજાયું કે બીજાનાં પેટ જેટલાં વધુ ઠારીશું એટલાં આપણાં પેટ ઠરતાં રહેશે.’

એક નાનકડા સંઘપૂજનના અને મહેમાનોની ભક્તિના કર્તવ્યપાલનની આટલી ઘેરી અસર થઈ શકે છે એ જાણીને હું આનંદિત થઈ ગયો. નાનકડું બીજ ખાતર, પાણી અને માવજત પામીને ચમત્કાર સર્જી શકે તો નાનકડા સંસ્કાર જીવનમાં કેવો મોટો ચમત્કાર કરી દેખાડે એનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

- જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા.

Whatsapp-channel Whatsapp-channel

24 June, 2025 02:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK