Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

બુરી નઝરવાલે તેરા મુંહ કાલા

Published : 19 October, 2025 11:02 AM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

કાળીચૌદશના દિવસે કકળાટ કાઢીને પરિવારને શુભત્વ આપવાની વિધિ તો સૌકોઈ જાણે છે, એ સિવાય પણ શાસ્ત્રોમાં કેટલીક વિધિ દર્શાવવામાં આવી છે જે ઘરમાંથી નેગેટિવ ઊર્જા બહાર કાઢવાનું કામ કરે છે.

કકળાટ કાઢવાની વિધિનું વિજ્ઞાન અને દક્ષિણ ભારતમાં આજના દિવસે ઘરની બહાર ચોખાના લોટમાંથી રંગોળી બનાવવામાં આવે છે

કકળાટ કાઢવાની વિધિનું વિજ્ઞાન અને દક્ષિણ ભારતમાં આજના દિવસે ઘરની બહાર ચોખાના લોટમાંથી રંગોળી બનાવવામાં આવે છે


કાળીચૌદશના દિવસે કકળાટ કાઢીને પરિવારને શુભત્વ આપવાની વિધિ તો સૌકોઈ જાણે છે, એ સિવાય પણ શાસ્ત્રોમાં કેટલીક વિધિ દર્શાવવામાં આવી છે જે ઘરમાંથી નેગેટિવ ઊર્જા બહાર કાઢવાનું કામ કરે છે. એ વિધિઓ, કકળાટની વિધિ પાછળ કયું સાયન્સ કામ કરે છે એ અને દેશનાં અન્ય રાજ્યોમાં આજના દિવસે મેલી નજર દૂર કરવા માટે કેવી-કેવી વિધિઓ કરવામાં આવે છે એ જાણવા જેવું છે

‘નરક ચતુર્દશી’, ‘રૂપ ચૌદશ’, ‘દુષ્ટ ચૌદશ’, ‘યમાધિક ચૌદશ’ જેવાં અનેક નામે ઓળખાતી કાળીચૌદશના દિવસે મા કાલીની પૂજા કરવામાં આવે છે. ઘરમાં શાંતિ અને સંબંધોમાં ઘનિષ્ઠતા રહે તો સાથોસાથ સમૃદ્ધિ વધે એવા ભાવથી ઊજવવામાં આવતી કાળીચૌદશની રાતે ગુજરાતીઓમાં ઘરેથી કકળાટ કાઢવાની વિધિ કરવામાં આવે છે પણ શાસ્ત્રોમાં આ એક સિવાયની પણ અનેક વિધિઓ દર્શાવવામાં આવી છે જે પૈકીની સૌથી પહેલી અને સૌથી અગત્યની કહેવાય એવી વિધિ જણાવતાં જાણીતા વાસ્તુશાસ્ત્રી અને જ્યોતિષી ધર્મેશ રાજદીપ કહે છે, ‘આ જે વિધિ છે એ વિધિ સદીઓ પહેલાં નિયમિત રીતે ઋષિમુનિઓ કરતા હતા અને એની પાછળ લૌકિક કારણો પણ છે.’



આ વિધિને દુષ્ટતાનિવારણ વિધિ કહેવામાં આવે છે. ધર્મેશભાઈ કહે છે, ‘પહેલાંના સમયમાં ઋષિમુનિઓ માત્ર ગુરુકુળ જ ચલાવતા એવું નહોતું. એ સમયે ઋષિમુનિઓ જોવાની વિધિઓ પણ કરતા તો સાથોસાથ ઘરમાં સુખ-શાંતિ રહે એ માટે હવન પણ કરતા. આ પ્રકારનું કામ જે કરતા હોય તેની ઑરા એકદમ ક્લીન હોય અને મેલ તેના પર જ ચડે જેની ઑરા શુદ્ધ હોય. વર્ષ દરમ્યાન અન્ય કોઈનું સારું કામ કરવા માટે કરવામાં આવેલાં તમામ કામોને લીધે જે નકારાત્મકતા વ્યક્તિમાં આવી હોય એને દૂર કરવાની આ વિધિ છે. આ વિધિ આજે પણ એટલી જ ઉપયોગી છે કારણ કે વ્યક્તિ દિવસ દરમ્યાન અનેક જાતના લોકોને મળતી હોય છે અને તેની નેગેટિવ એનર્જી પોતાના પર લેતી હોય છે. આપણે એવું માનીએ છીએ કે નિયમિત સ્નાન કરવાથી આપણે સ્વચ્છ થઈ જઈએ છીએ, પણ એ અધૂરું સત્ય છે. સ્નાનથી શારીરિક સ્વચ્છતા આવે છે પણ શરીરમાં ઘર કરવા માંડેલી નેગેટિવ ઊર્જા તો અકબંધ રહે છે.’


શરીરમાં પ્રવેશેલી આ નકારાત્મક ઊર્જા દૂર કરવા માટે કાળીચૌદશની પરોઢે દુષ્ટતાનિવારણ વિધિ કરવામાં આવે છે જેમાં શરીર પર તલનું તેલ અને ઉબટન લગાડી સૂર્યોદયનાં કિરણો લેવાનાં અને એ પછી વર્ષો પહેલાં થતું એ રીતે ડોલ અને કળશાથી સ્નાન કરવાનું. સ્નાન કર્યા પછી સૂર્યને નમસ્કાર કરવાના. ઓછાંમાં ઓછાં વસ્ત્ર શરીર પર હોય એ પ્રકારે તલનું તેલ અને ઉબટન લગાડીને આજના સમયે તો જાહેરમાં આવી શકાય નહીં એટલે એનો રસ્તો સૂચવતાં ધર્મેશ રાજદીપ કહે છે, ‘જો શક્ય હોય તો બાથરૂમમાં યલો કલરનો બલ્બ લગાડી એ પ્રકાશમાં શક્ય હોય એટલો સમય રહેવું જોઈએ. મહિલાઓ માટે આ રસ્તો સરળ છે, જ્યારે પુરુષ ટુવાલ બાંધીને ગૅલેરીમાં આવી શકે છે. ધારો કે એવી સગવડ ન હોય તો પુરુષો પણ મહિલાઓ જેવો જ રસ્તો વાપરી શકે છે.’

દુષ્ટતાનિવારણ વિધિમાં કરવામાં આવતા સ્નાનને અભ્યંગ સ્નાન કહેવામાં આવે છે. આ અભ્યંગ સ્નાનનો સૌથી મોટો ફાયદો એ છે કે એનાથી મન પ્રફુલ્લિત થાય છે અને નજર લાગતી નથી. ધર્મેશ રાજદીપ અન્ય એક વિધિ સૂચવતા કહે છે, ‘જો ઘરમાં માંદગી રહેતી હોય તો કાળીચૌદશની સવારે ઘરના મુખ્ય દરવાજાની વચ્ચે મશરૂતનો દીવો કરવો જોઈએ. દીવો લાંબી બે વાટનો કરવો અને દીવાની જ્યોત ઘરની અંદર રહે એ રીતે એને મુખ્ય દરવાજાની વચ્ચે રાખવો.’


કકળાટ કાઢવાની વિધિનું વિજ્ઞાન જાણો

ચાર રસ્તા પર વડાં મૂકવાની અને ઘરમાંથી કકળાટ કાઢવાની કાળીચૌદશની રાતે કરવામાં આવતી વિધિ માત્ર લોકપ્રથા કે ડર દૂર કરવાની રીત નથી, એમાં તંત્રશાસ્ત્ર, માનસશાસ્ત્ર અને ઊર્જાશાસ્ત્ર એમ ત્રણ શાસ્ત્રનું સંયોજન છે. આ વિધિને દરેક શાસ્ત્ર મુજબ સમજવાની જરૂર છે.

આ વિધિમાં વડાંની પસંદગી કરવામાં આવી છે, જેનું કારણ શોષણ. વડાંમાં તેલને શોષવાની જે ક્ષમતા છે એ અકલ્પનીય છે. વડાં દ્વારા તંત્રસાધના કહે છે કે શરીરમાંથી તમામ નકારાત્મકતા શોષી લેવામાં આવે જેથી શરીર અને મન નિઃસ્વાર્થ બને. આ ઉપરાંત તળેલાં વડાં અગ્નિસંસ્કારિત થયેલાં ગણવામાં આવે છે એટલે કે સમજાવવામાં આવે છે કે ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જાના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા છે.

વડાં મૂકવા માટે ચાર રસ્તા પસંદ કરવાનું કારણ પણ સમજવા જેવું છે.

ચાર રસ્તા ચાર દીશાનું પ્રતીક છે. કહેવાનો ભાવાર્થ એવો છે કે અશુભ કે નકારાત્મક એનર્જી જો ચારેય દિશામાંથી આવતી હોય તો એને જવા માટે ચારેચાર દિશાઓ ખોલી આપવી જોઈએ. આજના સમયમાં જે વિધિ કરવામાં નથી આવતી કકળાટ સાથે જોડાયેલી એ વિધિ પણ જાણવી જોઈએ.

પહેલાંના સમયમાં કકળાટ કાઢવા જતી વખતે એક વ્યક્તિ થાળી વગાડતી સાથે ચાલતી, જે ધ્વનિ-વિજ્ઞાન અને તંત્ર-વિજ્ઞાનનો સમન્વય છે. અશુભ શક્તિ શાંત જગ્યાએ રહે છે જ્યારે અવાજ, ધ્વનિ, શંખનાદ કે ધાતુઓનો ટકરાવ તામસિક તત્ત્વોને દૂર કરવાનું કામ કરે છે.

રસ્તા પર મૂકેલાં ચાર વડાંની ફરતે પાણીનું ગોળ કૂંડાળું કરવામાં આવે છે જે અશુભ તત્ત્વોને બંધન આપવાનું કામ કરે છે તો ધર્મશાસ્ત્ર કહે છે કે એવું કરીને અશુભ તત્ત્વને પાણી આપીને મુક્તિ આપવામાં આવે છે.

સૌથી પહેલાં આ મશરૂત તેલ શું છે એ જાણવું જોઈએ. 

તલનું તેલ અને સરસવનું તેલ સરખી માત્રામાં લઈ એમાં હળદરનો થોડો પાઉડર નાખવાથી જે મિશ્રણ તૈયાર થાય એને મશરૂત તેલ કહે છે. મશરૂત તેલ ઉત્તર પ્રદેશમાં સ્નાનમાં પણ ઘણા વાપરે છે. મશરૂત તેલનો દીવો ઘરમાં શારીરિક સમૃદ્ધિ વધારવાનું કામ કરે છે તો સાથોસાથ ઘરમાંથી બીમારી ભગાડવાનું કામ પણ કરે છે. ધર્મેશભાઈ કહે છે, ‘સૂર્યોદય પછી આ દીવો દરવાજામાં કરવાનો શાસ્ત્રોક્ત અર્થ છે કે ઘરમાં સકારાત્મક ઊર્જા લઈ આવવી. ધારો કે સૂર્યોદય સમયે દીવો ન થઈ શકે તો સૂર્યાસ્ત સમયે આ દીવો કરવો જોઈએ, પણ એ સમયે ધ્યાન એ રાખવાનું કે દીવાની વાટ દરવાજાની બહારની તરફ રહેવી જોઈએ, જે સૂચવે છે કે ઘરમાંથી નકારાત્મક ઊર્જાને બહાર ખેંચી જવી.’

જાણીતા ઍસ્ટ્રોલૉજર અરુણ પંડિત કહે છે, ‘કાળીચૌદશ સૂચવે છે કે કાલિમા દૂર કરવામાં આવે, જેની માટે આજના દિવસે ઘરની દરેકેદરેક જગ્યાએ પ્રકાશ પહોંચે એવો પ્રયાસ થવો જોઈએ અને એ માટે શક્ય હોય તો સાંજે લાઇટ કર્યા પછી થોડો સમય માટે વૉર્ડરોબનાં ડ્રૉઅર પણ ખુલ્લાં રાખવાં જોઈએ.’

અરુણ પંડિતના કહેવા મુજબ આજના આ દિવસે જો ઘરમાં કોઈ ન હોય તો પણ ઘરની એકેએક લાઇટ ચાલુ રાખવી જોઈએ. ઈવન, વૉશરૂમની લાઇટ પણ આજની રાતે ચાલુ રાખવામાં આવે તો ઘરમાંથી નેગેટિવિટી દૂર થાય છે. અરુણ પંડિત આ જ વાતમાં એક નવો કીમિયો પણ સૂચવે છે. અરુણ પંડિત કહે છે, ‘જો શક્ય હોય તો સાંજના સમયે ઘરે દીવાબત્તી કરી લીધા પછી ઘર આખામાં કપૂરનો બારીક ભૂકો છાંટી દેવો જોઈએ અને ખાસ તો એવી જગ્યાએ એ છાંટવો જોઈએ જે જગ્યાએ સામાન્ય સંજોગોમાં સાફસફાઈ ન થતી હોય. નેગેટિવિટી ભારે છે, એ તળિયે બેસે છે અને એને દૂર કરવાનું કામ થોડું કઠિન છે. કાળીચૌદશની સાંજે કરવામાં આવતા આ કાર્ય પછી પરિવાર અને ઘરમાં પણ સકારાત્મક ઊર્જા પ્રસરે છે અને સંપ અકબંધ રહે છે.’

ગરુડ પુરાણમાં કાળીચૌદશના દિવસે યમદાત્રિપ દીપકનો મહિમા દર્શાવવામાં આવ્યો છે. યમદાત્રિપ દીપકનો સીધો અર્થ છે યમ દીવો. ઘરની દક્ષિણ દિશાની બરાબર મધ્યમાં જો અખંડ દીવો મૂકવામાં આવે તો પરિવાર કે પરિવારના મોભી સાથે થતો અન્યાય દૂર થાય છે. યાદ રાખજો, કાલી મા માત્ર સંહારક નથી પણ તે ન્યાયની દેવી છે અને એટલે જ અન્યાય કરનારાઓનો તે સંહાર કરે છે. યમદાત્રિપ દીપક વિશે ધર્મેશ રાજદીપ કહે છે, ‘યમદાત્રિપ દીપકનું કાળીચૌદશ ઉપરાંત પણ મહત્ત્વ શાસ્ત્રોમાં દર્શાવ્યું છે. અગત્યનો ચુકાદો આવવાનો હોય કે કોર્ટમાં હાજરી પુરાવવાની હોય એવા સમયે ચોવીસ કલાક પહેલાં કરવામાં આવેલા અખંડ દીપકની ઊર્જા ન્યાયપ્રેરક બને છે.’

ગુજરાતીઓમાં કકળાટ, પણ બીજા લોકોમાં કઈ વિધિ?

  • ગુજરાતીઓમાં વડાંને ચાર રસ્તા પર મૂકીને કકળાટ કાઢવાની વિધિ છે પણ એવું નથી કે આ એક જ વિધિ આખા દેશમાં પૉપ્યુલર હોય. દેશનાં અનેક રાજ્યોમાં જુદા-જુદા પ્રકારની વિધિ છે જેના આધારે કાળીચૌદશના દિવસે ખરાબ ઊર્જાને દૂર રાખવાના પ્રયાસો થાય છે.
  • મહારાષ્ટ્રમાં કાળીચૌદશને નરક ચતુર્દશી કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ નરકાસુર રાક્ષસનો વધ કર્યો હતો એટલે એને નરક ચતુર્દશી તરીકે ઓળખવામાં આવે છે. આજના દિવસે મહારાષ્ટ્રનાં અનેક ગામોનાં ઘરોમાં કડવો વાસ શરીરે લગાડીને સ્નાન કરી નેગેટિવ ઊર્જાને દૂર કરવામાં આવે છે. આ કડવો વાસ છે એ લીમડો, હળદર અને તલના તેલમાંથી બને છે તો મહારાષ્ટ્રનાં ગામોમાં આજે પણ કાળીચૌદશના દિવસે બાળક અને ગર્ભવતી મહિલાના માથેથી લીંબુ-મરચું ઉતારીને નજર ઉતારવામાં આવે છે.
  • ઉત્તર પ્રદેશ અને બિહારમાં આજના દિવસે પ્રેતશક્તિ દૂર કરવાની વિધિ કરવામાં આવે છે. આ વિસ્તારમાં આજના દિવસને ચોથ ચતુર્દશી કહેવામાં આવે છે. ચોથ ચતુર્દશીની રાતે અહીં કાલી મીઠી પૂડી બનાવી રાતના સમયે ઘરની બહાર મૂકવામાં આવે છે. એવી માન્યતા છે કે કાલી મીઠી પૂડી એ પ્રેતાત્મા અને દુષ્ટ આત્માઓનું ફેવરિટ ભોજન છે, જે એ ખાઈને સંતોષ માને છે અને એ ઘરને બક્ષી દે છે. આ જે કાલી મીઠી પૂડી છે એ સાત અન્ન અને નમક નાખીને બનાવવામાં આવે છે.
  • દક્ષિણ ભારતમાં આજના દિવસે ઘરની બહાર ચોખાના લોટમાંથી રંગોળી બનાવવામાં આવે છે અને રાતે ફટાકડા ફોડતી વખતે ચિલ્લાઈને અને જાતજાતના અવાજો કાઢીને અસુરી આત્માને દૂર ધકેલે છે.
  • બંગાળમાં કાળીચૌદશને કાલી પૂજા કે શ્યામા પૂજા કહે છે. કાલી પૂજામાં મધરાત્રે કાલી માની મૂર્તિની સ્થાપના કરીને એને ભોગ ચડાવવામાં આવે છે. ઘણા આને બ્લૅક મૅજિક માને છે, પણ એવું નથી. આ વિધિ કાલીમા હાજરાહજૂર રહે અને પરિવારને મેલી નજરથી બચાવવા માટે થાય છે. 
  • ઉત્તરાખંડ અને ઉત્તરાંચલમાં આજના દિવસે માટીનો નરકાસુર બનાવવામાં આવે છે અને એને તોડીને ઘરમાંથી નકારાત્મક ઊર્જાનો નાશ કરવાની પરંપરા છે. આ જે માટીનો નરકાસુર છે એ દરેક પરિવાર પોતાની રીતે જ બનાવે છે. નરકાસુર બહારથી ખરીદવાનું ટાળે છે.
  • ગોવામાં પણ નરકાસુરનો નાશ કરવામાં આવે છે. કાળીચૌદશની રાતે મૂળભૂત ગોવાનીઝ ઘરોમાં કપડાંનો નરકાસુર ઢીંગલો બને અને એને ઘરની બહાર સળગાવવાની વિધિ આજે પણ અકબંધ છે, જ્યારે રાજસ્થાનમાં કાળીચૌદશના દિવસે કાળા ચણા, લૂણું અને કાળા તલ ચાર રસ્તે મૂકવાની વિધિ છે જે ગુજરાતીઓમાં પૉપ્યુલર છે એવી કકળાટની વિધિ જેવી જ છે.
Whatsapp-channel Whatsapp-channel

19 October, 2025 11:02 AM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK