Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > જે તને નથી ગમતું એ તું કોઈને આપીશ નહીં અને જે તને ગમે છે એ તું વહેંચ

જે તને નથી ગમતું એ તું કોઈને આપીશ નહીં અને જે તને ગમે છે એ તું વહેંચ

Published : 10 April, 2025 01:01 PM | Modified : 10 April, 2025 01:51 PM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

સર્વજ્ઞાની ચોવીસ તીર્થંકરો વિવિધ કાળખંડમાં આવે, ધર્મની સ્થાપના કરે. નિશ્ચિત સમય સુધી તીર્થંકરો દ્વારા સ્થપાયેલા ધર્મની પ્રરુપણા (પાલન અને વિસ્તાર) થાય એ સમયમર્યાદા પછી નવા તીર્થંકર આવે. તીર્થંકરના જન્મ વખતે દેવતાઓ આ રીતે જન્મોત્સવની ઉજવણી કરતા હોય છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સર્વજ્ઞાની ચોવીસ તીર્થંકરો વિવિધ કાળખંડમાં આવે, ધર્મની સ્થાપના કરે. નિશ્ચિત સમય સુધી તીર્થંકરો દ્વારા સ્થપાયેલા ધર્મની પ્રરુપણા (પાલન અને વિસ્તાર) થાય એ સમયમર્યાદા પછી નવા તીર્થંકર આવે. દરેક કાળખંડમાં ચોવીસ તીર્થંકરોની જુદા-જુદા સમયચક્ર દરમ્યાન આ જ રીતે ધારા વહેતી રહે એ દૃષ્ટિએ અત્યાર સુધીમાં અનંતી ચોવીસીઓ આવી અને હજી અનંતી આવશે એવું જૈન શાસ્ત્રકારો લખી ચૂક્યા છે. ચોવીસ તીર્થંકરો કેવલ જ્ઞાન એટલે કે જ્યારે સમસ્ત જ્ઞાનના ધણી બને એ પછી શાસનની એટલે કે ફરી એક વાર ધર્મની સ્થાપના કરે અને નિશ્ચિત સમય સુધી તેમણે દર્શાવેલા માર્ગ અનુસાર ધર્મનું પાલન થાય. એ રીતે ૨૦૫૧ વર્ષ પહેલાં બિહારમાં આવેલા ક્ષત્રિયકુંડમાં એ સમયના ત્યાંના સિદ્ધાર્થ રાજા અને ત્રિશલાદેવીને ત્યાં રાજકુમારનો જન્મ થયો. જન્મ પહેલાં જ માતાને ૧૪ સ્વપ્નના સંકેત થકી આવી રહેલું બાળક તીર્થંકર છે અને સંન્યાસી બનીને આત્મકલ્યાણનો માર્ગ દેખાડશે એવી જ્યોતિષીઓ દ્વારા ભવિષ્યવાણી થઈ ગઈ હતી. બન્યું પણ એવું જ. રાજકુમારના જન્મ સાથે રાજ્યમાં ધનધાન્યની એવી વૃદ્ધિ થઈ કે તેનું નામ વર્ધમાન પાડવામાં આવ્યું. લગભગ અઢી હજાર વર્ષ પહેલાં આ રીતે જૈન ધર્મની પુનઃ સ્થાપના થઈ અને એ જ વર્ધમાન કુમારના પરાક્રમને કારણે તેમને મહાવીર નામ મળ્યું. દોમ-દોમ સાહ્યબી છોડીને કર્મનો ક્ષય કરવાની સાધનામાં ભગવાન મહાવીર અગ્રેસર થયા. જંગલોમાં, અજાણ્યાં નગરોમાં ફરતા વીતરાગી મહાવીરે અસીમ સમતા સાથે સાડાબાર વર્ષ સુધી આકરી સાધના કરી. જ્યારે કર્મનાં તમામ બંધનો તૂટી ગયાં અને સંપૂર્ણ જ્ઞાનનો પ્રકાશ પ્રગટ થયો એટલે તેમણે શાસનની સ્થાપના કરી, જેને આજે આપણે જૈન ધર્મ તરીકે જોઈએ છે. એ દૃષ્ટિએ જોઈએ તો ભગવાન મહાવીર એ ચોવીસેચોવીસ તીર્થંકરોમાં સર્વાધિક ઉપકારી છે. જેના જન્મથી કલ્યાણ થયું અને જેના જન્મનો સમય પણ જીવમાત્ર માટે કલ્યાણદાયી હોવાને કારણે તીર્થંકરના જન્મદિવસને જન્મકલ્યાણક તરીકે ઓળખવામાં આવે છે. પોતાની ત્રીસ વર્ષની સાધનામાં ભગવાન મહાવીરે અન્યનાં દુઃખને દૂર કર્યાં અને પોતાના દોષોને દૂર કરવા પર ફોકસ રાખ્યું.


 ભગવાન મહાવીરે કહ્યું કે તું દુઃખ સ્વીકારી લે અને સુખ બીજાને આપી દે. તું જેનો સ્વીકાર કરીશ એ ખતમ થશે. તમે જેને સ્વીકારો છો એ ઘટતું જશે. જેને આપવા પ્રયાસ કરશો એ વધતું જશે.
- મુનિરાજ ધુરંધરવિજયજી મહારાજ

પંન્યાસ પ્રવર શ્રી ભદ્રંકરવિજયજીના અંતેવાસી ૯૨ વર્ષની વય ધરાવતા ૭૨ વર્ષનો દીક્ષા પર્યાય ધરાવતા મુનિરાજ ધુરંધરવિજયજી મહારાજ ભગવાન મહાવીરના જીવનના સંદેશ વિશે વાત કરતાં કહે છે, ‘જન્મકલ્યાણક આત્મકલ્યાણનો પણ અવસર છે. દરેક આત્માને પોતાની ઓળખાણ કરાવવી એ જ તેમનું અવતારકાર્ય છે. ભગવાન મહાવીરનો જે કાળમાં જન્મ થયો એ કાળ અત્યંત વિષમ છે. બધી રીતે નીચે ઊતરેલો છે. એવા સમયે ચારિત્ર, મૈત્રી, નીતિમત્તાનું ઉચ્ચ સ્તર બતાવવું; જેને આપણે આપણા જીવનમાં ઉતારી શકીએ એ અદ્ભુત છે. ભગવાન મહાવીર કહે છે, જે તને નથી ગમતું એ તું કોઈને આપીશ નહીં અને જે તને ગમે છે એ તું વહેંચ. આ જ તારા સુખનો માર્ગ છે. સુખ માગ નહીં પણ સુખ આપ. આપવું એ જ મેળવવાનો માર્ગ છે. દરેક તીર્થંકરનો ઉપદેશ તેમના શાસનકાળમાં સમયની જરૂરિયાત અને એ સમયના લોકોની પ્રકૃતિ પ્રમાણે મહત્ત્વનો હોય છે. ભગવાન મહાવીરે કહ્યું કે તું દુઃખ સ્વીકારી લે અને સુખ બીજાને આપી દે. તું જેનો સ્વીકાર કરીશ એ ખતમ થશે. તમે જેને સ્વીકારો છો એ ઘટતું જશે. જેને આપવા પ્રયાસ કરશો એ વધતું જશે.’ 
ભગવાન મહાવીરનું આજે જન્મકલ્યાણક છે ત્યારે જૈનોના અતિપવિત્ર એવા કલ્પસૂત્ર ગ્રંથમાં દર્શાવેલા ભગવાન મહાવીરના ચરિત્ર પર આચાર્યસમ પંન્યાસ પ્રવર પૂજ્યશ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજસાહેબે કરેલા ચિંતનરૂપી પુસ્તકમાંથી તેમણે કહેલા ભગવાન મહાવીરનાં દસ કમાન્ડમેન્ટ્સ અહીં પ્રસ્તુત કર્યાં છે. ભગવાન મહાવીરે આવેલા ત્રણ સંદેશ, છ ઉપદેશ અને એકમાત્ર આદેશ તેમના જીવનમાંથી આપણે કેવી રીતે જીવવું એની ઉત્કૃષ્ટ પ્રેરણા આપી શકે એમ છે.

ત્રણ સંદેશ
૧-આચારમાં અહિંસા 
‘જીવો અને જીવવા દો’ને ભગવાન મહાવીરના ક્વોટેબલ ક્વોટમાં તમે ઘણી વાર વાંચ્યું છે અને જૈન ધર્મમાં સૂક્ષ્મ સ્તરે અહિંસાને સર્વોપરી ગણી છે. જૈન શ્રાવક-શ્રાવિકા કે સાધુ-સાધ્વીના આચારમાં પણ આ અહિંસાને એટલી ઝીણવટપૂર્વક વણી લેવાઈ છે કે અક્કલ કામ ન કરે. પાણી ગળીને પીઓ, કંદમૂળ ન ખાઓ, ચાતુર્માસમાં વિહાર ન કરો, પાણી ઉકાળીને ઠારીને પીઓ જેવા સામાન્ય લાગતા નિયમોમાં પણ ભરી-ભરીને અહિંસા છે. ઘણી વાર દેખીતી રીતે તમે કંદમૂળ નહીં ખાઈને અહિંસા પાળી રહ્યા હો પરંતુ રોજબરોજની પ્રોડક્ટમાં તમારી જાણ બહાર રહેલા પદાર્થોને કારણે નૉનવેજ ખવાઈ જતું હોય છે. જેમ કે આઇસક્રીમ, ચૉકલેટ, બિસ્કિટ, બહારનાં ફરસાણ, બટર, બ્રેડ વગેરેમાં માંસાહારનો દોષ લાગે એવાં ઇન્ગ્રીડિઅન્ટ્સ પણ આવતાં હોય છે. આ મહાવીર જયંતીએ આ સ્તર પર અહિંસા પાળવાનો નિશ્ચય કરીને મોઢામાં જતી પ્રત્યેક વસ્તુમાં રહેલા દરેક ઘટકની પૂરતી જાણકારી મેળવીને આગળ વધવું શ્રેષ્ઠ નીવડી શકે.

૨-વિચારમાં સ્યાદ્વાદ
સ્યાદ્વાદ અથવા તો અનેકાંતવાદ એ ભગવાન મહાવીરે આપેલો આજના સમયનો સર્વશ્રેષ્ઠ સંદેશ કહી શકાય. એક જ વસ્તુને દસ લોકો પોતાની સમજણ મુજબ જુદા-જુદા દૃષ્ટિકોણથી જોઈ શકે અને દરેકના દૃષ્ટિકોણમાં અમુક અંશે સત્ય હોય જ છે. દરેકના દૃષ્ટિકોણમાં રહેલા સત્યનો આદર કરીને વિખવાદથી બચીએ એ જ અનેકાંતવાદ છે.

૩-જીવનમાં કર્મવાદ
આપણી સાથે બનતી સારી-ખરાબ તમામ ઘટના કર્મને આધીન છે એટલે નાહકના અહંકાર, ક્રોધ, વેર-ઝેરના બંધનમાં પડ્યા વિના જીવનમાં કર્મના સિદ્ધાંતને સ્વીકારી લઈએ એ ભગવાન 
મહાવીરનો કર્મવાદનો સંદેશ અતિશય સાપેક્ષ છે.

છ ઉપદેશ
૧- માતાપિતાના કટ્ટર ભક્ત બનો. ભગવાન મહાવીરે માતાપિતાને પીડા ન થાય એનું ડગલે ને પગલે ધ્યાન રાખ્યું છે. ગર્ભમાં હતા ત્યારથી લઈને ઈવન દીક્ષા લેવાની હતી ત્યારે પણ માતાપિતાને પીડા ન થાય એટલે એ લંબાવ્યું હતું.
૨- વ્યવહાર માર્ગમાં ચુસ્ત બનો.
દિનચર્યાના જે પણ નીતિનિયમો આપ્યા એનું નિયમિતતા સાથે પાલન કરવું. જે પણ ક્રિયાઓ બતાવી છે એનું ચુસ્તતા સાથે પાલન કરો. જેમ કે પ્રતિક્રમણમાં ચાર લોગ્ગસનો કાયોત્સર્ગ કરવાનું કહેવામાં આવ્યું હોય અને ચાતુર્માસમાં લીલી ભાજી ન ખાવાનું કહેવામાં આવ્યું હોય કે પર્વતિથિમાં લીલોતરીનો ત્યાગ કહેવાયો હોય તો એનું વિધિસર પાલન કરવું જરૂરી છે. આપણી ટૂંકી જ્ઞાનદૃષ્ટિને કારણે એની પાછળનો તર્ક અને હાર્દ કદાચ ન સમજાય એનાથી એનું મહત્ત્વ નથી ઘટતું.
૩-સતત જ્વાળામુખી પર હો એમ રહો.
ઓરિજિનલ વાક્ય એવું છે, તમારું ઘર જ્વાળામુખી પર બાંધો. રોગ, ઘડપણ અને મૃત્યુ આ ત્રણ બાબતો એવી છે જે ચોક્કસ આવશે જ આવશે. એ વાત ક્યારેય ભૂલો નહીં. સતત જાગ્રત રહો, શાંતિથી જપીને બેસવાને બદલે સતત આત્મસાધનમાં ઉન્નત રહો. 
૪-નબળા મનના ન થાઓ.
પરિવર્તન એ જ સંસારનો નિયમ છે અને એટલે જ મનને નબળું ન થવા દો. મનને મજબૂત બનાવો અને મક્કમતા સાથે તન અને મનના દોષોને નિવારવા માટે તત્પર બનો. 
૫- સંકટનો સામનો નહીં, સ્વીકાર કરો. 
સંકટનો સામનો કરવા જશો તો મનમાં નવા કલેશ જન્મી શકે, પ્રતિકાર માટે વ્યૂહરચના કરવા ગયા કે પ્રતિકારમાં જીતવાના પ્રયાસ કર્યા તો નવેસરથી કર્મના બંધનમાં ફસાવું પડશે એના બદલે પ્રયાસ કરીને સંકટોનો સ્વીકાર કરી લો. ભગવાન મહાવીર પણ ખૂબ ઉપસર્ગો આવ્યા. કોઈએ કાનમાં ખીલા ઠોક્યા તો કોઈએ પથ્થરો માર્યા, કોઈએ ડંખ માર્યો તો કોઈએ અકલ્પનીય દુઃખો આપ્યાં પણ દરેક અવસ્થામાં ભગવાન મહાવીર સ્થિરતાપૂર્ણ રહ્યા. તેમણે કોઈ પ્રતિકાર ન કર્યો. તેમણે એ તમામ અગવડોનો સહજ સ્વીકાર કર્યો. જ્યારે સ્વીકારભાવ સહજ બને ત્યારે કર્મનાં બંધનો સરળતાથી તૂટવા માંડે છે. સ્વીકાર કર્મોની સમાપ્તિને લાવે છે.
૬- સુખમાં લીન ન બનો ને દુઃખમાં દીન ન બનો
સુખ અથવા દુઃખ એકેય વસ્તુ કાયમી નથી અને જે કાયમી ન હોય એમાં લીન થઈને શું પામશો? સૂરજ ઊગે અને આથમે, સવાર થઈ છે તો અંધારું થશે અને અંધારું થયું છે તો બીજા દિવસે સવાર પણ થવાની. ગરમી અતિશય છે તો ઠંડીની ઋતુ પણ આવશે. બધું જ અસ્થાયી છે. બધું જ અસ્થિર છે અને એટલે જ સુખ આવે ત્યારે એમાં પરોવાઈ ગયા કે દુઃખ આવે ત્યારે એમાં દીન થઈ ગયા તો નિશ્ચિતપણે પસ્તાવા સિવાય કંઈ નહીં મળે.

એકમાત્ર આદેશ: હૃદયથી સરળ બનો
ત્રણ સંદેશ અને છ ઉપદેશમાંથી ધારો કે એકેય વસ્તુ તમારાથી ન પળાય અને માત્ર એ એક ગુણ કેળવાઈ જાય તો પણ જન્મ સફળ થઈ જાય. સંદેશ અને ઉપદેશ સ્વીકારવો કે નહીં એ સામી વ્યક્તિની ઇચ્છા પર પણ નિર્ભર કરે છે પરંતુ જ્યારે વાત આદેશની આવે ત્યારે એ અધિકાર અને સત્તાવાહી રીતે કહેવાતી વાત હોય. ભગવાન મહાવીરના સંતાન તરીકે જાતને ઓળખાવતી દરેક વ્યક્તિ માટે આ આદેશ અનિવાર્યપણે અમલમાં મૂકવો જ પડે. એ આદેશ એટલે હૃદયથી સરળ બનો. તમારા મનને નિર્મળ બનાવીને બધો બોજ બાજુએ રાખીને સરળતાના ગુણને આત્મસાત કરી લો. બુદ્ધિના પ્રયોગથી પોતાના માટેની અનુકૂળતા ઊભી કરવામાં છળ, કપટ, ઈર્ષ્યા, ક્રોધ જેવા આંતરશત્રુઓને હવા આપવાને બદલે હૃદયથી નિર્મળ થઈને જીવો. 


Whatsapp-channel Whatsapp-channel

10 April, 2025 01:51 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK