નવી મુંબઈમાં દહેશત ફેલાવનારી આ ઘટના હકીકતમાં રીલ બનાવવાનું તિકડમ નીકળી : પોલીસે ચાર યુવાનોને તાબામાં લીધા
સોમવારે સાંજે વાશી રેલવે સ્ટેશન પાસે કારની ડિકીમાંથી હાથ બહાર લટકતો જોવા મળ્યો હતો.
નવી મુંબઈના વાશી રેલવે-સ્ટેશનથી સાનપાડા રેલવે-સ્ટેશન વચ્ચે સર્વિસ રોડ પર સોમવારે એક કારની ડિકીમાંથી એક વ્યક્તિનો હાથ બહાર લટકતો જોવા મળતાં દહેશત ફેલાઈ હતી. સોશ્યલ મીડિયામાં આ વિડિયો વાઇરલ થયો હતો. કાર જોઈને કોઈકે પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરતાં ખ્યાલ આવ્યો હતો કે લૅપટૉપનું માર્કેટિંગ કરવા ચાર યુવકોએ રીલ બનાવવા માટે કારની ડિકીમાં એક વ્યક્તિને સુવડાવીને તેનો હાથ બહાર લટકતો રાખ્યો હતો.
સાનપાડા પોલીસે કહ્યું હતું કે ‘કારની ડિકીમાં કોઈ મૃત્યુ પામેલી વ્યક્તિનો નહીં પણ જીવતી વ્યક્તિનો હાથ બહાર લટકતો રાખવામાં આવ્યો હતો. ચાર યુવકોએ રીલ બનાવવા માટે આવું કર્યું હતું. જોકે આને કારણે નવી મુંબઈમાં દહેશત ફેલાઈ હતી એટલે ચારેચાર યુવકોને તાબામાં લેવામાં આવ્યા હતા; જેમાં કારમાલિક, ડ્રાઇવર અને તેમના બે ફ્રેન્ડ્સનો સમાવેશ છે. ત્રણ યુવકો નવી મુંબઈના કોપર ખૈરણેના અને એક મીરા રોડનો રહેવાસી છે. એક આરોપીની લૅપટૉપ વેચવાની દુકાન છે. દુકાનનું પ્રમોશન કરવા માટે રીલ બનાવવા તેમણે આવો વિચિત્ર આઇડિયા અપનાવ્યો હતો.’
ADVERTISEMENT
નવી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અસિસ્ટન્ટ પોલીસ-કમિશનર અજય લાંડગેએ અપીલ કરી હતી કે રીલ બનાવવાના ચક્કરમાં સામાજિક ભાવના દૂભવવી કે ભય નિર્માણ કરવો એ ગુનો છે એથી કોઈએ આવો પ્રયાસ ન કરવો.

