પંજાબ ૧૫.૩ ઓવરમાં ૧૧૧ રન પર આૅલઆઉટ થયું, પણ કલકત્તાને ૧૫.૧ ઓવરમાં ૯૫ રનમાં ઘરભેગી કરીને હોમ ટીમે ૧૬ રને બાજી મારી. આ પહેલાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ૨૪૫ રનનો સ્કોર ડિફેન્ડ કરવામાં નિષ્ફળ રહેલા પંજાબના બોલર્સે ૧૧૧ રનના ટોટલને ડિફેન્ડ કરીને ઇતિહાસ રચ્યો
પંજાબ કિંગ્સના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ
IPL 2025ની ૩૧મી મૅચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે લો-સ્કોરિંગ મૅચમાં પંજાબ કિંગ્સે ૧૬ રને રોમાંચક જીત મેળવી હતી. હોમ ટીમ પંજાબે ૧૫.૩ ઓવરમાં ૧૧૧ રનના સ્કોર પર પોતાની તમામ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ પોતાના બોલર્સના શાનદાર પ્રદર્શનના આધારે કલકત્તાને ૧૫.૧ ઓવરમાં ૯૫ રનના સ્કોર પર ધરાશાયી કરીને પંજાબે યાદગાર વિજય મેળવ્યો હતો. આ પહેલાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ૨૪૫ રનનો સ્કોર ડિફેન્ડ કરવામાં નિષ્ફળ રહેલા પંજાબના બોલર્સે ૧૧૧ રનના ટોટલને ડિફેન્ડ કરીને ઇતિહાસ રચ્યો હતો. તેમણે ટુર્નામેન્ટના ઇતિહાસનો લોએસ્ટ ૧૧૧ રનનો સ્કોર ડિફેન્ડ કર્યો છે. ૨૦૨૪માં તેમણે કલકત્તા સામે ૨૬૨ રનનો સૌથી મોટો ટાર્ગેટ સફળતાપૂર્વક ચેઝ કરવાનો રેકૉર્ડ કર્યો હતો.
પંજાબના કૅપ્ટન શ્રેયસ ઐયરની ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરવાની રણનીતિ નિષ્ફળ ગઈ હતી, કારણ કે ઓપનર પ્રિયાંશ આર્ય (૧૨ બૉલમાં બાવીસ રન) અને પ્રભસિમરન સિંહ (૧૫ બૉલમાં ૩૦ રન) સિવાય તેના બધા બૅટ્સમેનોએ ગઈ કાલે ઘરઆંગણે સંઘર્ષ કર્યો હતો. આ જોડી સિવાય ફક્ત નેહલ વાઢેરા (નવ બૉલમાં ૧૦ રન), શશાંક સિંહ (૧૭ બૉલમાં ૧૮ રન) અને ઝૅવિયર બાર્ટલેટ (૧૫ બૉલમાં ૧૧ રન) જ ડબલ ડિજિટમાં રન બનાવી શક્યા હતા. ત્રીજા ક્રમે બૅટિંગ કરવા આવેલો શ્રેયસ ઐયર (બે બૉલમાં ઝીરો રન) પણ પોતાની જૂની ટીમ કલકત્તા સામે ફ્લૉપ રહ્યો હતો. ૧૦.૧ ઓવરમાં ૮૦ રનના સ્કોર પર સાત વિકેટ ગુમાવનાર પંજાબની ટીમના કેટલાક બૅટ્સમેનોએ બેદરકારીભર્યા અને ખરાબ શૉટ રમીને પોતાની વિકેટ ગુમાવી હતી.
કલકત્તા તરફથી હર્ષિત રાણા (પચીસ રનમાં ત્રણ વિકેટ) સૌથી સફળ બોલર રહ્યો, જ્યારે સ્પિનર્સ વરુણ ચક્રવર્તી (૨૧ રનમાં બે વિકેટ) અને સુનીલ નારાયણ (૧૪ રનમાં બે વિકેટ)એ બે-બે વિકેટ લીધી હતી. કલકત્તાની શાનદાર બોલિંગના કારણે પંજાબે ૮.૪થી ૧૫.૩ ઓવર વચ્ચે ૩૭ રનની અંદર છેલ્લી છ વિકેટ ગુમાવી હતી.
૧૧૨ રનના ટાર્ગેટ સામે કલકત્તાએ ૧.૨ ઓવરમાં ૭ રનના સ્કોર પર પોતાના બન્ને ઓપનર્સની વિકેટ ગુમાવી હતી. અહીંથી કૅપ્ટન અજિંક્ય રહાણે (૧૭ બૉલમાં ૧૭ રન) અને અંગક્રિશ રઘુવંશી (૨૮ બૉલમાં ૩૭ રન)એ ત્રીજી વિકેટ માટે પંચાવન રનની ભાગીદારી કરીને બાજી સંભાળી હતી, પરંતુ ૧૮ કરોડ રૂપિયાના સ્પિનર યુઝવેન્દ્ર ચહલે (૨૮ રનમાં ૪ વિકેટ) મિડલ ઑર્ડરમાં અજિંક્ય રહાણે, અંગક્રિશ રઘુવંશી, રિન્કુ સિંહ (નવ બૉલમાં બે રન) અને રમનદીપ સિંહ (એક બૉલમાં ઝીરો રન)ની વિકેટ લઈને ખલબલી મચાવી દીધી હતી. ૭.૪થી ૧૨.૫ ઓવર વચ્ચે કલકત્તાએ ૧૭ રનની અંદર ૭ વિકેટ ગુમાવી સરળ ટાર્ગેટ ચેઝ કરવાનો આત્મવિશ્વાસ પણ ગુમાવી દીધો હતો.
ઑલરાઉન્ડર આન્દ્રે રસેલે (૧૧ બૉલમાં ૧૭ રન) નવમી વિકેટ માટે વૈભવ અરોરા (૭ બૉલમાં ઝીરો રન) સાથે ૧૬ રનની ભાગીદારી કરીને જીતની આશા જાળવી રાખી હતી, પણ ફાસ્ટ બોલર્સ માર્કો યાન્સેન (૧૭ રનમાં ૪ વિકેટ) અને અર્શદીપ સિંહ (૧૧ રનમાં એક વિકેટ)ની ધારદાર બોલિંગને કારણે કલકત્તાએ ૯૫ રનના સ્કોર પર પોતાની છેલ્લી બન્ને વિકેટ ગુમાવી હતી. કલકત્તાએ પોતાની છેલ્લી આઠેય વિકેટ ૩૩ રનની અંદર ગુમાવી હતી.
IPLમાં એક ટીમ સામે સૌથી વધુ વિકેટ લેનાર બોલર્સ |
|
સુનીલ નારાયણ |
પંજાબ સામે ૩૬ વિકેટ |
ઉમેશ યાદવ |
પંજાબ સામે ૩૫ વિકેટ |
મોહિત શર્મા |
મુંબઈ સામે ૩૩ વિકેટ |
ડ્વેઇન બ્રાવો |
મુંબઈ સામે ૩૩ વિકેટ |
યુઝવેન્દ્ર ચહલ |
કલકત્તા સામે ૩૩ વિકેટ |
ADVERTISEMENT
પંજાબ કિંગ્સે ૧૬ વર્ષ જૂનો લોએસ્ટ સ્કોર ડિફેન્ડ કરવાનો રેકૉર્ડ તોડ્યો
૧૧૧ રનનો સ્કોર ડિફેન્ડ કરીને પંજાબે ૧૬ વર્ષ જૂનો લોએસ્ટ સ્કોર ડિફેન્ડ કરવાનો IPL રેકૉર્ડ તોડ્યો હતો. આ પહેલાં ૨૦૦૯માં ચેન્નઈ સુપર કિંગ્સે સાઉથ આફ્રિકાના ડરબનમાં પંજાબની ટીમ સામે ૧૧૬ રનનો સ્કોર ડિફેન્ડ કર્યો હતો. એ સમયે પંજાબની ટીમ ૧૧૭ રનના ટાર્ગેટ સામે ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૯૨ રન જ કરી શકી હતી. IPLની શરૂઆતથી ફ્લૉપ રહેલાં ૧૮ કરોડ રૂપિયાના પંજાબ કિંગ્સના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલે ગઈ કાલે શાનદાર બોલિંગ કરીને ૨૮ રનમાં ૪ વિકેટ સાથે મૅચવિનિંગ પર્ફોર્મ કર્યું હતું.

