ભારતના બંધારણને હિન્દી અને અંગ્રેજી ભાષામાં હાથેથી લખીને તૈયાર તો કર્યું પરંતુ પછી એ આકર્ષક લખાણને વધુ દીપાવવા માટે પાનાંઓની સજાવટ કરવા માટે કલાકારોની શોધ શરૂ થઈ
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
લેખન કળાનું બ્લૅક ઍન્ડ વાઇટ વર્ઝન છે. કળાનું કલરફુલ વર્ઝન એટલે ચિત્રકળા. નાનપણમાં ડ્રૉઇંગ કાયમ ગમતો વિષય રહેતો. ડૉટ્સ કનેક્ટ કરીને ચિત્ર બનાવવાનું અને પછી એમાં રંગો પૂરવાના. સારા લેખકના અક્ષરો ચિત્રની જેમ જોવાનું મન થાય અને સારા ચિત્રકારનું એક ચિત્ર હજારો શબ્દોનો સંદેશ આપી જાય.
પ્રેમ બિહારી રાયઝાદા નામના આર્ટિસ્ટિક હસ્તલેખકે (કૅલિગ્રાફિસ્ટે) ભારતના બંધારણને હિન્દી અને અંગ્રેજી ભાષામાં હાથેથી લખીને તૈયાર તો કર્યું પરંતુ પછી એ આકર્ષક લખાણને વધુ દીપાવવા માટે પાનાંઓની સજાવટ કરવા માટે કલાકારોની શોધ શરૂ થઈ. અનેક તપાસો બાદ અને નમૂનાઓની ચકાસણી બાદ બે કલાકારોની પસંદગી થઈ.
ADVERTISEMENT
કલાકારોને શીખવતી અને તૈયાર કરતી એ વખતે ઘણી સંસ્થાઓ કાર્યરત હતી. દેશની એક પ્રતિષ્ઠિત કલાસંસ્થા એટલે શાંતિનિકેતન. એમાંથી આ બન્ને કલાકારો તૈયાર થયેલા. બન્નેનાં નામ હતાં નંદલાલ બોઝ અને વ્યોહર રામમનોહર સિંહા. ઈસવી સન ૧૮૮૨માં જન્મેલા નંદલાલ બોઝે અવનીન્દ્રનાથ ટાગોર (રવીન્દ્રનાથના ભત્રીજા) પાસેથી ભારતીય શૈલીની ચિત્રકળાની ખાસ તાલીમ લીધી હતી. આઝાદીની લડત વખતે તેમની દેશભક્તિની ભાવનાને અને અંગ્રેજો પ્રત્યેના આક્રોશને તેઓ ચિત્રો દ્વારા રજૂ કરતા. ભાવનાઓને મક્કમ રીતે રજૂ કરવાનું એક સક્ષમ માધ્યમ છે ચિત્રકળા. કાર્ટૂન્સ અને મીમ્સ એનું આધુનિક સ્વરૂપ છે.
નંદલાલ બોઝ સાથે કામ કરનારા રામમનોહર આમ તો તેમના જ શિષ્ય. બાય ધ વે, બોઝે સત્યજિત રાય જેવા અનેક કલાકારોને પણ તૈયાર કર્યા હતા. બોઝને એક રીતે કાયમ યાદ કરવામાં આવશે કારણ કે ભારતરત્ન, પદ્મશ્રી વગેરે મેડલોના ડિઝાઇનર તેઓ હતા. બંધારણનાં ચિત્રોમાં ભારતનો ઇતિહાસ-ધર્મ-સંસ્કૃતિ વગેરેનું પ્રતિબિંબ છે. આ ચિત્રો તૈયાર કરતી વખતે બોઝની ઉંમર ૬૬-૬૭ વર્ષની. આ વિગત વિશેષ ઉલ્લેખનીય છે.
બંધારણ માટે અંગ્રેજી શબ્દ ‘કૉન્સ્ટિટ્યુશન’ અંગ્રેજી આલ્ફાબેટ્સમાં કલાત્મક રીતે લખવાનું કાર્ય સિંહાએ કર્યું. ટાઇટલનું એ લખાણ બંધારણના પ્રારંભમાં જ અમદાવાદની વિખ્યાત સીદી સૈયદની જાળીની માફક કલાત્મક ફ્રેમ વચ્ચે લખાયું (રાધર, ચિતરાયું) છે. આ કલાકારો પોતાની કળામાં અસલિયત લાવવા એવી મહેનત કરતા કે બંધારણના પાના પર ભારતીય કળા ઊપસાવવા તેમણે સાંચી, અજન્ટા, ઇલોરા, સારનાથ, મહાબલિપુરમ વગેરે સ્થળોનો જાતે પ્રવાસ કર્યો અને નિરીક્ષણ કર્યું.
દેવનાગરી લિપિમાં તે પોતાનાં ચિત્રો સાથે ‘રામ’ અથવા ‘રામ મનોહર’ એવી સહી કરતા. બંધારણના શરૂઆતના પાનામાં આ રીતે ‘રામ’ તરીકે પોતાનું નામ લખ્યું છે. જે ભારતના બંધારણના પ્રારંભે અક્ષરાકાર રામ આજે પણ છે, વિધિની વક્રતા જુઓ કે એ જ દેશમાં આજે ‘રામ’ શબ્દ બોલવો એ સાંપ્રદાયિક ગણાવા માંડ્યું.


