અહીં પતિઓ તેમની પત્નીની લાંબી ઉંમર માટે પ્રાર્થના કરે છે.
કુડાળ ગામના પુરુષોએ વટ પૂર્ણિમાના વ્રતને એક નવો આયામ આપ્યો
સિંધુદુર્ગ જિલ્લાના કુડાળ ગામના પુરુષોએ વટ પૂર્ણિમાના વ્રતને એક નવો આયામ આપ્યો છે. અહીં પતિઓ તેમની પત્નીની લાંબી ઉંમર માટે પ્રાર્થના કરે છે. જેઠ પૂર્ણિમાના દિવસે મહિલાઓ વડની પૂજા કરીને પતિની લાંબી આયુ માટે વ્રત રાખતી હોય છે. જોકે કુડાળ ગામમાં છેલ્લાં ૧૬ વર્ષથી પુરુષો વડની પૂજા કરે છે અને વ્રત રાખે છે. આ અનોખી પહેલની શરૂઆત બૅરિસ્ટર નાથપાઈ શિક્ષણ સંસ્થાનના અધ્યક્ષ ઉમેશ ગલવણકરે કરી હતી. તેમનું કહેવું છે કે ‘સ્ત્રી અને પુરુષ જીવનરૂપી રથનાં બે પૈડાં છે. જો સ્ત્રી પોતાના પતિના લાંબા જીવન માટે કામના કરે તો પુરુષે પોતાની પત્ની માટે કેમ ન કરવી જોઈએ?’ આ વિચારથી પ્રેરાઈને ગામના લગભગ તમામ પુરુષો શ્રી ગાવલદેવ મંદિરમાં એકઠા થાય છે અને વડની ફરતે સૂતરની દોરી બાંધીને પૂજા કરે છે.

