° °

આજનું ઇ-પેપર
Sunday, 28 November, 2021


ઘર-ઘરમાં શક્તિની આસ્થા અપરંપાર

12 October, 2021 10:55 AM IST | Mumbai | Varsha Chitaliya

ગરબાના શોખીન ખેલૈયાઓના ઉત્સાહ પર ભલે પાણી ફરી વળ્યું હોય, પણ ઘરના માહોલને જોઈએ તો માતાજીની ભક્તિ માટેનો ઉમળકો એવો જ અકબંધ છે

કિર્તીદા મહેતા

કિર્તીદા મહેતા

ગરબાના શોખીન ખેલૈયાઓના ઉત્સાહ પર ભલે પાણી ફરી વળ્યું હોય, પણ ઘરના  માહોલને જોઈએ તો માતાજીની ભક્તિ માટેનો ઉમળકો એવો જ અકબંધ છે. પૂરી શ્રદ્ધા તેમ જ કૌટુંબિક પ્રથા અનુસાર ગરબાની સ્થાપના કરીને પરંપરાગત રીતે નવરાત્રિની ઉજવણી કરતી કેટલીક બહેનોને મળી જાણીએ નોખા રીતરિવાજો વિશે

કોવિડ મહામારીના કારણે સતત બીજા વર્ષે નવરાત્રિનું આયોજન રદ થતાં ખેલૈયાઓ નિરાશ થયા છે, પરંતુ ઘરની અંદરનો માહોલ જોઈએ તો આસ્થામાં જરાય ઓટ આવી નથી. નવ દિવસ માતાજીના ગરબાની સ્થાપના અને ​શક્તિ સ્વરૂપ મા જગદંબાની આરાધના કરવાની સદીઓ જૂની પરંપરા આજે પણ અનેક ઘરોમાં અખંડ રીતે જળવાઈ રહી છે. જોકે ગામે-ગામે બોલી બદલાય એવી જ રીતે ઘર-ઘરમાં જુદી રીત અને પ્રથા જોવા મળે છે. ચાલો ત્યારે આજે આપણે પરંપરાગત રીતે નવરાત્રિની ઉજવણી કરતી બહેનોને મળી તેમના નોખા રીતરિવાજો વિશે જાણીએ.

ગાયત્રીમાતાનું અનુષ્ઠાન

મા જગદંબા પર આસ્થા તો તમામ ભ​ક્તોની સરખી જ હોય છે પણ તેમની આરાધના કરવાની રીતો જુદી હોય છે, કારણ કે સામાન્ય રીતે બહેનો પેઢી-દર પેઢીથી સાસરીમાં ચાલી આવતી પ્રથાને અનુસરવામાં માને છે.

અમારા ઘરમાં અગાઉ બે કોરા ગરબાની સ્થાપના થતી હતી એમ જણાવતાં દહિસરનાં બીના ઠક્કર કહે છે, ‘કોરા એટલે માટીના સાદા ગરબા. પાટલા પર માતાજીની મૂર્તિ અને ગરબા મૂકીએ. પાછળની દીવાલને ચૂંદડીથી શણગારીએ. અષ્ટમીના દિવસે આ ગરબાને સફેદ રંગ કરીએ. જ્યાં-જ્યાં કાણાં હોય ત્યાં સિંદૂર વડે ટપકાં કરવાનાં. ત્યાર બાદ ખીર-પૂરી અને નાળિયેરનો થાળ ધરવામાં આવે. પરણીને આવી ત્યારથી નોરતાંમાં એકટાણાં કરું છું. માતાજીનો અખંડ દીવો પણ ચાલુ હોય. દશેરાના દિવસે ગરબાની ઉપર જલેબી મૂકી મંદિરે વળાવી આવીએ. સમય અને સંજોગો પ્રમાણે થોડાં વર્ષથી પ્રથામાં ફેરફાર કર્યો છે. બે ગરબા લેવા અને વળાવવા માટે બે બહેનોની ઉપસ્થિતિ દર વખતે શક્ય નથી હોતી. બીજું, માર્કેટમાં કોરા ગરબા સરળતાથી મળતા નથી તેથી હવે ડેકોરેટ કરેલો એક ગરબો લઈએ છીએ. બાકીની પરંપરાઓ જાળ‍વી રાખી છે. કુટુંબમાં ચાલી આવતી પ્રથાને આગળ ધપાવવાની સાથે હું ગાયત્રી માતાનું અનુષ્ઠાન લખું છું. એમાં ૨૪૦૦ મંત્ર છે. દરરોજ સાત-આઠ પાનાં ભરાય એટલું લખું તો દશેરા સુધી બધા મંત્રો લખાઈ જાય અને એક અનુષ્ઠાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. અમારા ઘરની નીચે મોટા પાયે નવરાત્રિનું આયોજન થાય છે. સાંજના સાત વાગે એટલે સ્પીકરનો અવાજ શરૂ થઈ જાય. કોવિડમાં આ અવાજ શાંત થઈ જતાં સૂનું-સૂનું લાગે છે ખરું, પરંતુ ઘરમાં માતાજીની ભક્તિનો ઉત્સાહ અકબંધ છે.’

આનંદ અપરંપાર

રહેવાસી સોસાયટીઓમાં રાસ-ગરબાનું આયોજન થાય અને ભક્તો ભેગા મળીને આનંદ કરે એ નવું નથી પણ બિલ્ડિંગની બધી બહેનો પોતાના ઘરમાં એકસરખી ડિઝાઇનના ગરબાની સ્થાપના કરે છે એવું સાંભળ્યું છે?

હાજીઅલી વિસ્તારમાં રહેતાં જસ્મિના સરવૈયાની સોસાયટીની બહેનોમાં નવરાત્રિ દરમિયાન ગજબની એકતા જોવા મળે છે. આ સંદર્ભે વાત કરતાં જસ્મિનાબહેન કહે છે, ‘સાતેક વર્ષ પહેલાં અમે બધાએ એકસરખી ડિઝાઇનના ગરબા લાવવાનું નક્કી કર્યું હતું. બધી બહેનો સાથે ગરબો લેવા જઈએ અને ગરબાને વળાવવા મહાલક્ષ્મી મંદિર પણ સાથે જ જવાનો નિયમ બનાવ્યો છે. જોકે ઘરની અંદર બધા પોતપોતાની રીતે ઉજવણી કરે. હું ઘરમાં મઢૂલી (નાનો મંડપ) બનાવું છું જેમાં ગરબાની સ્થાપના કરી અંબામા, હર્ષદી માતા, ચામુંડા, ખોડિયાર મા એમ સાત સ્વરૂપને તેડાવું છું. આજુબાજુમાં સિંહ અને રંગબેરંગી દાંડિયા પણ મૂકવાના. ગરબા રમવા પધાર્યા હોય એવા ભાવ સાથે સાતેય માડીને દરરોજ જુદી-જુદી પણ એક જ રંગની ચૂંદડી પહેરાવું. અમારા મૂળ સ્થાનકમાં સાત માતાજી બિરાજતાં હોવાથી આ પ્રથા અનુસરીએ છીએ. દસ દિવસ મન અને ઘરનું વાતાવરણ પ્રફુલ્લિત રહે. અષ્ટમીના દિવસે વડાં, લાપસી, તલવટ વગેરે મળીને સાત પ્રકારના નિવેદ ધરાવીએ. સામગ્રીનું પ્રમાણ વધુ હોવાથી ખૂટતી નથી તેથી સાંજના દીવાબત્તી પહેલાં હાજીઅલીના દરિયામાં પધરાવી દઈએ. નિવેદ પધરાવતાં હોઈએ ત્યારે હજારોની સંખ્યામાં માછલીઓ આવી જાય એ જોઈને સંતોષ થાય. આમ દિવાળી કરતાં નવરાત્રિમાં અમને વધુ આનંદ આવે છે.’ 

પ્રથા કરતાં શ્રદ્ધા મહત્ત્વની

‘આમ તો જૈનિઝમને ફૉલો કરનારા પરિવારોમાં ગરબાની સ્થાપના ખાસ જોવા મળતી નથી, પરંતુ અમે ૧૯૬૪ની સાલથી માતાજીને તેડાવીએ છીએ. મારા હસબન્ડનો જન્મ નોરતાંમાં થયો છે અને સાસુને પહેલેથી અંબામા પર ખૂબ શ્રદ્ધા હતી. શિક્ષિકા હોવાના નાતે તેમની વિચારધારા આધુનિક હતી તેમ જ દરેક તહેવારને એકસરખું મહત્ત્વ આપતાં. હું પરણીને આવી ત્યારે તેમણે આ વિચારો મને વારસામાં આપ્યા છે.’

આ શબ્દો સાથે વાતની શરૂઆત કરતાં કાંદિવલીનાં સોનલ ગાંધી કહે છે, ‘નવરાત્રિ દરમિયાન ઘરનું વાતાવરણ પ્રસન્ન રહે, લક્ષ્મીજીનો વાસ થાય અને પૉઝિટિવ વાઇબ્સ મળે એવી શ્રદ્ધા સાથે અમે ગરબાની સ્થાપના કરીએ છીએ. ડેકોરેશનનો જબરો શોખ છે તેથી ગરબો એકદમ ઝગમગતો અને ડેકોરેટિવ લાવીએ. દિવાળીની જેમ તોરણ અને લાઇટિંગ પણ કરીએ. ઘરમાં ઉત્સવ જેવું લાગવું જોઈએ. રીતરિવાજોમાં કોઈ ફરજિયાતપણું નહીં. આભડછેટ ન થાય અને ગરબો ખંડિત ન થઈ જાય એટલું એનું ધ્યાન રાખવાનું. અંદરથી ઉમળકો અને શ્રદ્ધા હોય તો અન્ય પ્રથાની આવશ્યકતા નથી. સાંજના સમયે આરતી કર્યા બાદ ઘરની અંદર ગરબા રમીએ ત્યારે મન ખુશ થઈ જાય. છેલ્લા દિવસે આખો પરિવાર વાજતે-ગાજતે અને જય ભવાની જય અંબે બોલતાં-બોલતાં ગરબાને વળાવવા જાય. ગયા વર્ષે મંદિરોનાં કમાડ બંધ હતાં ત્યારે કૉર્પોરેટરે વ્યવસ્થા કરી હતી. આ વર્ષે કદાચ શંકરના મંદિરે જવા મળશે.’

આઠમના નૈવૈદ્યનું મહત્ત્વ ખૂબ હોય

સાસુએ શરૂ કરેલી ગરબો લાવવાની પ્રથા ઘાટકોપરના કીર્તિદાબહેન મહેતાએ ચાલુ રાખી છે. જોકે એની પાછળ અતૂટ શ્રદ્ધા ભળી જીવને આપેલી મુશ્કેલીઓએ. બાર વર્ષની દીકરીનો ઍક્સિડન્ટ થયો અને તે વ્હીલચૅર પર આવી ગઈ ત્યારે દીકરીને કુળદેવી અંબા માની શક્તિ મળી રહે એ તેમનું મોટિવેશન બની ગયું. કીર્તિદાબહેન કહે છે, ‘આવેલી આપદામાં મા મારી દીકરીને શક્તિ આપે એ પ્રાર્થના સાથે મેં આઠમના નૈવેદ્યની શરૂઆત કરી. બાકી આ નવ દિવસ દરમ્યાન ઘરમાં જે પવિત્ર સ્પંદનો પેદા થાય એ આખું વર્ષ તમને શક્તિ આપતા રહે. મા તમારી સાથે જ છે એવું લાગે. અખંડ દીવો, રોજ આરતી અને ગરબા ગાવાની સાથે નૈવેદ્ય ધરાવાય એ ખાસ હોય. અમારામાં નૈવેદ્યમાં સાત ચીજો અચૂક બને. લાપસી, ખીર, જુવાર પલાળી-છડીને બનતો ખીચડો, ખીરના ભાત, તલવટ, પડવાળી પોળી અને બાકડા. આ નૈવૈદ્ય પરિવારજનોમાં જ વહેંચાય એટલે એ દિવસે સગાંવહાલાઓનું સાથે જ જમવાનું રાખીએ. મા એ શક્તિનું એવું સ્વરૂપ છે અને શ્રદ્ધા હોય તો એનો પરચો અચૂક મળે.’

12 October, 2021 10:55 AM IST | Mumbai | Varsha Chitaliya

અન્ય લેખો

સંસ્કૃતિ અને વારસો

સેકન્ડ ઇનિંગ્સમાં સિરૅમિક શિલ્પી તરીકે કાઠું કાઢ્યું છે આ ઇન્ટીરિયર ડિઝાઇનરે

સ્કલ્પ્ચરના ક્ષેત્રમાં બહુ ઓછી ગુજરાતી મહિલાઓ આગળ વધે છે, પણ મુલુંડમાં રહેતાં અનંતિ વાલા એમાં અપવાદ છે. ૪૦ વર્ષની એજ પછી તેમણે શિલ્પકળા શીખીને મન મોહી લે એવા કલાત્મક નમૂના તૈયાર કર્યાં છે જેના એક્ઝિબિશન યોજાય છે

18 November, 2021 05:38 IST | Mumbai | Sejal Patel
સંસ્કૃતિ અને વારસો

ભાઈબીજ : ભાઈને ટીકો કરવાનો સમય અને તહેવારનું મહત્વ જાણો અહીં

ભાઈબીજને યમ દ્વિતિયા તરીકે પણ ઓળખવામાં આવે છે

06 November, 2021 10:29 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સંસ્કૃતિ અને વારસો

Govardhan Puja 2021: જાણો આજના શુભ દિવસનું વિશેષ મહત્ત્વ અને પૌરાણિક કથા

અન્નકૂટ અથવા ગોવર્ધન પૂજા ભગવાન કૃષ્ણના અવતાર પછી દ્વાપર યુગથી શરૂ થઈ છે.

05 November, 2021 02:55 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK