માનવીની ચેતનાને જાગૃત કરવામાં, પોષવામાં અને વિસ્તારવામાં સત્સંગની ભૂમિકા ખૂબ જ મોટી છે. માનવી અનેક શુભ સંસ્કારો અને સંકલ્પોનું મનમાં બીજારોપણ કરે, પરંતુ જો તેને સત્સંગ મળતો ન રહે તો બધા જ શુભ સંકલ્પો, સંસ્કારો શિથિલ થઈ જાય છે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)
માનવીની ચેતનાને જાગૃત કરવામાં, પોષવામાં અને વિસ્તારવામાં સત્સંગની ભૂમિકા ખૂબ જ મોટી છે. માનવી અનેક શુભ સંસ્કારો અને સંકલ્પોનું મનમાં બીજારોપણ કરે, પરંતુ જો તેને સત્સંગ મળતો ન રહે તો બધા જ શુભ સંકલ્પો, સંસ્કારો શિથિલ થઈ જાય છે. ફીકા પડી જાય છે. ‘પોષકાભાવે તુ શિથિલમ્’ પોષકનો અભાવ થાય તો મન શિથિલ થઈ જાય છે. શ્રદ્ધા, ભક્તિ, ઉત્સાહ વગેરેમાં ઓટ આવવા લાગે છે. આવી શિથિલતા ન આવે એ માટે નિત્ય સત્સંગપરાયણ રહેવું જોઈએ.
આ જ કારણે જ્ઞાનમાર્ગમાં, ઉપાસનામાર્ગમાં, ભક્તિમાર્ગમાં કે યોગ, વૈરાગ્ય વગેરે સાધનોમાં દુઃસંગના ત્યાગ પર અને સત્સંગના સેવન પર સર્વદા ભાર મૂક્યો છે. માનવી જે સાધન વડે, સાધના વડે જે સિદ્ધિ પ્રાપ્ત કરવા ઇચ્છતો હશે. ભક્ત, તપસ્વી, યોગી, સંન્યાસી કે જીવનમુક્ત થવાની દિશાએ તે આગળ ધપતો હશે તો એ દરેકને સત્સંગની આવશ્યકતા પડવાની. તે-તે સાધકને શુભ મંગલમય સત્ તત્ત્વોની આવશ્યકતા સત્સંગ દ્વારા પ્રાપ્ત થશે અને સુરક્ષિત રહેશે. તેને પોષણ મળતું રહેશે.
જેમ દરેક સજીવ પદાર્થને પોષણની જરૂર પડે છે. પોષણ વગર શિથિલતા આવી જાય છે. જેમ છોડને ખાતર અને પાણીનું પોષણ જોઈએ. શરીરને જીવવા માટે અન્ન, જળ અને વાયુનું પોષણ જોઈએ. એમ સદ્ભાવોના વિકાસ માટે સત્સંગરૂપી ખાતરનું પોષણ અત્યંત આવશ્યક છે.
પરમ શ્રદ્ધાવાન મહાપુરુષોનું વચનામૃત કે સાંનિધ્ય આપણને આપણા ભાવને, આપણી શ્રદ્ધાને સુદૃઢ બનાવવામાં ખૂબ જ સહાય કરે છે. પવિત્ર, શીલવાન વ્યક્તિનો સંગ કેટલીય વ્યક્તિઓનાં જીવનમાં પવિત્રતાનો સંચાર કરે છે. એક ધૈર્યવાન મહાપુરુષનું ચરિત્ર કેટકેટલા સાધારણ માનવીઓને પણ જીવનની વિષમ વિટંબણાઓ સહન કરવાનું સામર્થ્ય આપે છે.
કંચનનો સંગ મળે તો કાચનેય મરક્તમણિની શોભા સાંપડે છે. ઉત્તમનો સંગ અધમને પણ ઉચ્ચતા આપે છે. પવનના સંગે ધૂળ પણ આકાશમાં ઊંચે ચડી જાય છે અને એ જ ધૂળ જો જળનો સંગ કરે તો કીચડમાં ભળી જાય છે. ધુમાડી જો ‘મજુમશિ’ શાહી બને તો પુરાણોના લેખનમાં ઉપયોગમાં આવે છે અને ધુમાડાને જો જલ, અગ્નિ અને પવન (ત્રણ દેવો)નો સંગ મળે તો મેઘ બને છે અને જગતને જીવનદાયક બની જાય છે. પારસમણિનો સ્પર્શ લોખંડને માત્ર સોનું બનાવે છે પણ સાધુપુરુષોનો સંગ તો દરેકને પોતાના જેવો જ ઉત્તમ બનાવે છે.
ભક્ત કવિ દયારામભાઈ કહે છે: તુજ સંગે કોઈ વૈષ્ણવ થાયે તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં લગી તું કાચો

