તેમને મન કરકસરનું મહત્ત્વ એટલું બધું મોટું હોય છે કે તેમને આ બાબતમાં પાછા વાળવા કઠિન બની રહે છે.
પ્રતીકાત્મક તસવીર
લાલ બહાદુર શાસ્ત્રીને એક વખત લંડનમાં એક સંમેલનમાં જવાનું હતું. એમાં ઘણા દેશના વડા પ્રધાનો ભેગા થવાના હતા. તેમની પાસે બે જ કોટ હતા, જેમાંથી એકને તો કાણું પડેલું હતું. તેમના મિત્ર વેન્કટરામને નવો કોટ સીવડાવવા કહ્યું. શાસ્ત્રીજીએ ના પાડી. વેન્કટરામને પરાણે દરજીને બોલાવીને માપ લેવડાવ્યું. શાસ્ત્રીજી કહે, ‘એક કામ કરો. આ વખતે મારો આ જૂનો કોટ ઊંધો કરીને સીવી દો. જો સારો નહીં લાગે તો નવો સીવડાવીશું.’
દરજી કોટને રિપેર કરીને લાવ્યો. કોટ જોઈને શાસ્ત્રીજી કહે, ‘આપણને પણ ખબર નથી પડતી કે આ રિપેર કરેલો છે તો સંમેલનમાં બીજાને કેવી રીતે ખબર પડવાની છે? માટે આ કોટ ચાલશે.’
ADVERTISEMENT
મહાપુરુષો કરકસર કરવામાં ગમે ત્યાંથી માર્ગ કાઢી લે છે. તેમને મન કરકસરનું મહત્ત્વ એટલું બધું મોટું હોય છે કે તેમને આ બાબતમાં પાછા વાળવા કઠિન બની રહે છે.
૨૦૦૬ની ૧૪ ડિસેમ્બરની વાત છે. પરમપૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ ગાડીમાં નડિયાદથી અમદાવાદ જતા હતા. આ દરમ્યાન તેઓ પત્રવાંચનમાં વ્યસ્ત હતા. એક મોટો કાગળ સ્વામીશ્રીએ હાથમાં લીધો. પાનાં વધારે હતાં. પાનાં ખોલવા જતાં એમાં ભરાવેલી સેફ્ટી પિન નીચે પડી ગઈ એટલે સ્વામીશ્રીએ પાનાં બાજુ પર મૂક્યાં અને નીચા વળીને પગ આગળ સંતાઈને પડેલી સેફ્ટી પિન શોધવાનો પ્રયત્ન કર્યો. સેફ્ટી પિન બે પગની વચ્ચે પડી હતી. સ્વામીશ્રી ચાલુ ગાડીએ નીચે નમીને એ લઈ શકે એવી પરિસ્થિતિ નહોતી. તેમણે યુક્તિ વાપરી. પત્ર માટેનું મોટું કવર તેમણે હાથમાં લીધું અને ત્યાર બાદ બન્ને હાથે કવરને આડું પકડ્યું અને કચરો લેવા માટે જેમ સૂપડીનો ઉપયોગ કરીએ છીએ એ સ્થિતિમાં થોડાક નીચા વળીને સેફ્ટી પિનને કાગળ ઉપર સેરવી લીધી અને ત્યાર બાદ એ સેફ્ટી પિનનો ફરીથી ઉપયોગ કરવા માટે કવરમાં મૂકી દીધી.
શિક્ષણથી માંડીને કૅટલકૅમ્પ સુધીની અનેકવિધ સમાજલક્ષી સેવાઓમાં કરોડો રૂપિયાનું યોગદાન આપનાર આ સંતને મન નાની સેફટી પિન પણ નકામી ન જાય એની જાગૃતિ હતી.
સામાન્ય રીતે નાની-નાની વસ્તુઓનો બગાડ આપણને ખૂંચતો નથી.
જમ્યા પછી નિયમિત રીતે વધતી રસોઈને જોઈને આપણને થાય કે ‘આટલામાં શું?’
ખોટેખોટી લાઇટો ઘરમાં બળતી હોય તો પણ આપણને થાય કે ‘આટલામાં શું?’
ફોન ઉપર કલાકો સુધી વાતો કરવામાં સમયનો બિનજરૂરી વ્યય થાય તો પણ આપણને લાગે કે ‘આટલામાં શું?’
પણ આ વિચારસરણીએ જ કેટલાય લોકોનું પતન કર્યું છે.
ઘણી વખત ખૂબ પ્રયત્નો કર્યા પછી પણ જોઈએ એટલા પૈસા આપણે કમાઈ નથી શકતા, એ આપણા હાથમાં નથી હોતું; પણ પૈસાનો વપરાશ તો આપણા હાથમાં હોય છેને! તો જે વસ્તુ આપણા હાથમાં છે એના પર શું કામ આપણે કેન્દ્રિત ન થઈએ?
-પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીBAPS સ્વામીનારાયણ સંસ્થા

