જુહુમાં રહેતી રાહી અંબાણીએ લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સમાં સ્ટૅટિસ્ટિક્સમાં માસ્ટર્સ કર્યું અને તેની નાની બહેન રૈનાએ લંડનથી જ સ્પોર્ટ્સ એન્જિનિયરિંગની ડિગ્રી લીધી છે.
રાહી (ડાબે) અને રૈના અંબાણી પોતાની જ બ્રૅન્ડનાં કપડાંમાં
જુહુમાં રહેતી રાહી અંબાણીએ લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સમાં સ્ટૅટિસ્ટિક્સમાં માસ્ટર્સ કર્યું અને તેની નાની બહેન રૈનાએ લંડનથી જ સ્પોર્ટ્સ એન્જિનિયરિંગની ડિગ્રી લીધી છે. ભણવાનું પત્યા પછી વિદેશમાં થોડો સમય કામ કર્યા બાદ પોતાના દેશમાં કંઈક તો અનોખું કરવાની ઝંખના દૃઢ બની એટલે ભારત આવીને બે વર્ષ પહેલાં ‘ટેરાઍક્ટિવ’ નામની કંપની શરૂ કરી, જેનો ગ્રોથ જોઈને હવે ઇન્વેસ્ટરો પણ તેમની સાથે જોડાવા શરૂ થયા છે
આજના સમયમાં સ્ટાર્ટઅપ કરવું સરળ છે પરંતુ એને ટકાવી રાખવું અઘરું છે. જોકે નિષ્ઠા સાથે જો આગળ વધો અને તમારા આઇડિયામાં દમ હોય તો રસ્તા નીકળી જ જતા હોય છે. પાર્લામાં રહેતી ૨૪ વર્ષની રૈના અને ૨૮ વર્ષની રાહી અંબાણીનો આ પ્રત્યક્ષ અનુભવ છે. આ બહેનો દિવસ-રાત મહેનત કરીને પોતાની સ્પોર્ટ્સવેઅર બ્રૅન્ડને માર્કેટમાં આગળ વધારવાના પ્રયાસો કરી રહી છે અને તેમના પ્રયાસોને સફળતા પણ મળી છે. વીસ લાખના કૅપિટલ સાથે ‘ટેરાઍક્ટિવ’ બ્રૅન્ડ નેમ સાથે કંપની શરૂ કરી, જે આજે એક કરોડથી વધુનું ટર્નઓવર ધરાવે છે. આ આખું સ્ટાર્ટઅપ શરૂ કઈ રીતે થયું અને એની ખાસિયત શું છે એ જાણીએ.
ADVERTISEMENT
લૉન્ચ વખતે બ્રૅન્ડનું પ્રમોશન કર્યું હતું આવી પેઇન્ટ કરેલી શાકભાજીની ટ્રકમાં.
કંઈક નવું કરવું હતું
લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સમાં રાહીએ માસ્ટર્સ કર્યું અને તેનાથી ચાર વર્ષ નાની બહેન રૈનાએ લંડનથી જ સ્પોર્ટ્સ એન્જિનિયરિંગની ડિગ્રી લીધી. બન્નેનું એજ્યુકેશનલ બૅકગ્રાઉન્ડ જુદું હતું અને છતાં બન્નેએ સાથે મળીને એક નવી જ પ્રોડક્ટ ડિઝાઇન કરીને એને લૉન્ચ કરવાનું કેવી રીતે નક્કી કર્યું એની વાત કરતાં રાહી કહે છે, ‘હું લંડનમાં જ એક કંપનીમાં જૉબ કરી રહી હતી. રૈના શ્રીલંકામાં એક સ્પોર્ટ્સવેઅર બનાવતી કંપનીમાં કન્સલ્ટન્ટ હતી. એ કંપનીમાં લગભગ સવા લાખ એમ્પ્લૉઈઝ કામ કરે છે. અમે બન્ને બહેનો જુદા દેશમાં હતી અને જુદું કામ કરતી હતી પણ પોતાનું કંઈક કરવું અને એ પણ ઇન્ડિયામાં રહીને, આપણા દેશની ઇકૉનૉમી સ્ટ્રૉન્ગ થાય અને આપણા દેશના લોકોને એમ્પ્લૉયમેન્ટ આપવામાં નિમિત્ત બનીએ એ થૉટ પ્રોસેસ અમારા બન્નેમાં સ્ટ્રૉન્ગ હતી. બસ, એના જ આધારે નક્કી કર્યું અને અમારી જૉબ છોડીને મુંબઈ આવવાનો વિચાર અમારા પપ્પા પરિતોષ અંબાણીને કહ્યો. તેઓ તો આ વાતથી વધુ ખુશ થયા અને કોવિડ પછી અમે ભારત આવીને અમારું પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું.’
એકદમ નવું ફીલ્ડ
ભારતમાં આજે પણ સ્પોર્ટ્સ એન્જિનિયરિંગની બાબતમાં એવી અવેરનેસ નથી. રૈના કહે છે, ‘સ્પોર્ટ્સ આપણે ત્યાં વીકસી રહ્યું છે. સામાન્ય ઘરોમાંથી પણ સ્પોર્ટ્સમૅન બનવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને સરકાર તરફથી પણ સપોર્ટ સિસ્ટમ ઊભી કરવાના પ્રયાસ થઈ રહ્યા છે એટલે જ મેં આ ફીલ્ડ પસંદ કર્યું હતું. ભારતમાં ઇન્ડિવિજ્યુઅલ રીતે સ્પોર્ટ્સને એન્હૅન્સ કરવાના પ્રયાસોમાં ઘણો સ્કોપ છે. સ્પોર્ટ્સમૅનની પ્રત્યેક જરૂરિયાતને સાયન્ટિફિકલી સ્ટડી કરીને પૂરી પાડો તો તેનો પર્ફોર્મન્સ સુધરે એ સ્પોર્ટ્સ એન્જિનિયરિંગની ખાસિયત. શ્રીલંકામાં મેં ફૅબ્રિક ડિઝાઇનિંગ જ નહીં, મેકિંગની દિશામાં પણ ઘણું કામ કર્યું હતું. એના પરથી જ ભારતમાં ભારતીય હવામાનના આધારે ફૅબ્રિક બનાવીને સ્પોર્ટ્સવેઅર બનાવવાં જોઈએ એવો વિચાર આવેલો કારણ કે આપણે ત્યાં સ્પોર્ટ્સવેઅરમાં મોટા ભાગે ઇન્ટરનૅશનલ બ્રૅન્ડ્સનું આધિપત્ય છે અને એમાંય જે પ્રોડક્ટ આપણને મળે છે એ અહીંની ક્લાઇમૅટિક કન્ડિશન અને આપણે ત્યાંના લોકોના સ્ટ્રક્ચરને અનુરૂપ હોતી નથી. આ આખો નવો એરિયા લાગ્યો અને મારી બહેન અને પપ્પા સાથે જ્યારે આ થૉટ શૅર કર્યો તો તેમને પણ વિચાર ગમી ગયો. અને બસ, બહેન લંડનથી અને હું શ્રીલંકાથી ઇન્ડિયા પાછી ફરી અને બ્રૅન્ડ પર રિસર્ચ વર્ક શરૂ કર્યું.’
સપોર્ટ મળ્યો ભરપૂર
રાહી શ્રીલંકામાં જે કંપનીમાં કામ કરતી હતી એ કંપનીમાંથી પણ તેને પોતાની પર્સનલ બ્રૅન્ડ માટે જોઈતો સપોર્ટ મળી ગયો. તે કહે છે, ‘અમે પપ્પા પાસેથી કંઈ જ લેવા નહોતા માગતા. અમારું પોતાનું બધું જ સેવિંગ મળીને વીસ લાખ રૂપિયા જેવા હતા. એના જ આધારે કંપની શરૂ કરવાની હતી. હું રમવામાં એક્સપર્ટ અને એક્સ્ટ્રોવર્ટ એટલે મેં ક્રીએટિવ કામ અને માર્કેટિંગ સંભાળી લીધું. રાહી મૅથેમૅટિક્સમાં બેસ્ટ, મૅનેજમેન્ટમાં એક્સપર્ટ એટલે તેણે એ કામ સંભાળ્યું. આમ વર્ક રિસ્પૉન્સિબિલિટીને ડિવાઇડ કરીને લગભગ ૨૦૨૩માં પ્રોડક્શનનું કામ શરૂ કર્યું. અમારી પાસે મૉડલને આપવા માટે પૈસા નહોતા એટલે પ્રોડક્ટના ડિસ્પ્લે માટે અમે જ મૉડલિંગ પણ કર્યું. બધું જ કામ બે બહેનોએ મળીને કર્યું અને ખૂબ સારો રિસ્પૉન્સ પણ મળ્યો.’
અદ્ભુત રિઝલ્ટ
૨૦૨૨માં ૨૧ અને ૨૫ વર્ષની ઉંમરે શરૂ કર્યું ત્યારે બે જણની ટીમ હતી અને હવે વીસ લોકોની ટીમ છે. રૈના કહે છે, ‘તમારાથી મોટી ઉંમરની વ્યક્તિને તમે હાયર કરતા હો ત્યારે એવું બને કે લોકો તમને સિરિયસલી ન લે પણ અમે અમારી પ્રોડક્ટને લઈને ખૂબ કૉન્ફિડન્ટ હતા. અમને લોકોનો ખૂબ સારો રિસ્પૉન્સ મળ્યો. તાજેતરમાં અનન્યા પાંડેએ અમારી પ્રોડક્ટને વખાણી હતી. અમે એવાં સ્પોર્ટ્સવેઅર બનાવ્યાં છે જેને તમે કૅઝ્યુઅલી પાર્ટીઓમાં પણ પહેરી શકો. ભારતના હવામાન સાથે તો મૅચ થાય જ પણ સાથે ઍન્ટિ-સ્વેટ અને ઍન્ટિ-બૅક્ટેરિયલ પ્રૉપર્ટી પણ છે. પ્લસ ડિઝાઇન્સ જે જનરલી સ્પોર્ટ્સવેઅરમાં ફિક્સ હોય એમાં અમે ઘણું વેરિયેશન લઈ આવ્યા. કંપનીની પંદર ટકા ઇક્વિટી અમે વેચી છે અને અને કંપની સતત ગ્રો કરી રહી છે. સાતથી આઠ ડિઝાઇન લૉન્ચ કરેલી જે આજે ૧૫૦થી વધુ ડિઝાઇન્સ છે. એક વસ્તુ અમને સમજાઈ છે કે પૅશન સાથે કોઈ કામ શરૂ કરો તો સફળતા નિશ્ચિત હોય છે. સતત હવે નવું શું કરીએ એ દિશામાં અમે વિચારતા હોઈએ છીએ. અમારા એક ટી-શર્ટની ડિઝાઇનના લગભગ પચાસ હજારથી વધુ પીસ વેચાયા છે. તમને નવાઈ લાગશે પણ અમે જ્યારે બ્રૅન્ડ લૉન્ચ કરી ત્યારે શાકભાજીના ખટારાને જાતે પેઇન્ટ કરીને અમારી નવી પ્રોડક્ટની ખાસિયતોને લોકો સમક્ષ મૂકી હતી. એ ટ્રક લઈને અમે આખું મુંબઈ ફર્યાં હતાં.’
એક જ ગોલ
શું કામ આપણે જ વિદેશી બ્રૅન્ડને સ્પોર્ટ્સમાં પહેરીએ. આપણી પોતાની બ્રૅન્ડ પણ એ જ ક્વૉલિટી સ્ટાન્ડર્ડની પ્રોડક્ટ બનાવી શકે અને દુનિયામાં ડંકો વગાડી શકે એમ જણાવતાં રાહી અને રૈના પોતાના આ ગોલ વિશે વાત કરતાં આગળ કહે છે, ‘અમે ખૂબ પ્રયાસ કરીએ છીએ ફૅબ્રિક, ડિઝાઇન્સ અને ઇન્ડિયાની નીડને ધ્યાનમાં રાખીને પ્રોડક્શન કરીએ અને સતત આગળ વધતાં રહીએ. અમારી બ્રૅન્ડનું નામ ‘ટેરાઍક્ટિવ’ પણ એટલે જ છે. ટેરા એટલે અર્થ, જમીન અને ઍક્ટિવ એટલે સતત સક્રિય. પ્રકૃતિના સંવર્ધન સાથે સતત સક્રિયતા સાથે આગળ વધતા રહેવું એ લક્ષ્યને અમે સ્પોર્ટ્સવેઅરમાં સમ્મિલિત કરી રહ્યા છીએ. ભારતમાં આ દિશામાં અત્યારે ખૂબ સ્કોપ છે એટલે ઇન્ડિયન માર્કેટને તો કવર કરીશું જ સાથે ઇન્ટરનૅશનલ માર્કેટમાં પણ આ બ્રૅન્ડ જાણીતી બને એ ગોલને પૂરો કરવાના પ્રયાસ અમે કરી રહ્યાં છીએ.’

