૯૦ના દાયકામાં જે હિટ ફૅશન ગણાતી હતી એ ફરીથી પાછી આવી રહી છે. લેપર્ડ અને ટાઇગર પ્રિન્ટ એમાં સૌથી મોખરે હતી અને હજીયે છે
ઍનિમલ પ્રિન્ટની ફેશન
૯૦ના દાયકાની હિટ ફૅશન ગણાતી ઍનિમલ પ્રિન્ટ્સ ફરી ફૅશન ટ્રેન્ડમાં આવી છે. ૨૦૨૪ના અંતમાં જાહેર થયેલા ૨૦૨૫ના ફૅશન ટ્રેન્ડમાં એવું કહેવાયું હતું કે ઍનિમલ પ્રિન્ટ ફરીથી દુનિયાભરમાં ગાજશે અને ટાઇગર અને લેપર્ડ પ્રિન્ટનો દબદબો વધશે. અત્યારે છેલ્લા બે મહિનામાં તમન્ના ભાટિયા, સુહાના ખાન, અનન્યા પાન્ડે જેવી અનેક સેલિબ્રિટીઝ જુદી-જુદી ઇવેન્ટમાં અને ફોટોશૂટમાં ઍનિમલ પ્રિન્ટના આઉટફિટમાં જોવા મળ્યાં હતાં. ઍનિમલ પ્રિન્ટનો ટ્રેન્ડ ઍક્સેસરીઝમાં પણ દેખાઈ રહ્યો છે. જો તમને પણ વાઇબ્રન્ટ ઍનિમલ પ્રિન્ટ ગમતી હોય તો ફૅશન ફૉલો કરવા તૈયાર થઈ જાઓ.
ઍનિમલ પ્રિન્ટ એટલે શું?
ADVERTISEMENT
ઍનિમલ પ્રિન્ટ એટલે લેપર્ડ, ટાઇગર, ડૉગ, ઝીબ્રા, હરણ, જિરાફ, સાપ (સ્નેક) આ બધાં પ્રાણીઓની કુદરતી ચામડી જેવી પ્રિન્ટ કાપડ પર કરવી. એ કાપડને ઍનિમલ પ્રિન્ટ મટીરિયલ કહે છે અને એ કાપડમાંથી ડ્રેસ બને એને ઍનિમલ પ્રિન્ટ આઉટફિટ કહે છે. આ પૉપ્યુલર ફૅશન-ટ્રેન્ડ ક્લોધિંગની સાથે-સાથે શૂઝ, સૅન્ડલ, હૅન્ડબૅગમાં પણ વપરાય છે. આ બધી જ ઍનિમલ પ્રિન્ટમાં લેપર્ડ ઍનિમલ પ્રિન્ટ સૌથી વધારે ડિમાન્ડમાં છે. ત્યાર બાદ ટાઇગર અને ડૉગ પ્રિન્ટની વાત આવે છે. સ્નેક-સ્કિન પ્રિન્ટ અલગ જ પસંદગી ધરાવતા લોકો પસંદ કરે છે.
કેવા આઉટફિટ બને છે?
ઍનિમલ પ્રિન્ટ ધરાવતાં વેલ્વેટ, શિફૉન, ક્રેપ, જ્યૉર્જેટ, સિલ્ક, કૉટન જેવાં મટીરિયલમાંથી ટ્રેડિશનલ ઇન્ડિયન, વેસ્ટર્ન, મૉડર્ન ઇન્ડિયન ફ્યુઝન બધા જ પ્રકારના આઉટફિટ બનાવી શકાય છે. ઍનિમલ પ્રિન્ટના વિવિધ પ્રકારના કાપડમાંથી દરેકેદરેક પ્રકારના જુદી-જુદી ડિઝાઇન અને પૅટર્નના આઉટફિટ બને છે. એકદમ મૉડર્ન મિની સ્કર્ટ હોય કે પછી છ વારની ટ્રેડિશનલ સાડી, બધે જ ઍનિમલ પ્રિન્ટ દેખાઈ રહી છે. ઍનિમલ પ્રિન્ટમાંથી કુરતી, સલવાર-કમીઝ અને સાડી, ટ્રેડિશનલ ડ્રેસિસ પણ ડિઝાઇનર્સ બનાવે છે. કફતાનથી લઈને કુરતી સુધી કે પછી પૅન્ટથી લઈને ટૉપ સુધી ઍનિમલ પ્રિન્ટ દેખાય છે. વેસ્ટર્ન આઉટફિટમાં ટી-શર્ટ, શર્ટ, સ્કર્ટ, ટૉપ, લૉન્ગ મિડી, ગાઉન, વન-પીસ ડ્રેસ, પ્લેન ડ્રેસ પર ઍનિમલ પ્રિન્ટનો સ્કાર્ફ કે દુપટ્ટો પણ ફૅશનમાં છે.
ઍનિમલ પ્રિન્ટ ઍક્સેસરીઝ
ઍનિમલ પ્રિન્ટ માત્ર કપડાંમાં જ નહીં, ઍક્સેસરીઝમાં પણ કૂલ લાગે છે.
ઍનિમલ પ્રિન્ટ અત્યારે આઉટફિટ્સની સાથે-સાથે ઍક્સેસરીઝમાં પણ ખૂબ જ હિટ છે. માત્ર કપડાંમાં જ નહીં પણ શૂઝ, જૅકેટ, બેલ્ટ, સૅન્ડલ, હૅન્ડબૅગ, પાઉચ, સનગ્લાસની ફ્રેમ જેવી બધા જ પ્રકારની ઍક્સેસરીઝમાં પણ ઍનિમલ પ્રિન્ટ દેખાઈ રહી છે અને એથી આગળ વધીને કાનની બુટ્ટીઓ, નેકલેસ કે પેન્ડન્ટ, બ્રેસલેટ જેવી જ્વેલરીમાં પણ ઍનિમલ પ્રિન્ટનો પગપેસારો થયો છે. નેઇલ આર્ટ અને બોલ્ડ આઇ મેકઅપમાં પણ ઍનિમલ પ્રિન્ટ દેખાઈ રહી છે. સ્નેક પ્રિન્ટનાં બેલ્ટ્સ અને પર્સ ખૂબ જ ઇન ફૅશન છે. જેઓ ઍનિમલ પ્રિન્ટના ડ્રેસ પહેરવાનું ઓછું પસંદ કરે છે તેઓ સ્નેક પ્રિન્ટનાં પર્સ અને બેલ્ટ યુઝ કરી ફૅશનને ફૉલો કરે છે.
ઍનિમલ પ્રિન્ટમાં શું ધ્યાન રાખવું?
બોલ્ડ અને બ્યુટિફુલ લુક મેળવવા માગતા હો કે થોડો કૅરફ્રી લુક જોઈતો હોય ત્યારે ઍનિમલ પ્રિન્ટ બહુ જ સરસ સાથ આપે છે. ઍનિમલ પ્રિન્ટ સાથે તમારી હેરસ્ટાઇલ મૉડર્ન જોઈએ, ફેસ ઉપર એક અલગ જ પ્રકારની ખુમારી અને કૉન્ફિડન્સ જોઈએ, મિનિમલ મેકઅપ અને મિનિમલ જ્વેલરી લુક જોઈએ.
ઍનિમલ પ્રિન્ટ સાથે પ્લેન આઉટફિટના લેયરિંગથી એટલે કે જોડે પ્લેન સ્કાર્ફ ઍડ કરવાથી કે પ્લેન જૅકેટ પહેરવાથી કે ઇનર તરીકે પ્લેન ટી-શર્ટ પહેરવાથી લુક બૅલૅન્સ થાય છે.
સ્કર્ટ, પૅન્ટ કે જૅકેટ... એક આઉટફિટ ઍનિમલ પ્રિન્ટનું હોય એની સાથે પ્લેન વાઇટ, ક્રીમ, બ્લૅક, બ્રાઉન કલરના આઉટફિટનું મૅચિંગ કરવું.
ઍનિમલ પ્રિન્ટના આઉટફિટ સાથે એકદમ મિનિમલ મેકઅપ રાખો. નો મેકઅપ લુક સારો લાગે છે. ન્યુડ મેકઅપ લુક પણ સૂટ થાય છે. જો મેકઅપ કરવો જ હોય તો માત્ર લિપ્સ અથવા તો માત્ર આઇઝ હાઇલાઇટ કરવા અને બીજે ન્યુડ કલર્સ યુઝ કરવા.
ઍનિમલ પ્રિન્ટ આઉટફિટ જોડે જ્વેલરીમાં એકદમ મિનિમલ જ્વેલરી સારી લાગે છે અને એ પણ ડાયમન્ડ અથવા પર્લ અથવા કોઈ જેમ સ્ટોન. બહુ ફંકી જ્વેલરી સૂટ થતી નથી. ટ્રેડિશનલ જ્વેલરી તો બિલકુલ સારી લાગતી નથી. હાઈ-એન્ડ ફૅશનમાં સિલ્ક અને વેલ્વેટ ઍનિમલ પ્રિન્ટ આઉટફિટ સાથે મૉડર્ન ડિઝાઇનની ગોલ્ડ ફિનિશની જ્વેલરી સારી લાગે છે.
ઍનિમલ પ્રિન્ટ સાથે પગમાં હાઈ હીલ સૅન્ડલ નહીં, નાની હીલવાળાં સ્ટ્રૅપવાળાં સૅન્ડલ અથવા કમ્ફર્ટેબલ શૂઝ અથવા તો ઍન્કલ લેન્ગ્થ શૂઝ પહેરી શકો છો. મિની સ્કર્ટ કે વન-પીસ સાથે ની સુધીનાં લેધર શૂઝ પણ બોલ્ડ અને ફૅશનેબલ લાગે છે.
ઍનિમલ પ્રિન્ટ સાથેની ઍક્સેસરીમાં કોઈ દિવસ ઍનિમલ પ્રિન્ટની ઍક્સેસરીઝ મૅચિંગમાં પસંદ કરવી નહીં. ઍનિમલ પ્રિન્ટ સાથે પ્લેન લેધરની ઍક્સેસરીઝ સરસ લાગે છે.
ઍનિમલ પ્રિન્ટની ઍક્સેસરીઝ વાપરતા હો ત્યારે આઉટફિટ પ્લેન બ્રાઉનના વિવિધ શેડ્સ કે બ્લૅક કે રસ્ટ કલરનો હોય તો એ ઍક્સેસરીઝ બહુ જ સરસ લાગે છે.
સ્ટાઇલિંગ આઇડિયા
ઍનિમલ પ્રિન્ટ તમને મૉડર્ન, બોલ્ડ અને ઍડ્વેન્ચરસ લુક આપે છે. એનાથી પર્સનાલિટી નીખરે છે અને કૉન્ફિડન્સ વધારે છે. એને જુદી-જુદી રીતે સ્ટાઇલ કરી શકાય છે. કાં તો આખો આઉટફિટ ઍનિમલ પ્રિન્ટ મટીરિયલનો હોય કાં થોડી ઍનિમલ પ્રિન્ટ ઇફેક્ટ પૅટર્ન પ્રમાણે વાપરવી. એક પ્લેન અને એક ઍનિમલ પ્રિન્ટ એમ બે આઉટફિટનું કૉમ્બિનેશન કરવામાં આવે છે. જો તમારે પણ ઍનિમલ પ્રિન્ટ યુઝ કરવી હોય તો આ રહ્યા કેટલાક આઇડિયાઝ ઃ
ઍનિમલ પ્રિન્ટનું વેલ્વેટ ટૉપ, વેલ્વેટ મટીરિયલનું ટી-શર્ટ એકદમ રિચ અને ડિફરન્ટ લુક આપે છે. એની સાથે બ્લૅક જૅકેટ અને ડેનિમ અને બ્લૅક ઍન્કલ લેન્ગ્થ શૂઝ બહુ સરસ લાગે છે .
ઍનિમલ પ્રિન્ટ મટીરિયલનું ફ્લેરવાળું મિડી પહેર્યું હોય તો વાળ ખુલ્લા રાખવા અને હાઈ ઍન્કલ લેન્ગ્થ શૂઝ પહેરવાં. આની સાથે નો-જ્વેલરી લુક સ્માર્ટ લાગશે.
પ્લેન બ્લૅક અથવા તો લેધર પૅન્ટ સાથે ઍનિમલ પ્રિન્ટનું શર્ટ અથવા ટી-શર્ટ, હાઈ પોનીટેલ અને શૂઝ કૅઝ્યુઅલ લુક માટે સરસ ઑપ્શન છે.
પાવર ડ્રેસિંગમાં ઍનિમલ પ્રિન્ટનો સૂટ કે બ્લેઝર પણ ઇનથિંગ છે. ફુલ લેન્ગ્થ કે મિડી લેન્ગ્થ ડ્રેસ પર પ્લેન બ્લેઝર પણ સરસ લાગે છે.
ઍનિમલ પ્રિન્ટની કુરતી, કફતાન કે સાડી સાથે ઓપન હેર રાખવા, મિનિમલ બ્લૅક સ્ટોનની કે ડાયમન્ડ જ્વેલરી અને બ્લૅક સૅન્ડલ પહેરવાં જોઈએ.

