બૉડીની નૅચરલ કર્વ્સને હાઇલાઇટ કરતા આ ડ્રેસ રૉયલ અને એલિગન્ટ લુક આપતા હોવાથી જેન-ઝી જનરેશન એને સૌથી વધુ પસંદ કરી રહી છે
બૅન્ડેજ ડ્રેસ
કેટલાક ટ્રેન્ડ એવા હોય છે જે ગાયબ થયા પછી થોડાં વર્ષો બાદ ફરીથી લોકપ્રિય થવા માંડે છે. બૅન્ડેજ ડ્રેસ એનું જીવંત ઉદાહરણ છે. ૧૯૯૦ના દાયકામાં પ્રખ્યાત થયેલી આ સ્ટાઇલ ફ્રેન્ચ ફૅશન-ડિઝાઇનરે લોકપ્રિય બનાવી હતી. આ ટ્રેન્ડ એટલો હિટ થયો કે સેલિબ્રિટીઝથી લઈને સામાન્ય યુવતીઓ એને પસંદ કરવા માંડી હતી. આ ટ્રેન્ડને વિદેશથી ભારત આવતાં એક દાયકો લાગ્યો હતો અને ભારતમાં એનો ક્રેઝ બહુ જોવા મળ્યો હતો, પણ થોડા સમય બાદ ઘટી ગયો અને ફૅશનની દુનિયામાંથી અલોપ થઈ ગયો. જોકે હવે નવા રંગરૂપમાં ફરીથી એ સ્ટાઇલ ટ્રેન્ડમાં આવી છે. આ ટ્રેન્ડમાં નવું શું છે અને જેન-ઝી એને કઈ રીતે સ્ટાઇલ કરી શકે છે એ વિશે ૨૬ વર્ષની ફૅશન-ડિઝાઇનર આરિયા દોઢિયા પાસેથી જાણીએ…
બૅન્ડેજ ડ્રેસ એટલે?
ADVERTISEMENT
બૅન્ડેજ એવો ડ્રેસ છે જે શરીર પર બરાબર ચોંટી જાય છે અને શરીરના આકારને સ્પષ્ટ રીતે દેખાડે છે. એનો લુક એવો લાગે જાણે પટ્ટા વડે બનાવાયો હોય એટલે જ એને ‘બૅન્ડેજ’ ડ્રેસ કહેવાય છે. આ ડ્રેસ સ્ટ્રેચી ફૅબ્રિકથી બનેલો હોય છે જેથી એ શરીરને સરસ રીતે ફિટ થાય અને બૉડીની કર્વને હાઇલાઇટ કરે. એ દેખાવમાં ખૂબ ગ્લૅમરસ, આકર્ષક અને સ્લિમ લાગતો હોવાથી અત્યારની યુવતીઓ એને પાર્ટી, ડિનર કે ખાસ પ્રસંગે પહેરવાનું પસંદ કરી રહી છે.
બૅન્ડેજ ડ્રેસમાં શું નવું છે?
અગાઉ બૅન્ડેજ ડ્રેસ મુખ્યત્વે નાયલૉન અને સ્પાન્ડેક્સના મિશ્રણથી બનેલા હતા, જે માત્ર સ્ટ્રેચી અને ફિટેડ હોવા માટે ઓળખાતા. હવે આ ડ્રેસ સ્ટ્રેચેબલ પૉલિએસ્ટર ફૅબ્રિકમાં વધુ જોવા મળે છે જે કોઈ પણ બૉડીશેપને પર્ફેક્ટ ફિટિંગ આપે છે. આ સાથે ડિઝાઇન્સમાં પણ ફેરફાર થયા છે. કમર કે કમર પાસે નાના કટ્સ વધુ બોલ્ડ અને સ્ટાઇલિશ બનાવે છે. એ ઉપરાંત સીધી હેમલાઇન્સને બદલે ઍન્ગલ એટલે કે આડીઅવળી હેમલાઇન ડ્રેસને વધુ ફન્કી લુક આપે છે. નવા બૅન્ડેજ ડ્રેસમાં ન્યુડ, પેસ્ટલ ટોન્સ ઉપરાંત મેટલિક, એવરગ્રીન બ્લૅક, રુબી રેડ અને એમરલ્ડ ગ્રીન જેવા રંગ છે. ટેક્સચરમાં ક્વિલ્ટિંગ, એમ્બ્રૉઇડરી અને શિમર પણ ઉમેરાયાં છે.
ફરીથી ટ્રેન્ડમાં કેમ આવ્યા?
અત્યારે બૉડીશેમિંગ કરતાં બૉડી-પૉઝિટિવિટીને વધુ મહત્ત્વ અપાઈ રહ્યું હોવાથી ઝીરો ફિગરથી લઈને પ્લસ સાઇઝ સુધીની યુવતીઓ આત્મવિશ્વાસ સાથે કોઈ પણ ડ્રેસ પહેરીને પોતાનું નૅચરલ ફિગર ફ્લૉન્ટ કરી શકે છે અને બૅન્ડેજ ડ્રેસ પણ આ રીતે જ બૉડીને હાઇલાઇટ કરે છે. સોશ્યલ મીડિયા પર ફૅશન-ઇન્ફ્લુએન્સર્સ ફરીથી બૅન્ડેજ ડ્રેસ ફ્લૉન્ટ કરતા હોવાથી એ ફરીથી ટ્રેન્ડમાં આવ્યા છે. એનાં કટઆઉટ્સ, અસિમેટ્રિકલ હેમલાઇન અને ઑફ-શોલ્ડર ડિઝાઇન એને વધારે આધુનિક બનાવે છે એથી એનો રૉયલ અને એલિગન્ટ લુક દરેક પાર્ટી કે ફૉર્મલ પ્રસંગ માટે આકર્ષક બને છે.
સ્ટાઇલ કઈ રીતે કરવી?
જો વાત સાવ ફૉર્મલ પ્રસંગની હોય તો ડ્રેસ પર લાઇટ બ્લેઝર કે ટ્રેન્ચ કોટ પણ સ્ટાઇલિશ લાગશે.
મેકઅપમાં સ્મોકી આઇઝ અને ન્યુડ લિપસ્ટિક ક્લાસી લાગે છે. હેરસ્ટાઇલ માટે સ્લીક સ્ટ્રેઇટ હેર, લૂઝ વેવ અથવા ક્લાસી બન પસંદ કરી શકાય.
ઍક્સેસરીઝમાં સ્ટેટમેન્ટ ઇઅરરિંગ્સ કે લૅમિનેટેડ હૂપ્સ શોભશે. આ સાથે ક્લચ-બૅગ અથવા મિની હૅન્ડબૅગ તમારા ડ્રેસને વધુ હાઇલાઇટ કરશે. જો તમારો ડ્રેસ ઑફ-શોલ્ડર હોય તો ચોકર નેકલેસ પણ સરસ લાગે. ચમકદાર રિંગ્સ અથવા બ્રેસલેટ પણ તમારા લુકને એન્હાન્સ કરશે.
બૅન્ડેજ ડ્રેસમાં હાઇટ વધુ દેખાય એવી ઇચ્છા હોય તો હાઈ હીલ્સ પહેરવી, નહીં તો કમ્ફર્ટેબલ અને સ્ટાઇલિશ લુક આપે એવી બ્લૉક હીલ્સ પણ સારી લાગશે.

