ચહેરા પર એક નાની લટ આખો લુક ચેન્જ કરી નાખે છે ત્યારે ચહેરાના આકાર મુજબ બૅન્ગ્સ સ્ટાઇલ હેરકટ કરાવશો તો રેગ્યુલર લુક કરતાં અલગ અને યુનિક લાગશે
બૅન્ગ્સ
એકસરખા લુકથી બોર થઈ ગયા તો સૌથી બેસ્ટ આઇડિયા છે હેરકટ કરાવી લો. એમાં જરૂરી નથી કે આખી હેરસ્ટાઇલ જ ચેન્જ કરવી પડે. આગળથી નાની બૅન્ગ્સ અથવા લટ તમારા ચહેરાને તદ્દન નવો અને ફ્રેશ લુક આપશે. આવી હેરસ્ટાઇલથી ચહેરાનો લુક જ ચેન્જ થઈ જાય છે. એમાંય ચહેરાના આકારને ધ્યાનમાં રાખીને બૅન્ગ્સ કરાવશો તો એ તમારા ફેસને હાઇલાઇટ કરશે.
આમ તો ક્લાસિક અથવા સ્ટ્રેટ બૅન્ગ્સ બહુ સારી લાગે છે, જેને આપણે સાધના કટ નામની હેરકટ તરીકે જાણીએ છીએ. આમ તો એ બધા પર જ સૂટ થાય છે. તમે થોડા અથવા વધુ વાળને આગળથી સૂટ થાય એ પ્રમાણે કરાવી શકો છો. જો તમારું ફોરહેડ એટલે કે કપાળ મોટું હોય તો આવી બૅન્ગ્સ બહુ મસ્ત લાગશે. જે યુવતીનો ચહેરો અંડાકાર અટલે કે લંબગોળ હોય તો તેના પર બધા જ પ્રકારની હેરસ્ટાઇલ સૂટ થાય છે પણ આવા ફેસ પર કર્ટન બૅન્ગ્સ સૂટ થશે. કર્ટન બૅન્ગ્સ એટલે વચ્ચે પાર્ટિશન પાડીને આગળથી લટને એ રીતે કટ કરવામાં આવે છે જાણે કર્ટન ખૂલતા હોય. એ ચહેરાને વધુ નાજુક બનાવે છે. બસ, તમારે એટલું ધ્યાન રાખવું પડશે કે બૅન્ગ્સ થોડી લાંબી હોય જેથી ચહેરાને સારી રીતે ફ્રેમ કરી શકે. ગોળ ચહેરો હોય તો એવી હેરકટ કરાવવી જોઈએ જે ગોળાકારને હાઇલાઇટ ન કરે. આ માટે સાઇડ બૅન્ગ્સ પર્ફેક્ટ ઑપ્શન છે. એમાં આગળની લટને સાઇડમાં રાખીને સૂટ થાય એ પ્રમાણે કટ કરવામાં આવે છે. એ તમારા ફેસને સ્લિમ દેખાડવામાં મદદ કરશે. જેમના ચહેરાનો આકાર સ્ક્વેર હોય તેમની જૉ-લાઇન હાઇલાઇટ થાય છે. એને સૉફ્ટ લુક આપવા માટે સૉફ્ટ લેયર્સ બૅન્ગ્સ એટલે કે નૉર્મલ હેરકટની જેમ આગળની લટ પણ લેયરવાળી દેખાય એ રીતે હેરકટ કરાવી શકાય. એ જૉ-લાઇનના ઍન્ગલને વધુ સૉફ્ટ કરવામાં મદદ કરશે. અભિનેત્રી અનુષ્કા શર્માની જેમ હાર્ટ શેપ ધરાવતી યુવતીઓ માટે સાઇડ સ્વેપ્ટ લેયર્સ પર્ફેક્ટ રહેશે. આ પણ બૅન્ગ્સનો જ એક પ્રકાર છે જેને એક બાજુ કરીને લેયર્ડ લુક આપવામાં આવે છે, કારણ કે હાર્ટ ફેસ શેપમાં માથું થોડું પહોળું હોય છે જેને આ પ્રકારની બૅન્ગ્સ ઓવરઑલ ફેસને બૅલૅન્સ્ડ લુક આપે છે.

