ગ્લિટર, ડાયમન્ડ, સોનેરી લાઇન, જરી અને એમ્બલિશમેન્ટવાળી ડિઝાઇન્સ આ વખતે એકદમ હિટ છે
લાંબા નખને આર્ટિસ્ટિક અને ઍટ્રૅક્ટિવ લુક આપતી ગ્લિટરી નેઇલ-આર્ટ
ઝગમગાટ રોશનીના તહેવારમાં ફૅશન પણ ચમકીલી હોવી જોઈએ એવું અત્યારનો ટ્રેન્ડ કહે છે. લાંબા નખને આર્ટિસ્ટિક અને ઍટ્રૅક્ટિવ લુક આપતી ગ્લિટરી નેઇલ-આર્ટ એ યંગ જનરેશનની પહેલી પસંદગી છે. એ વિશે સેલિબ્રિટી નેઇલ-આર્ટિસ્ટ નીલમ જાયસવાલ કહે છે, ‘તમારા લુકને કમ્પ્લીટ કરવા નેઇલ-આર્ટ મસ્ટ છે. ડ્રેસિંગ સરસ હોય, મેકઅપ અને જ્વેલરી પણ પર્ફેક્ટ હોય, પણ હાથમાં નખ સુંદર ન દેખાતા હોય તો કંઈક અધૂરું-અધૂરું લાગે અને સરસ નેઇલ-આર્ટ હોય તો એ અલગ જ કૉન્ફિડન્સ આપે. ફેસ્ટિવ સીઝનમાં કંઈક ચમકતું, ગ્લિટર, ડાયમન્ડ, સોનેરી લાઇન, જરી વગેરે એમ્બલિશમેન્ટવાળી ડિઝાઇન્સ એકદમ હિટ છે.’
ગ્લિટર ઑમ્બ્રે નેઇલ્સ: સિમ્પલ અને બધા સાથે મૅચિંગ થાય એવા નખ માટે ન્યુડ કલર નેઇલ-પૉલિશ સાથે થોડું મિનિમલ ગ્લિટર ઍડ કરવામાં આવે છે. કોઈ પણ રંગની જેલ નેઇલ-પૉલિશ સાથે ગ્લિટર સરસ લાગે છે. ઑમ્બ્રે નેઇલ્સમાં ચમકતા ગ્લિટર અને નેઇલ-પૉલિશના રંગોનું કૉમ્બિનેશન કરવામાં આવે છે.
ADVERTISEMENT
ફ્રેન્ચ નેઇલ્સ: નેઇલ-આર્ટમાં આ સૌથી પૉપ્યુલર પૅટર્ન છે. સાદો અને સિમ્પલ પણ એલિગન્ટ લુક આપતી આ સ્ટાઇલ દરેક આઉટફિટ સાથે સરસ લાગે છે અને મેળ ખાય છે.
ક્રૉમ નેઇલ્સ: આ સ્ટાઇલમાં મેટલિક ચમકતા નેઇલ-પૉલિશનો ઉપયોગ થાય છે જે એકદમ ચમકીલો બ્લિંગ લુક આપે છે જે અત્યારે યંગ ગર્લ્સ પસંદ કરે છે. મેટલિક રંગો સાથે ગોલ્ડન લાઇન અને ડાયમન્ડ પણ ઍડ કરવામાં આવે છે.
રેડ નેઇલ્સ: ફેસ્ટિવલમાં બધાં હેવી આઉટફિટ સાથે રેડ ઍન્ડ ગોલ્ડ કૉમ્બિનેશન નેઇલ્સ સરસ લાગે છે.
મિક્સ નેઇલ-આર્ટઃ હાથની દરેક આંગળીમાં જુદી-જુદી સ્ટાઇલ અને રંગોથી એકદમ યુનિક ઇફેક્ટ આ આર્ટ આપે છે. બે આંગળીમાં ક્રૉમ અને બે આંગળીમાં ગ્લિટર અને એકમાં કલર નેઇલ-પૉલિશ સાથે સ્ટોનવર્ક સરસ લાગે.
ફેસ્ટિવલ સ્પેશ્યલ: આ સ્ટાઇલમાં લાંબા નખ પર ફેસ્ટિવલને અનુરૂપ ડિઝાઇન કરવામાં આવે છે અને મેસેજ પણ લખાય છે. દિવાળીમાં હૅપી દિવાલી, ફટાકડા, દીવો, રંગોળીવાળી ડિઝાઇન ઇનથિંગ છે.
ફુલ સ્ટોનવર્ક સ્ટાઇલ: આ સ્ટાઇલમાં નેઇલ-આર્ટ ડિઝાઇનમાં એક કે બે સ્ટોન નહીં, પણ કોઈ એક નખ કે એકથી વધારે નખ પર ફુલ સ્ટોનવર્ક કરવામાં આવે છે. હેવી લુક ધરાવતી આ ડિઝાઇન બહુ ઍટ્રૅક્ટિવ અને ડિફરન્ટ લુક આપે છે. સ્ટોનવાળી નેઇલ-આર્ટમાંથી સ્ટોન નીકળી ન જાય એની સંભાળ રાખવી જરૂરી છે, નહીંતર એ વિચિત્ર લાગે છે.
કેટલો સમય લાગે અને કેટલું ટકે?
નેઇલ-આર્ટ હવે એક જરૂરી ફૅશન-સ્ટેટમેન્ટ બની ગયું છે. નીલમ જાયસવાલ કહે છે, ‘નેઇલ-આર્ટમાં જેલ નેઇલ-પૉલિશ અને સ્ટોન, ફોઇલ, પાઉડર ગ્લિટર ડિઝાઇન પ્રમાણે વાપરવામાં આવે છે. લગભગ અડધાએક કલાકમાં એક હાથની પાંચેપાંચ આંગળીઓમાં નેઇલ-આર્ટ થઈ જાય છે જે ત્રણથી ચાર અઠવાડિયાં સુધી રહે છે. એની આમ તો બહુ જાળવણી કરવી પડતી નથી, બસ ઘરનાં કામ કરતી વખતે થોડું ધ્યાન રાખવું પડે છે. નેઇલ-આર્ટ નૅચરલ નેઇલ્સ અને આર્ટિફિશ્યલ નેઇલ્સ બન્ને પર કરી શકાય છે.’