લગ્નપ્રસંગે સેલિબ્રિટી મેંદી-આર્ટિસ્ટ વીણા નાગડા પાસેથી પગનાં તળિયાંમાં મૉરક્કન ડિઝાઇનના પૅચવાળી મેંદી લગાવડાવી હિના ખાને
હિના ખાન સાથે વીણા નાગડા.
બ્રેસ્ટ-કૅન્સર સામે જંગ લડી રહેલી અભિનેત્રી હિના ખાને તાજેતરમાં તેના બૉયફ્રેન્ડ રૉકી જાયસવાલ સાથે પ્રભુતામાં પગલાં માંડ્યાં હતાં. લગ્ન માટે હિનાએ આઉટફિટથી માંડીને મેંદી સુધી બધું જ મિનિમલ રાખ્યું હતું ત્યારે તાજેતરમાં તેના પગની મેંદી ચર્ચાનું કારણ બની રહી છે. પગમાં લોટસ ડિઝાઇનની મિનિમલિસ્ટ મેંદી તેની સાદગીને વધુ સુંદર બનાવી રહી છે. હિનાની આ પર્સનલાઇઝ્ડ મેંદી સેલિબ્રિટી મેંદી-આર્ટિસ્ટ વીણા નાગડાએ લગાવી હતી. તેમની પાસેથી આ ખાસ પ્રકારની મેંદી વિશે વધુ જાણીએ.
ADVERTISEMENT
ઇન્ડિયન મેંદી
મંડલા આર્ટની ડિઝાઇનવાળી મેંદી, મિનિમલિસ્ટ પૅચ મેંદી, ફ્લોરલ મેંદી
સોલ મેંદી એટલે?
સોલ મેંદી એટલે પગના તળિયે લગાવેલી મેંદી. નોંધનીય છે કે મોટા ભાગની બ્રાઇડ્સ પોતાના લગ્નપ્રસંગે પગમાં ઍન્કલથી ઉપર સુધી ભરચક મેંદી લગાવતી હોય છે પણ પગના તળિયે કોઈ બ્રાઇડ મેંદી મુકાવતી નથી, કારણ કે એ વિઝિબલ જ નથી હોતી, પણ હિનાએ બધી બ્રાઇડ્સ કરતાં અલગ અને હટકે ડિઝાઇનની મેંદી મુકાવડાવી હતી.
મૉરક્કન ડિઝાઇનની મેંદી
વીણા નાગડા એ વિશે કહે છે, ‘હિનાની મેંદી અમે લગાવી રહ્યાં હતાં ત્યારે તેની મમ્મીએ પગના તળિયે અળતો લગાવવાનું કહ્યું હતું. તેમની કમ્યુનિટીમાં બ્રાઇડને અળતો લગાવવાની પરંપરા છે, પણ ત્યારે મને થયું કે એ સારું નહીં લાગે તેથી મેં મેંદી મૂકવાની ભલામણ કરી અને હિના એ માટે રાજી થઈ ગઈ. મેં ક્યારેય બ્રાઇડ્સને પગમાં મેંદી મૂકતાં જોઈ નહોતી. તેની મેંદી લોટસ થીમની હતી. અમને લોટસનાં સજેશન્સ આવ્યાં પણ હિન્દુ ધર્મમાં લોટસ એટલે કે કમળ લક્ષ્મી માતાનું પ્રતીક ગણાય છે તેથી એને પગના તળિયે દોરવું યોગ્ય નથી. આ વાત મેં તેમને સમજાવી અને તેઓ માની ગયાં હોવાથી મેં મૉરક્કન ડિઝાઇનનો પૅચ બનાવ્યો હતો જે હિનાની મિનિમલ થીમની મેંદી સાથે મેળ ખાતો હતો. સૌથી પહેલાં પગમાં મેંદીના કોનથી જ આઉટલાઇન બનાવી અને એ સુકાઈ ગયા બાદ એમાં મૉરક્કન ડિઝાઇનનો પૅચ બનાવ્યો. પગના તળિયે મેંદી લગાવતી વખતે અને લગાવ્યા બાદ એ વીંખાઈ ન જાય એનું ખાસ ધ્યાન રાખવું પડે છે. હિનાને મેંદી બહુ જ ગમી હોવાથી તેણે સોલ મેંદીના પણ ખાસ ફોટો પડાવ્યા છે.’
કઈ ડિઝાઇન લગાવી શકાય?
‘પગના તળિયે આમ તો ફ્લોરલ, અરેબિક અને ઇન્ડિયન સ્ટાઇલ મેંદી લગાવી શકાય, પણ મેં મૉરક્કન મેંદીનો પૅચ બનાવ્યો હતો એમ જણાવતાં વીણા નાગડા કહે છે, ‘મૉરક્કન ડિઝાઇન ઉપરાંત મંડલા આર્ટની મેંદી પણ કરી શકાય. હવે મંડલા ફક્ત ડિઝાઇન સુધી સીમિત ન રહેતાં પોતાની જાત પર ધ્યાન કેન્દ્રિત કરવાનું આધ્યાત્મિક સાધન બની ગઈ છે. તળિયાની વચ્ચોવચ મંડલા આર્ટની મેંદી મૂકવાથી શરીરમાં ઊર્જા પ્રવાહ સુધરે છે. જોકે હવે એસ્થેટિક ફોટો અને ટ્રેન્ડી ચૉઇસ માટે ડાન્સર્સ આ ડિઝાઇન પગમાં મુકાવે છે. હિનાની જે પ્રકારની મેંદી હતી એમાં મંડલા ડિઝાઇન એની થીમમાં બંધબેસતી ન હોવાથી મેં મૉરક્કન ડિઝાઇન બનાવી હતી. હિનાને લગાવેલી આ મેંદીના ટ્રેન્ડને ફ્યુચર બ્રાઇડ્સ અનુસરશે એ પાકું.’

