Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > બાથરૂમથી માંડીને કિચન, ઘરમાં બધું ક્લીન કરશે હોમમેડ કુદરતી ક્લીનર

બાથરૂમથી માંડીને કિચન, ઘરમાં બધું ક્લીન કરશે હોમમેડ કુદરતી ક્લીનર

29 May, 2024 10:49 AM IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

ઘરે બેઠાં જ એક એવું નૅચરલ ક્લીનર બનાવી લઈએ જે મલ્ટિપર્પઝ હોય. તો ચાલો આજે જાણીએ કે આને કઈ રીતે બનાવાય અને કેવી રીતે યુઝ કરાય

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


હવે સમય થઈ ગયો છે કે આપણે ફ્લોર, સ્ટવ, સિન્ક, બાથરૂમ સાફ કરવા કે પછી કપડાં અને વાસણ ધોવા માટે જાતજાતનાં સ્ટ્રૉન્ગ કેમિકલ્સવાળાં ક્લીનરનો ઉપયોગ કરવા કરતાં ઘરે બેઠાં જ એક એવું નૅચરલ ક્લીનર બનાવી લઈએ જે મલ્ટિપર્પઝ હોય. તો ચાલો આજે જાણીએ કે આને કઈ રીતે બનાવાય અને કેવી રીતે યુઝ કરાય

નૅચરલ ક્લીનર ખાટાં ફળોની છાલમાંથી બનાવવામાં આવે છે. આપણે ઘરમાં બાથરૂમ, ફ્લોર-ટાઇલ્સ, કિચનને સાફ કરવા માટે જે કેમિકલ્સનો યુઝ કરીએ છીએ એના પર્યાયરૂપે આ કુદરતી ક્લીનરનો વપરાશ કરી શકીએ છીએ. સૌથી સારી વાત એ છે કે ઘરે નૅચરલ ક્લીનર સરળતાથી બનાવી શકાય છે અને એ માટે વધુપડતી સામગ્રીની પણ જરૂર પડતી નથી.શા માટે નૅચરલ ક્લીનર?


બાથરૂમ-ક્લીનર, ફ્લોર-ક્લીનર, ડિશવૉશના નામે અલગ-અલગ કેમિકલયુક્ત પ્રોડક્ટ્સ વેચવામાં આવે છે; જે આપણી હેલ્થ અને પર્યાવરણ બન્ને માટે હાનિકારક છે. જોકે ઘરે જ કેટલાક જૈવિક કચરાનો ઉપયોગ કરીને ક્લીનિંગની પ્રક્રિયાને તેજ કરે એવાં ક્લીનર બનાવવામાં આવે તો એનાથી પર્યાવરણ પણ બચે અને હાર્શ કેમિકલ્સનો પ્રભાવ આપણા જીવનમાંથી ઘટે. વર્સટાઇલ વૉશનાં ફાઉન્ડર દીપ્તિ જસરાણી નૅચરલ ક્લીનર્સ બનાવવાનું શીખવતાં કહે છે, ‘આપણે ઘરે બેઠાં ફળોના વેસ્ટનો ઉપયોગ કરીને એક એવું મલ્ટિપર્પઝ ક્લીનર બનાવી શકીએ જેનો આપણે ઘણાંબધાં કામોમાં ઉપયોગ કરી શકીએ. આમ તો આ ક્લીનર ઘણીબધી રીતથી બની શકે, પણ સૌથી બેસ્ટ સિટ્રસ ક્લીનર છે. એ બનાવવા માટે તમારે ત્રણ જ વસ્તુ જોઈએ; પાણી, ગોળ અને ખાટાં ફળોની છાલ. તમારા ઘરે જો ‍વધારે છાલ ન હોય તો તમે નજીકની જૂસની શૉપમાંથી પણ લઈને એનો યુઝ કરી શકો. શક્ય હોય ત્યાં સુધી આમાં સંતરાં, મોસંબી, લીંબુ, અનાનસની ફ્રેશ છાલ જ વાપરવી.’

સિટ્રસ ક્લીનર બનાવવાની રીત


નૅચરલ ક્લીનર કઈ રીતે બનાવવું એ વિશે જણાવતાં દીપ્તિબહેન કહે છે, ‘સૌથી પહેલાં એક ભાગનો ગોળ, ત્રણ ભાગ ખાટાં ફળોની છાલ (સંતરાં, મોસંબી, લીંબુ, અનાનસ) અને દસ ભાગ પાણી લો. હવે એક પ્લાસ્ટિકની બૉટલમાં પાણી ભરો અને એમાં ગોળ અને છાલ નાખીને બૉટલને બંધ કરીને મૂકી રાખો. દરરોજ બૉટલનું ઢાંકણું ધીરે-ધીરે ખોલીને એમાં જે ગૅસ બનતો હોય એ બે અઠવાડિયાં સુધી કાઢતા રહો. એ પછી તમે અઠવાડિયામાં ફક્ત એક વાર ઢાંકણું ખોલીને ગૅસ કાઢશો તો પણ ચાલશે. ત્રણ મહિનામાં તમારું નૅચરલ ક્લીનર બનીને રેડી થઈ જશે. જો તમે ઇચ્છતા હો કે ક્લીનર બે મહિનામાં જ બનીને રેડી થઈ જાય તો તમારે છાલ અને ગોળ સાથે એક ચમચી યીસ્ટ પણ નાખી દેવાનું. એટલે બે મહિનામાં જ તમારું ક્લીનર બનીને તૈયાર થઈ જશે. જોકે યીસ્ટની મદદથી બનેલા ક્લીનરમાં એક પ્રકારની દુર્ગંધ આવતી હોય છે એટલે હું એનો યુઝ કર્યા વગર જ એ બનાવવાની ભલામણ કરીશ. એ પછી તમે આ લિક્વિડને ગાળીને એને એક બૉટલમાં ભરી લો.’

શેનું ધ્યાન રાખશો?

ક્લીનર બનાવતી વખતે કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ એ વિશે જણાવતાં દીપ્તિ જસરાણી કહે છે, ‘એ બનાવવા માટે તમારે કાચને બદલે પ્લાસ્ટિકની બૉટલ (મોટા ઢાંકણવાળી) લેવી, કારણ કે જ્યારે બૉટલમાં ફર્મેન્ટેશનની પ્રક્રિયા થાય ત્યારે બૉટલમાં ગૅસ જમા થતો હોય છે અને જો વધુપડતો ગૅસ જમા થઈ ગયો હોય તો કાચની બૉટલ ફૂટવાનું જોખમ રહે છે. તમે જે બૉટલ લો એ પાણીથી છલોછલ ભરેલી ન હોવી જોઈએ, ઉપરથી ઓછામાં ઓછી વીસ ટકા જેટલી તો ખાલી જ હોવી જોઈએ. તમારે આ બૉટલને સનલાઇટથી દૂર ડ્રાય પ્લેસ પર રાખવાની છે. તમે જે લિક્વિડ રેડી કર્યું છે એને ડાયલ્યુટ કરીને યુઝ કરવાનું હોય છે. પહેલી વાર આ લિક્વિડ રેડી થતાં ત્રણ મહિના લાગે, પણ બીજી વાર તમે એ બનાવો એમાં નવી છાલ સાથે ૧૦ ટકા જૂની છાલનો ફરી ઉપયોગ કરો અથવા તો ક્લીનરનું એક ઢાંકણ ભરીને લિક્વિડ એમાં નાખી દો તો ૪૫ દિવસમાં જ નવું ક્લીનર તૈયાર થઈ જશે.’

આ રીતે ડિશવૉશર પણ બનાવી શકો

આપણે ઘરે જ ડિશવૉશર લિક્વિડ પણ બનાવી શકીએ. એ વિશે માહિતી આપતાં દીપ્તિબહેન કહે છે, ‘વાસણ ધોવા માટે થોડાં ફીણ જોઈએ. તો એ માટે સર્ફેક્ટન્ટ તરીકે આપણે અરીઠાનો ઉપયોગ કરી શકીએ. એ માટે અરીઠાને ગરમ પાણીમાં પલાળીને આખી રાત રાખી મૂકો. બીજા દિવસે સવારે એને પાણી અડધું ન થઈ જાય ત્યાં સુધી ઉકાળો. એ ઠંડું થાય પછી અરીઠાને સરખી રીતે મસળી એને ગળણીથી ગાળી લો. અરીઠાના લિક્વિડ જેટલું જ એમાં તમે બનાવેલું નૅચરલ ક્લીનર ઍડ કરો. આ રીતે તમારું નૅચરલ ડિશવૉશર બનીને રેડી છે. જનરલી આપણે માર્કેટમાંથી જે ડિશવૉશર લાવીએ છીએ એમાં એટલાં બધાં ફીણ વળે કે તમારે પાણીનો પણ વધુ વપરાશ કરવો પડે.’

કઈ રીતે ઉપયોગ કરવો?

નૅચરલ ક્લીનરનો ઉપયોગ કરતી વખતે એ કેટલા પ્રમાણમાં યુઝ કરવું એનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી એમ જણાવતાં દીપ્તિ જસરાણી કહે છે, ‘તમારે ફ્લોર-ક્લીનિંગ કરવું હોય તો એક ભાગના ક્લીનર સામે ૨૦ ભાગનું પાણી યુઝ કરવું જોઈએ, પણ જો તમારે બાથરૂમ સાફ કરવું હોય તો એમાં પાણી ઍડ કર્યા વગર ડાયરેક્ટ ક્લીનરનો યુઝ કરો તો ચાલે. એવી જ રીતે તમારે જો એક ફર્ટિલાઇઝર તરીકે પ્લાન્ટની માટીમાં એનો છંટકાવ કરવો હોય તો અડધા લીટર પાણીમાં એક નાની ચમચી જ ક્લીનર હોવું જોઈએ, કારણ કે આપણા પ્લાન્ટ ખૂબ જ સેન્સિટિવ હોય છે.’ 

ગલગોટાનાં ફૂલમાંથી પણ બને

ફક્ત ખાટાં ફળોની છાલ નહીં પણ ફૂલોનો ઉપયોગ કરીને પણ ક્લીનર બનાવી શકાય છે. એ વિશે વાત કરતાં દીપ્તિબહેન કહે છે, ‘જેમ આપણે ખાટાં ફળોની છાલમાંથી ક્લીનર બનાવ્યું એ રીતે તમે ગલગોટાનાં ફૂલોનો ઉપયોગ કરીને પણ એ રેડી કરી શકો છો. બન્નેની પ્રોસેસ સેમ છે. ગલગોટાનાં ફૂલ અને હાર તમે કોઈ પણ મંદિરમાં જાઓ તો સરળતાથી મળી રહે. આમાંથી બનેલા ક્લીનરનો ઉપયોગ તમે પેસ્ટિસાઇડ, ફર્ટિલાઇઝર તરીકે તેમ જ મૉસ્કિટો રેપેલન્ટ સ્પ્રેમાં કરી શકો છો.’ 

Whatsapp-channel Whatsapp-channel

29 May, 2024 10:49 AM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK