Mumbai Fire: બપોરે ૧૨.૧૦ સુધીમાં આ આગ પર કાબૂ મેળવી લેવામાં સફળતા મળી છે. આ આગ લેવલ-૧માં વર્ગીકૃત કરાઇ છે.
પ્રતીકાત્મક તસવીર
Mumbai Fire: મુંબઈના કાંજુરમાર્ગમાંથી આગ લાગવાની ઘટના સામે આવી છે. રિપોર્ટ પ્રમાણે આજે રવિવારે સવારે ૧૧.૪૦ વાગ્યે આર દેશમુખ માર્ગ, કાંજુરમાર્ગ (પૂર્વ) પર ગાંધી માર્કેટ પાસે એનજી રોયલ પાર્ક નામની બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની હતી.
ઇલેક્ટ્રિક ડક્ટમાં આગ લાગી હતી
ADVERTISEMENT
બીએમસીની મુંબઈ ફાયર બ્રિગેડ (Mumbai Fire)એ આ વિશે વધુ વિગતો શૅર કરતાં જણાવ્યું હતું કે 20 ફ્લોરની આ ગગનચૂંબી ઇમારતના ૧૬માથી ૧૮મા ફ્લોર પરની ઇલેક્ટ્રિક ડક્ટમાં આ આગ લાગી હતી. બપોરે ૧૨.૧૦ સુધીમાં આ આગ પર કાબૂ મેળવી લેવામાં સફળતા મળી છે. આ આગ લેવલ-૧માં વર્ગીકૃત કરાઇ છે.
આગ બુઝાવવા માટે વાહનો દોડી આવ્યાં હતાં
આ આગ (Mumbai Fire)ને બુઝાવવા માટે 3 ફાયર એન્જિન, 1 ફાયર ટેન્ડર, 2 જમ્બો ટેન્કર, 1 બ્રીથિંગ એપરેટસ વૅન, 1 હાઈ-રાઇઝ ફાયરફાઇટિંગ વ્હીકલ (એચઆરએફએફવી), 1 ટર્નટેબલ લેડર (ટીટીએલ), 1 ક્વિક રિસ્પોન્સ વ્હીકલ (ક્યુઆરવી) અને 108 ઇમરજન્સી સર્વિસની 3 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. આ ઘટનામાં કોઈને પણ ઈજા થયાના અહેવાલ નથી.
Mumbai Fire: અધિકારીઓ આગ લાગવાના કારણની તપાસ કરી રહ્યા છે. સાવચેતીના ભાગરૂપે રહેવાસીઓને બહાર કાઢવામાં આવ્યા હતા અને ઇમારતની અગ્નિ સુરક્ષા પ્રણાલીઓએ આગને કાબૂમાં લેવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
દિલ્હીમાં હોટેલમાં ભભૂકી આગ
આજે દિલ્હીની એક હોટેલમાં પણ આગ ભભૂકી હતી. દિલ્હીના દ્વારકાની રેડિસન બ્લુ હોટલમાં આગ લાગી હતી. હોટલના બીજા માળે આવેલા રૂમમાં આગ લાગી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. સદનસીબે આ ઘટનામાં પણ કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર વિભાગને બપોરે 12:17 વાગ્યે હોટલમાં આગ લાગી હોવાની માહિતી મળી હતી. ફાયરબ્રિગેડના જવાનોએ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આસિસ્ટન્ટ ડિવિઝનલ ઓફિસર રવિનાથે એએનઆઈને જણાવ્યું હતું કે હવે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને કોઈને ઈજા થઈ નથી.
જૂની દિલ્હીના વ્યસ્ત સદર બજારમાં પણ ત્રણ માળની ઈમારતના પહેલા માળે આવેલી એક દુકાનમાં શનિવારે ભીષણ આગ લાગી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર થોડી જ વારમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આ ઓપરેશન દરમિયાન એક ફાયર ફાઇટર ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર આ ઘટનામાં પણ કોઈ જાનહાનિ થઈ નથી.
ક્રૂડ ઓઇલ લઈ જતી માલગાડીમાં પણ લાગી આગ
આજે લાગેલી આગની અન્ય ઘટનાઓની વાત કરીએ તો તિરુવલ્લુર નજીક ક્રૂડ ઓઇલ લઈ જતી માલગાડીમાં આગ લાગવાથી ચેન્નાઈ-અરાક્કોનમ વિભાગમાં ટ્રેન સેવાઓ ખોરવાઈ જતાં હજારો રેલ મુસાફરોને અસુવિધા થઈ હતી. ભીષણ આગને કારણે પ્રચંડ જ્વાળાઓ અને ગાઢ ધુમાડો આસપાસના વિસ્તારમાં ફેલાયો હતો. ખાસ કરીને રેલ ટ્રેકની આસપાસ રહેતા રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો. ત્યારબાદ તેમને બહાર કાઢવામાં આવ્યા હતા અને સુરક્ષિત જગ્યાએ ખસેડાયા હતા.

