આ દાવા વિશે છણાવટ કરાવીએ મેકઅપ ઍક્સપર્ટ પાસેથી
કૅટરિના કૈફ
તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં બૉલીવુડની ઍક્ટ્રેસ કૅટરિના કૈફે કહ્યું કે તે પોતાનું હાઇલાઇટર પાણીની મદદથી લગાવે છે, એનાથી નૅચરલ ગ્લો આવે છે, સેટિંગ સ્પ્રે કે ફિક્સિંગ સ્પ્રે કરતાં આ નુસખો વધારે સારું રિઝલ્ટ આપે છે. અમે આ વિશે મેકઅપ એક્સપર્ટ પાસેથી વધુ જાણવાનો પ્રયત્ન કર્યો. આ નુસખો ખરેખર કામ કરે છે? અને જો આ રીતે પાણીનો ઉપયોગ કરીને હાઇલાઇટર લગાવવું હોય તો એ કઈ રીતે કરવાનું? એ ઉપરાંત મેકઅપનો નૅચરલ ગ્લો આવે અને એ માટે હાઇલાઇટર કેવા સમયે અને કેવા પ્રસંગે વાપરવું એ વિશે પણ માહિતી મેળવી.
મેકઅપની લાઇનમાં ૩૨ વર્ષનો બહોળો અનુભવ ધરાવતાં ઘાટકોપરનાં મેકઅપ એક્સપર્ટ મીતા શાહ સાથે અમે આ વિશે વાત કરી. મીતાબહેન કહે છે, ‘ખરું પૂછો તો હાઇલાઇટર લગાવવા માટે કોઈ જ માધ્યમની જરૂર હોતી નથી અને એમાંય જો કંઈ વાપરવું હોય તો મોટા ભાગે સેટિંગ સ્પ્રે વપરાતું હોય છે જેને પહેલાં બ્રશ પર લગાવવાનું પછી એના પર હાઇલાઇટર લગાવવાનું અને સ્કિન પર અપ્લાય કરવાનું. જોકે પાણી સાથે લગાવવામાં પણ કશો જ વાંધો નથી. હા, પાણી કેટલું લેવું જોઈએ એ ખૂબ મહત્ત્વનું છે. પોતાની હથેળી પર પાણીનું ટીપું લઈને એના પર બ્રશ ઘસવું. પછી બ્રશ પર હાઇલાઇટર લઈને લગાવવું. બ્રશ જો જરૂર કરતાં વધારે ભીનું થયું તો મેકઅપ ખરાબ થઈ જવાનો ડર રહે છે. બાકી એના કારણે ગ્લો વધુ આવે છે એવું મને લાગતું નથી. હાઇલાઇટર બે પ્રકારનાં આવે છે, એક પાઉડર ફૉર્મમાં અને બીજું ક્રીમ ફૉર્મમાં. તમારી સ્કિન-ટાઇપ કેવી છે એના પર તમારે હાઇલાઇટર કયું પસંદ કરવું એનો આધાર રહેલો છે. તૈલી ત્વચા હોય તો પાઉડર હાઇલાઇટર વધુ સારો વિકલ્પ હોઈ શકે, જ્યારે ત્વચા ડ્રાય એટલે કે શુષ્ક હોય તો ક્રીમ અથવા લિક્વિડ હાઇલાઇટર વધારે સારો ઑપ્શન છે.’
ADVERTISEMENT
કયા-કયા ભાગ પર લગાવવું?
એ સમજવું એનાથી પણ વધુ મહત્ત્વનું છે. મીતાબહેન કહે છે, ‘હું મોટા ભાગે હાઇલાઇટર ફાઉન્ડેશનમાં મિક્સ કરીને ઉપયોગ કરું. મને એ સૌથી બેસ્ટ ઑપ્શન લાગે છે. આજકાલ નો-મેકઅપ લુકનો ટ્રેન્ડ છે. લોકોને પાઉડરી લુક ગમતો નથી. તો આ પ્રકારે હાઇલાઇટર લગાવીએ તો એકદમ નૅચરલ લુક આવે. બીજી વાત એ ધ્યાનમાં રાખવાની કે જો પિમ્પલ્સ હોય અથવા ખૂબ ડસ્કી સ્કિન હોય તો હાઇલાઇટર વાપરવાનું ટાળવું જોઈએ. એ ઉપરાંત ઓપન પોર્સ હોય, રિંકલ્સ અથવા ચહેરા પર કોઈ પણ પ્રકારનો ડાઘ કે એવું હોય તો ત્યાં હાઇલાઇટરનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ કારણ કે ત્યાં જો લગાવવામાં આવશે તો એ ખામી વધુ ઊભરીને દેખાશે. બેસ્ટ અસર માટે સ્કિન પ્લેન હોય તો ચહેરાના એવા ભાગને હાઇલાઇટ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. બેસ્ટ રિઝલ્ટ જોઈતું હોય તો ચીકબોન્સ, નાકનો બ્રિજ, આઇબ્રોઝ વચ્ચેનો અને એની ઉપરનો ભાગ, આંખોના ઇનર સાઇડના ખૂણા એ ઉપરાંત જે નૅચરલી લાઇટ કૅચ કરતા હોય એવા ભાગ પર લગાવવું.’
કેવા પ્રસંગે કે સમયે લગાવવું એ વિશે મીતા શાહની ટિપ
હાઇલાઇટર બહુધા લગ્ન કે એવા પ્રસંગે વાપરવામાં આવતું હોય છે કે પછી મૉડલો કે મીડિયા સાથે સંકળાયેલા લોકો વધારે યુઝ કરે છે. સામાન્ય રીતે રૂટીનમાં મૅટ લુક વધુ યોગ્ય રહે. બીજું, હાઇલાઇટર ક્યારેય પૂરા ચહેરા પર ન લગાવવાનું હોય. એના હાઈ પૉઇન્ટ્સ હાઇલાઇટ કરવાના હોય. રિસેપ્શન કે પાર્ટી જેવા રાત્રે યોજાતા પ્રસંગોમાં યુઝ કરી શકાય. એક ટિપ આપું. બ્રાઇડલ મેકઅપ વખતે પહેલાં લિક્વિડ કે ક્રીમી હાઇલાઇટર યુઝ કરી અને પછી એના પર ફરી શાઇની પાઉડર હાઇલાઇટર યુઝ કરશો તો ડબલ ગ્લો આવશે.

