બ્લાઉઝમાં મુખ્યત્વે પાછળ જ પૅટર્ન જોવા મળતી હોય છે ત્યારે હવે બદલાતી ફૅશન સાથે અને બ્લાઉઝને વર્સેટાઇલ બનાવવા માટે આગળ પૅટર્ન બનાવવાની ફૅશન ટ્રેન્ડમાં છે
ખુશી કપૂર
બ્લાઉઝમાં મુખ્યત્વે પાછળ જ પૅટર્ન જોવા મળતી હોય છે ત્યારે હવે બદલાતી ફૅશન સાથે અને બ્લાઉઝને વર્સેટાઇલ બનાવવા માટે આગળ પૅટર્ન બનાવવાની ફૅશન ટ્રેન્ડમાં છે ત્યારે આ ટ્રેન્ડ યુવતીઓ માટે કેટલો કામનો છે અને કેવી રીતે અલગ-અલગ રીતે સ્ટાઇલ કરી શકાય એ જાણીએ
બૉલીવુડમાં પોતાનું વર્ચસ સ્થાપી રહેલી બોની કપૂરની નાની દીકરી ખુશી કપૂર અવારનવાર તેની ફૅશન-સેન્સને કારણે ચર્ચામાં રહેતી હોય છે. તાજેતરમાં તેણે પોતાની આગામી ફિલ્મ ‘લવયાપા’ના પ્રચાર દરમ્યાન પહેરેલી પીચ કલરની ચોલી ઊડીને આંખે વળગે જ છે, પણ સાથે તેના બ્લાઉઝની પૅટર્ન ચર્ચાનું કારણ બની રહી છે. સામાન્યપણે આપણે બ્લાઉઝમાં પાછળની સાઇડ જ પૅટર્ન જોઈ છે, પણ ખુશીના બ્લાઉઝમાં આગળના ભાગે હાર્ટ શેપની પૅટર્ન બનેલી છે. એ યુનિક લાગવાની સાથે યંગ વાઇબ પણ આપે છે. ફૅશનની દુનિયામાં બ્લાઉઝ અથવા ક્રૉપ ટૉપની પૅટર્નમાં આવેલો આ ચેન્જ હકીકતમાં યુવતીઓ માટે યુઝફુલ છે કે નહીં એ વિશે એક્સપર્ટ પાસેથી વિગતવાર જાણીએ.
ADVERTISEMENT
ફૅશન ડિઝાઇનર પરિણી શાહે રોઝ પૅટર્નવાળું બ્લાઉઝ પહેર્યું છે.
બ્લાઉઝ ફ્લૉન્ટ કરવાં ગમે
ખુશીએ પહેરેલા બ્લાઉઝની પૅટર્ન વિશે અને આ પ્રકારની ફૅશન વિશે વાત કરતાં મલાડમાં બુટિકનું સંચાલન કરતાં અને ફૅશનજગતમાં પચીસ વર્ષનો અનુભવ ધરાવતાં ફૅશન ડિઝાઇનર પરિણી શાહ કહે છે, ‘પહેલાં સ્ત્રીઓ સાડી કે ચણિયાચોળી પહેરે તો આગળનો ભાગ ઢાંકીને રાખતી હતી એથી બ્લાઉઝને કંઈ ડિઝાઇનર લુક આપવો હોય તો એ પાછળના ભાગમાં પૅટર્ન કરીને અપાતો, પણ હવે યુવતીઓ નેટવાળી અને શિફોન જેવા મટીરિયલની સાડી ઓપન પલ્લુ અથવા તો આગળથી બ્લાઉઝની પૅટર્ન દેખાય એ રીતે પ્લેસ કરે છે. પલ્લુ કવર કરવાની પ્રથા હવે જતી રહી છે. લોકો બદલાતી ફૅશનને સ્વીકારવા લાગ્યા છે. આ પ્રકારનાં બ્લાઉઝ ૩૦ વર્ષ સુધીની યુવતીઓ પર જ સારાં લાગે, કારણ કે બ્લાઉઝમાં આગળ પૅટર્ન કરાવો તો એ યંગ વાઇબ આપશે. ફૅશનેબલ દેખાવું હોય અને ટ્રેન્ડ ફૉલો કરવો હોય તો ખુશી જેવાં બ્લાઉઝ પહેરવામાં કોઈ વાંધો નથી.’
લોટસ શેપ
સાડી કરતાં બ્લાઉઝ પર વધુ ફોકસ
આજકાલ યુવતીઓ સાડી કરતાં બ્લાઉઝ પર વધુ ફોકસ કરી રહી છે એવું માનનારાં પરિણી શાહ કહે છે, ‘સિલ્ક, શિફોન, ઑર્ગાન્ઝા હોય કે પછી જ્યૉર્જેટ; બધાં જ મટીરિયલના દુપટ્ટા કે સાડીને એક રીતે સ્ટાઇલ કરી શકાય નહીં. લુકને એન્હાન્સ કરવા માટે ફૅબ્રિકના હિસાબે એને સ્ટાઇલ અને ડ્રેપ કરવાં પડે છે. હવે લોકો બ્લાઉઝ અને જ્વેલરીમાં જ વધુ ઇન્વેસ્ટ કરે છે. સાડી અને ઘાઘરાને સિમ્પલ અને મિનિમલ રાખવાનું પસંદ એટલા માટે કરે છે, કારણ કે બ્લાઇઝ ફ્લોન્ટ થાય. વર્કવાળાં અને ડિઝાઇનર કપડાં લેવા કરતાં આજકાલ યુવતીઓ કમ્ફર્ટ અને સ્ટાઇલિંગ પર વધુ ફોકસ કરી રહી હોવાથી આગળ પૅટર્નવાળાં બ્લાઉઝ કમ્ફર્ટની સાથે ફૅશનેબલ અને ટ્રેન્ડી લુક આપતાં હોવાથી એને વૉર્ડરોબમાં વસાવવું વર્થ ઇટ છે એમ કહીએ તો ચાલે.’
મોરપીંછ શેપ
બ્લાઉઝ એક, લુક અનેક
આગળ પૅટર્ન હોય એવા એક બ્લાઉઝને અલગ-અલગ રીતે સ્ટાઇલ કરી શકાય એ એનો સૌથી મોટો ફાયદો છે એવું કહેનારાં પરિણી શાહ જણાવે છે, ‘હવે ડેસ્ટિનેશન-વેડિંગનું ચલણ બહુ વધી ગયું છે. સગાંસંબંધીઓમાં નજીકનાં અને દૂરનાં લગ્ન એટલાં હોય છે કે દર વખતે એક જ આઉટફિટ પહેરી ન શકાય અને નવાં લેવાં પરવડે પણ નહીં. આવી સ્થિતિમાં આગળ પૅટર્ન હોય એવા ક્રૉપ ટૉપ અને થવા બ્લાઉઝ સેવિયર બની શકે છે. એક વેડિંગમાં એને કૉન્ટ્રાસ્ટ અથવા મૉનોક્રોમેટિક કલર્સની સાડી સાથે સ્ટાઇલ કરી શકાય ત્યારે બીજા વેડિંગ-ફંક્શનમાં આ જ બ્લાઉઝને પ્લાઝો અને જૅકેટ સાથે પહેરીને ઇન્ડો વેસ્ટર્ન લુક આપે એ રીતે જ્વેલરી સાથે સ્ટાઇલ કરી શકાય. આ ઉપરાંત ખાલી પલાઝો સાથે પણ આ પ્રકારનું બ્લાઉઝ અથવા ક્રૉપ ટૉપ પર્ફેક્ટ કૉમ્બિનેશન લાગશે. મિનિમલ વર્કવાળા ઘાઘરા સાથે એ થોડી ટ્રેડિશનલ વાઇબ આપશે. આજકાલની યુવતીઓ કમ્ફર્ટમાં રહેવાનું પસંદ કરતી હોવાથી ચોલીમાં દુપટ્ટો રાખવાનું ટાળે છે ત્યારે આગળ પૅર્ટનવાળા બ્લાઉઝનો શો વધુ સારો આવે છે. પાછળ પણ પૅટર્ન રાખી શકાય, પણ અત્યારે યુવતીઓ પાતળી પટ્ટીવાળા બ્લાઉઝ પહેરવાનું જ પસંદ કરે છે અને પાછળ પણ પૅટર્નમાં ડીપ નેક અને બો પૅટર્ન રાખે છે, કારણ કે ઓપન હેર હોય તો એમ પણ પાછળની પૅટર્ન દેખાવાની નથી. એથી આગળના ભાગને ફ્લોન્ટ કરી શકાય. આજકાલ બ્રાઇડ્ઝ પણ પોતાના સંગીતમાં આ પ્રકારના બ્લાઉઝ પહેરવાનો આગ્રહ રાખતી હોય છે, જેથી તે કમ્ફર્ટેબલની સાથે ફૅશનેબલ ફીલ કરી શકે.’
બટરફ્લાય શેપ
આ પૅટર્ન પણ રાખી શકાય
ખુશી કપૂરે પહેરેલા હાર્ટ શેપની પૅટર્નવાળા બ્લાઉઝ ઉપરાંત બીજી ટ્રેન્ડી પૅટર્ન પણ અત્યારે યુવતીઓ બહુ પસંદ કરી રહી છે. આ વિશે વાત કરતાં પરિણી કહે છે, ‘હાર્ટ શેપની પૅટર્નવાળાં બ્લાઉઝ ક્લાસિક અને એસ્થેટિક વાઇબ આપે છે ત્યારે બટરફ્લાય શેપ, રોઝ અને લોટસ શેપ તથા મોરપીંછના શેપની પૅટર્ન પણ અત્યારે ઇનથિંગ છે. જો એને બરાબર સ્ટાઇલ કરવામાં આવે તો યુવતીઓ બૉલીવુડ હિરોઇનથી ઓછી નહીં લાગે એ પાક્કુ.’

