વડા પ્રધાનનું ડ્રેસિંગ અને ગ્રૂમિંગ બધી જનરેશનમાં પૉપ્યુલર છે એટલું જ નહીં, લોકોના બિઝનેસમાં પણ તેમની સ્ટાઇલે ખૂબ વધારો કર્યો છે
પીએમ નરેન્દ્ર મોદી
મોટા લીડર્સ જે પહેરે એ લોકો માટે ટ્રેન્ડ બની જાય છે. આ જ કારણે અબ્રાહમ લિંકન હૅટ, નેહરુ જૅકેટ અને ગાંધી ટોપીની જેમ મોદી જૅકેટ અને હાફ સ્લીવ્સ કુરતાનો દબદબો છે. મોદીજીની ફૅશન સાદગીસભર હોય છે, પણ પ્રસંગ પ્રમાણે લાઇટ અને ડાર્ક કલર્સ પહેરવાની તેમની ચૉઇસ યુવાવર્ગ અને ફૅશન-લવર્સને આકર્ષે છે. તેમની ગ્રૂમિંગ-સેન્સ પણ લોકોને ગમતી હોવાથી તેમની બિઅર્ડ મોદી બિઅર્ડ અને લીડરશિપ બિઅર્ડના નામે પૉપ્યુલર થઈ છે. ક્લીન અને અપટુડેટ લુકથી મોદીજીના સ્ટાઇલિંગે ફૅશન-ઇન્ડસ્ટ્રી પર ખૂબ ઊંડો પ્રભાવ પાડ્યો છે.
મોદી જૅકેટથી માલામાલ
ADVERTISEMENT
જવાહરલાલ નેહરુ પહેરતા એવું જ જૅકેટ નરેન્દ્ર મોદી પણ પહેરે છે, પરંતુ ફરક એ છે કે નેહરુજીની જેમ આછા અને પેસ્ટલ કલરને બદલે મોદીજીએ પોતાની પર્સનાલિટી મુજબ વાઇબ્રન્ટ કલર્સ પહેરવાના શરૂ કર્યા અને એ રીતે મોદી જૅકેટનું જુદી રીતે બ્રૅન્ડિંગ શરૂ થયું અને એની ડિમાન્ડ પણ વધી. ડોમ્બિવલીમાં રહેતા બિઝનેસમૅન ગિતેશ ફુરિયા આ વાતના સાક્ષી છે. તેઓ કહે છે, ‘લોઅર પરેલમાં અમારો ગાર્મેન્ટનો બિઝનેસ છે અને ખાસ કરીને અમે મેન્સ ફૅશનનાં આઉટફિટ્સ મૅન્યુફૅક્ચર કરીએ છીએ. અમે નૉર્મલી અને ફંક્શનમાં પહેરી શકાય એવા જ કુરતા-પાયજામા બનાવીએ છીએ, પણ મોદીજી પહેરે છે એવા હાફ સ્લીવ કુરતાની ઇન્ક્વાયરી આવતાં અમે એ બનાવવાની શરૂઆત કરી અને એને સારો પ્રતિસાદ મળ્યો. પછી જ્યારે તેમણે પહેલી વાર જૅકેટ પહેર્યું અને મોદી જૅકેટના નામે પૉપ્યુલર થયું તો મને થયું કે વડા પ્રધાનની ફૅશન-સેન્સનો આટલો ક્રેઝ છે તો એવાં જૅકેટ પણ બનાવીએ અને એક્સપરિમેન્ટ કરીએ. મોદીજી પહેરે છે એવાં જ ફૅબ્રિકનાં એટલે કે લિનન જૂટ ફૅબ્રિકનાં જૅકેટ બનાવ્યાં અને પહેલી જ વારમાં ૫૦૦ જૅકેટનો પહેલો કૉર્પોરેટ ઑર્ડર આવ્યો. એ લોકોને અમે બનાવેલાં જૅકેટ્સ એટલાં ગમ્યાં કે વધુ ૬૦૦ પીસ મગાવ્યાં. અમારો આ પહેલો મોટો ઑર્ડર હતો. મોદીજીની ફૅશનથી લોકો આટલી પ્રેરણા લેશે એનો અંદાજ નહોતો. મારો બિઝનેસ ઍવરેજ ચાલતો હતો, પણ જૅકેટ્સે જાણે જૅકપૉટ અપાવ્યો હોય એવી ફીલિંગ આવવા લાગી. ત્યાર બાદ અમને બીજા બે મોટા ઑર્ડર મળ્યા અને અત્યાર સુધીમાં સિંગલ કલર અને સેમ મટીરિયલમાં ૩૫૦૦ જૅકેટ વેચ્યાં છે. હજી પણ ૧૧૦૦ જૅકેટનો ઑર્ડર મળી શકે એમ છે. મોદીજીને લીધે અમારો ધંધો ફુલ સ્વિંગમાં ચાલી રહ્યો છે એમ કહેવું જરાય ખોટું નથી.’
ફૅશનગુરુ મોદીજી
વડા પ્રધાનનું ડ્રેસિંગ દેખાવમાં સરળ પણ સૉલિડ પર્સનાલિટી દેખાડે છે તેથી યુવાનોથી લઈને વરિષ્ઠ નાગરિકો તેમના જેવી સ્ટાઇલ અપનાવવાનું પસંદ કરી રહ્યા છે. ઘાટકોપરના કેમિકલ બ્રોકર અને BJPના કાર્યકર પીયૂષ દાસ પોતાને વડા પ્રધાનના મોટા ચાહક માને છે અને તેમની ફૅશનને નિષ્ઠાથી ફૉલો પણ કરે છે. આ મામલે તેઓ કહે છે, ‘જ્યારે મોદીસાહેબ ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે હું એક કાર્યક્રમ દરમ્યાન તેમને મળ્યો હતો. પહેલેથી જ હું તેમના વિચારોથી પ્રભાવિત રહ્યો છું અને સાથે તેમનો ચાહક પણ રહ્યો છું. એટલું જ નહીં, તેઓ જે પ્રકારનાં કપડાં પહેરે છે એ મારા વૉર્ડરોબમાં હોય જ. ખાસ કરીને મોદી જૅકેટ. નાનીમોટી મીટિંગ કે ફંક્શનમાં હું કોઈ બીજું આઉટફિટ પહેરવાને બદલે મોદી જૅકેટ પહેરવાનું પસંદ કરું છું. તેમની ફૅશનને ફૉલો કરવી મને ગમે છે અને આ જૅકેટને લીધે મારી પર્સનાલિટી વધુ સારી રીતે નિખરીને આવે છે એવું ફીલ થાય છે. એક ચૂંટણીના પ્રચાર માટે મેં મોદીજી જેવો લુક ધારણ કર્યો હતો એટલું જ નહીં, ગુજરાતના મુખ્ય પ્રધાનપદે ચૂંટણી લડવા માટે તૈયાર કરેલી તેમની સ્પીચ છેલ્લાં પચીસ વર્ષથી મારા મોબાઇલની રિંગટોનમાં છે. મોદીજી સાથે મારું હજી એક સ્પેશ્યલ કનેક્શન એ પણ છે કે તેમનું મૂળ ગામ વડનગર છે અને મારી વાઇફનું પણ મૂળ ગામ એ જ છે.’
મોદી બિઅર્ડ
ગ્રૂમિંગમાં મોદીજી તેમની બિઅર્ડને ટ્રિમ્ડ અને નૅચરલ રાખે છે. શરૂઆતમાં તો તેઓ નાની અને સિમ્પલ બિઅર્ડ જ રાખતા હતા, પણ કોરોનાકાળ પછી તેમણે દાઢી વધારી હતી અને એ એક સિગ્નેચર લુક બનતાં ચાહકોએ તેમને સંત અને ગુરુઓ સાથે સરખાવ્યા હતા. જોકે એ પછી પણ ટ્રિમ કરેલી ડીસન્ટ લુક આપતી મોદી બિઅર્ડ આજના યંગસ્ટર્સથી લઈને વડીલો માટે પણ મહત્ત્વની બની ગઈ છે. આંખે પાટા બાંધીને વાળ કાપવાનો વર્લ્ડ રેકૉર્ડ ધરાવતા અને પંચાવન વર્ષથી હેર-આર્ટિસ્ટ તરીકે સક્રિય હરીશ ભાટિયા કહે છે, ‘યસ, મોદીજીની પૉપ્યુલરિટી સાથે તેમના જેવી હેરકટની અને તેમના જેવી બિઅર્ડની ડિમાન્ડ પણ વધી છે. ખાસ કરીને જે લોકો ૬૦ પ્લસ છે અને જેમને વાઇટ વાળ છે તેઓ તો ખાસ મોદીજી જેવી દાઢી કરી આપો એવી ડિમાન્ડ લઈને આવતા હોય છે. ઘણી વાર મારે ના પાડવી પડે કે તમારા ફેસકટ પર એ સારી નહીં લાગે, પણ છતાં તેઓ પોતાના નિર્ણયને બદલવા તૈયાર નથી હોતા. ઇન ફૅક્ટ, તમને કહું તો પહેલાં વડીલો ક્લીન શેવ જ રાખતા અને ધીમે-ધીમે પુરુષોને માથે વાળ ઓછા થાય તો ટેન્શન થઈ આવતું, પરંતુ એ બન્ને સિનારિયો બદલાયો છે. સામાન્ય રીતે હિન્દુ કમ્યુનિટીમાંથી આવતા લોકો દાઢી રાખવાનું ટાળતા. આ ટ્રેન્ડ મોદીજીએ બદલીને આપણા ઋષિમુનિઓના લુકને લોકોમાં પ્રમોટ કર્યો હોય એવું લાગે છે. મારી પાસે આવતા લોકોના અનુભવ પરથી કહીશ કે લોકોના મનમાં પોતાના વડા પ્રધાન પ્રત્યે પારાવાર આદર છે.’
તમને ખબર છે?
મોદીજીના હાફ સ્લીવ કુરતા આજે ભલે લોકો હોંશે-હોંશે સ્ટાઇલ-સ્ટેટમેન્ટ ગણીને પહેરતા હોય, પરંતુ મોદીજીએ એ પોતાની સહૂલિયતને ધ્યાનમાં રાખીને પહેરવાનું શરૂ કર્યું હતું. ૨૦૧૯માં અક્ષયકુમારને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે કબૂલ્યું હતું કે જ્યારે તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક હતા ત્યારે પોતાની પાસે રહેલી મર્યાદિત સુવિધાઓને કારણે સરખાં કપડાં ન પહેરી શકવાને કારણે નીચાજોણું પણ ફીલ કરતા. એ સમયે કપડાંને ઇસ્ત્રી કરવા માટે તેમણે ગરમ કોલસાને લોટામાં ભરીને કપડાંની ઇસ્ત્રી કરવાનો કીમિયો શોધી કાઢ્યો હતો. એ પ્રોસેસમાં સમય બચે અને કપડાં ધોવાનો સમય પણ બચે એમ વિચારીને એક દિવસ તેમણે પોતાની આખી બાંયના કુરતાને કાપીને એને હાફ સ્લીવ્સનો કરી નાખ્યો હતો.
નેહરુ જૅકેટ જેવો જ લુક ધરાવતાં મોદી જૅકેટ જોકે લેન્થમાં થોડાક ટૂંકા હોય છે. બીજું, મોદીજી રંગોની પસંદગીમાં સતત પ્રયોગો કરતા રહે છે. ક્યારેક લાઇટ પેસ્ટલ શેડ્સ તો ક્યારેક બ્રાઉન સૅફ્રન, નેવી બ્લુ અને બોલ્ડ મરૂન જેવા કલર્સ મૂડ અને પ્રસંગ પ્રમાણે પહેરવાનું પસંદ કરતા હોવાથી હંમેશાં તેમનું વ્યક્તિત્વ અન્ય લોકો કરતાં અલગ તરી આવે છે. આ જ કારણ છે કે પાર્ટી અને લગ્નપ્રસંગોથી લઈને વિવિધ કાર્યક્રમોમાં યંગસ્ટર્સ પણ મોદી જેકેટ પહેરવાનું પ્રિફર કરે છે.
મોદીજીનાં સાફસૂથરાં અને ઇસ્ત્રી કરેલાં કપડાંની જેમ તેમના હાથની ઘડિયાળો અને પેન પણ લોકો નોટિસ કરતા હોય છે. ઇન ફૅક્ટ, તેમની લક્ઝરી ઘડિયાળ, પેન અને ચશ્માં પર વિરોધ પક્ષના નેતાઓએ મહેણાં પણ માર્યાં છે.
ફૅશનમાં અઢળક રેડિમેડ ફૅબ્રિક આવવાથી હૅન્ડલૂમ ઉદ્યોગના જોખમમાં મુકાયેલા અસ્તિત્વને પાછું પૉપ્યુલર બનાવવા અને ભારતીય પરંપરાનો પ્રસાર કરવા વડાપ્રધાન હૅન્ડલૂમ ફૅબ્રિકનાં આઉટફિટ્સ પહેરતા જોવા મળે છે. તેમને કારણે ખાદીના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે.
પીએમ મોદીનું કુરતા-જૅકેટનું કૉમ્બિનેશન લીડરશિપ અને સરળતાને બૅલૅન્સ કરે છે અને તેમને સૂટ થતી સ્ટાઇલ હોવાથી એ ફૅશન પૂરતું જ નહીં પણ પર્સનલ બ્રૅન્ડિંગનો ભાગ પણ છે. વિદેશી ફૅશન ડિઝાઇનર્સે પણ તેમની સ્ટાઇલને વખાણીને તેમને પાવર-ડ્રેસિંગના ઇન્ડિયન મૉડલની ઉપમા આપી હતી.

