નાગલા બંદર વિસ્તારમાં લોકોએ ભેગા થઈને વિરોધ-પ્રદર્શન કર્યું
પ્રદર્શન પહેલાં એકનાથ શિંદેએ ઘોડબંદર રોડના ટ્રાફિક માટે તમામ અધિકારીઓ સાથે બેઠક કરી
થાણેના ઘોડબંદરમાં ટ્રાફિક જૅમ અને ખાડાઓથી નાગરિકો પરેશાન છે. ઉપરાંત વિવિધ વિભાગનાં કામો એકસાથે ઘોડબંદર રોડ પર શરૂ કરવામાં આવ્યાં હોવાથી મોટો ફટકો સ્થાનિક નાગરિકો અને મુસાફરોને પડી રહ્યો છે. અનેક ફરિયાદો બાદ પણ એનો કોઈ નિવેડો ન આવતાં ગઈ કાલે સવારે નાગલા બંદર વિસ્તારમાં ઘોડબંદરના રહેવાસીઓએ ભેગા થઈને ફરી એક વાર વિરોધ-પ્રદર્શન કર્યું હતું. વિરોધીઓએ થોડા સમય માટે રસ્તો બ્લૉક કરવાનો પ્રયાસ કર્યો હતો એટલું જ નહીં, ન્યાય ન મળે ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવાનું વલણ અપનાવ્યું છે. જોકે પાછળથી પોલીસ વિભાગે મામલો થાળે પાડ્યો હતો.
પ્રદર્શન પહેલાં એકનાથ શિંદેએ ઘોડબંદર રોડના ટ્રાફિક માટે તમામ અધિકારીઓ સાથે બેઠક કરી
ADVERTISEMENT
ઘોડબંદર રોડનાં તમામ કામ પૂરાં ન થાય ત્યાં સુધી ઘોડબંદરના રહેવાસીઓને ટ્રાફિક જૅમથી મુક્તિ અપાવવા માટે સોમવારે મોડી રાતે ડેપ્યુટી મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ તેમના થાણેના નિવાસસ્થાને સંબંધિત તમામ એજન્સીઓના વડાઓ સાથે એક ખાસ બેઠક કરી હતી. એમાં તમામ જિલ્લાના કલેક્ટરો, મ્યુનિસિપલ કમિશનરો, JNPTના કમિશનર, પોલીસ વિભાગ, ટ્રાફિક વિભાગને મધરાત પછી જ ભારે વાહનોને ઘોડબંદર રોડ પર છોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ દરમ્યાન આ સંકલન માટે રચાયેલી સમિતિના અધ્યક્ષ અને થાણે જિલ્લાના કલેક્ટર કૃષ્ણ પંચાલને મધરાત પહેલાં વાહનો છોડનારા અને સમયમર્યાદાનું પાલન ન કરનારા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઘોડબંદર રોડ પર ટ્રાફિક જૅમને કારણે નાગરિકો દરરોજ મુશ્કેલી ભોગવી રહ્યા છે ત્યારે થાણે ટ્રાફિક-પોલીસના ડેપ્યુટી કમિશનરને ટ્રાફિકનું કડક આયોજન કરવા અને આ મુશ્કેલીમાંથી મુક્તિ મેળવવા માટે વધારાનું માનવબળ તહેનાત કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી.
એકનાથ શિંદેના નિર્દેશ પછી હેવી વ્હીકલને રાતના ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી જ ઘોડબંદર રોડ પર એન્ટ્રી
નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સોમવારે રાતે આપેલા નિર્દેશ બાદ ગઈ કાલે ટ્રાફિક વિભાગે એક પરિપત્ર જાહેર કરીને ઘોડબંદર રોડ પર વ્હીકલને રાતના ૧૨ વાગ્યા પછી અને સવારે ૬ વાગ્યા પહેલાં જ પ્રવેશ આપવામાં આવશે એવું જાહેર કર્યું હતું. શુક્રવારથી ટ્રાફિક વિ`ભાગ દ્વારા આ નિર્ણયને લાગુ કરવા માટેનું જાહેર કરાયું છે, જ્યારે બીજી ઑક્ટોબર સુધી આ નિર્ણય લાગુ રહેશે એમ ટ્રાફિક વિભાગે જણાવ્યું હતું.

