આરોપીને ઓળખવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે
પ્રતીકાત્મક તસવીર
ચેમ્બુરની સિદ્ધાર્થ કૉલોનીમાં રહેતાં ૩૯ વર્ષનાં પ્રમીલા જૈનનાં બોરીવલી રેલવે-સ્ટેશન પર આશરે ૩ તોલાની ચેઇન અને પેન્ડન્ટ ચોરાયાં હોવાની ફરિયાદ બોરીવલી ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)માં સોમવારે સાંજે નોંધાઈ હતી. પ્રમીલાબહેન તેમના ગ્રુપના ૧૮ સભ્યો સાથે શંખેશ્વર દર્શન કરીને ભાવનગર-બાંદરા એક્સપ્રેસમાં પાછાં આવ્યાં હતાં. સોમવારે સવારે ટ્રેન બોરીવલી સ્ટેશને પહોંચતાં અજાણ્યો યુવાન પ્રમીલાબહેને પહેરેલી ચેઇન ખેંચીને ત્યાંથી નાસી ગયો હતો. આ મામલે પોલીસે ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસીને વધુ તપાસ હાથ ધરી છે.
બોરીવલી GRPના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચેમ્બુરના એક દેરાસર દ્વારા આયોજિત શંખેશ્વર મંદિરનાં દર્શન કરવા પ્રમીલાબહેન ભાવનગર ગયાં હતાં. ત્યાંથી રવિવારે રાતે તેમણે મુંબઈ આવવા ભાવનગર-બાંદરા એક્સપ્રેસની S4 બોગીમાં પ્રવાસ કર્યો હતો. ટ્રેન સોમવારે સવારે બોરીવલી સ્ટેશન પર પહોંચતાં તેઓ ટ્રેનના દરવાજા નજીક આવીને ઊભાં રહ્યાં હતાં. એ સમયે સ્ટેશન આવતાં ટ્રેન સ્લો થઈ હતી જેનો ફાયદો ઉઠાવીને ટ્રેનમાં હાજર એક યુવાન તેમની ચેઇન ખેંચીને નાસી ગયો હતો. પ્રમીલાબહેનની ચેઇન સાથે સોનાનું લૉકેટ પણ ચોરાયું હોવાની અમે ફરિયાદ નોંધી છે. આરોપીને ઓળખવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.’

