આપણે શાકભાજીની છાલને સીધી કચરાના ડબ્બામાં ફેંકી દેતા હોઈએ છીએ, પણ એને ચહેરા પર ઘસવામાં આવે તો એ ત્વચાને કુદરતી રીતે ચમકદાર બનાવવાનું કામ કરે
પ્રતીકાત્મક તસવીર
છેલ્લાં અમુક વર્ષોમાં સ્કિન-કૅર માટે નૅચરલ પ્રોડક્ટ્સ વાપરવાનો અને ઘરગથ્થુ ઉપાયો કરવાનો ટ્રેન્ડ વધ્યો છે. નુકસાનકારક કેમિકલવાળી પ્રોડક્ટ્સની સરખામણીમાં કુદરતી સામગ્રીઓ ત્વચા માટે વધુ અનુકૂળ હોય છે. ઉપરથી પર્યાવરણ પ્રત્યે વધી રહેલી જાગૃતતા વચ્ચે લોકો સસ્ટેનેબલ સ્કિન-કૅરમાં માનતા થયા છે. એના ભાગરૂપે જ શાકભાજીની છાલને ફેંકી દેવા કરતાં ત્વચાની કાળજી માટે ઉપયોગમાં લેવાય છે. દરેક શાકભાજીની છાલમાં એવાં કુદરતી પોષક તત્ત્વો હોય છે જે ત્વચાને એક કે બીજી રીતે ફાયદો પહોંચાડે છે.
બટાટાની છાલ ચહેરા પર દરરોજ ઘસવામાં આવે તો કાળી પડી ગયેલી ત્વચા ચમકદાર બને છે. આંખોની નીચે કાળાં કૂંડાળાં પડી ગયાં હોય તો પણ બટાટાની છાલ ઘસવાથી એ દૂર થાય છે.
ADVERTISEMENT
કાકડીની છાલમાં ઠંડક અને ત્વચાને હાઇડ્રેટ કરવાના ગુણો હોય છે જે આંખોની નીચે સોજો એટલે કે પફીનેસની સમસ્યામાં મદદ કરે છે. એવી જ રીતે ત્વચાની બળતરાને શાંત કરવામાં, રંગ નિખારવામાં અને ત્વચાની ઇલૅસ્ટિસિટી સુધારવામાં મદદ કરે છે.
ગાજરની છાલમાં બીટા કૅરોટિન હોય છે જે સ્કિનમાં નૅચરલ ગ્લો લાવે છે. એમાં રહેલા ગુણો ચહેરા પરની કરચલીઓ ઘટાડવાનું, ચહેરા પરના ડાઘ ઓછા કરવાનું કામ કરે છે.
ટમેટાની છાલમાં રહેલા ગુણો પોર્સને ટાઇટ કરીને ત્વચાને દેખાવમાં વધુ સ્મૂધ બનાવવાનું, ત્વચા પરથી વધારાના તેલને હટાવવાનું અને નિસ્તેજ બની ગયેલી ત્વચાને ચમકદાર બનાવવાનું કામ કરે છે.
બીટની છાલમાં નૅચરલ પિગમેન્ટ બેટાનિન હોય છે જે ચહેરાને નૅચરલ ગ્લો આપે છે. એવી જ રીતે સ્કિનને મૉઇશ્ચર કરવામાં તેમ જ ચામડીના દાગ-ધબ્બા, ખીલ મટાડવામાં મદદ કરે છે.
ધ્યાન રાખવા જેવું
બધી જ શાકભાજીની છાલ આપણી ત્વચાને સૂટ ન પણ થાય. ઘણી વાર કેટલીક શાકભાજીની છાલ સ્કિનને ઇરિટેટ કરતી હોય છે. એટલે કોઈ પણ શાકભાજીની છાલનો ઉપયોગ કરતાં પહેલાં એને હાથમાં લગાવીને પૅચ-ટેસ્ટ કરવી જોઈએ. તમને ત્વચા પર કોઈ ઍલર્જિક રીઍક્શન ન આવે તો જ એનો ચહેરા પર ઉપયોગ કરવો જોઈએ.

