Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

ફૅન્ટૅસ્ટિક ફૂલકારી

Published : 27 February, 2025 01:07 PM | Modified : 28 February, 2025 07:00 AM | IST | Mumbai
Heta Bhushan | feedbackgmd@mid-day.com

તડકભડક રંગોના રેશમના દોરા વડે હાથેથી થયેલું ભરતકામ અને પંજાબની આગવી ઓળખ છે. મન મોહી લે અને દિલ ખુશ કરી દે

ફૂલકારી જૅકેટ, ફૂલકારી કફતાન કમ દુપટ્ટા, ફૂલકારી બૉર્ડર અને પલ્લુવાળી સાડી.

ફૂલકારી જૅકેટ, ફૂલકારી કફતાન કમ દુપટ્ટા, ફૂલકારી બૉર્ડર અને પલ્લુવાળી સાડી.


તડકભડક રંગોના રેશમના દોરા વડે હાથેથી થયેલું ભરતકામ અને પંજાબની આગવી ઓળખ છે. મન મોહી લે અને દિલ ખુશ કરી દે એવા બ્રાઇટ રંગો ધરાવતી ફૂલકારી એક સમયે માત્ર દુપટ્ટાઓ સુધી સીમિત હતી પણ હવે એની સાડીઓ, સલવાર, ઘાઘરા, બ્લાઉઝ જેવી ટ્રેડિશનલ આઇટમોની સાથે જૅકેટ જેવા મૉડર્ન અટાયરમાં પણ સુંદર લાગે છે


‘ફૂલકારી’ એટલે ફૂલની ડિઝાઇન અને કારી એટલે નાજુક મીનાકારી જેવી રેશમ એમ્બ્રૉઇડરી કરતી કારીગરી. એકદમ અદ્ભુત રંગોમાં રંગબેરંગી ઝીણું પંજાબનું હાથભરતકામ. એકદમ મન મોહી લેતા પરંપરાગત રંગબેરંગી ફૂલકારી ભરતકામની  ફૂલોની કે વેલની પત્તીઓની ડિઝાઇન કે ભૌમિતિક ડિઝાઇન્સ ફૅશનમાં એક નહીં, અનેક જગ્યાએ છવાયેલી છે. ફૅશન-ડિઝાઇનરો આ ભરતકામની સાથે જુદા-જુદા ફૅશન પ્રયોગો કરે છે અને પરંપરાગત ભરતકામને મૉડર્ન ટ્વિસ્ટ આપે છે. એક ફૂલકારી દુપટ્ટો અને અન્ય કોઈ ફૂલકારી ભરતકામથી શોભતો પીસ દરેક ફૅશનેબલ અને ભરતકામ પ્રેમી પાસે હોવો જ જોઈએ.




ફૂલકારીનાં પર્સ અને બટવા

ફૂલકારી દુપટ્ટા રંગબેરંગી હોય છે અને કોઈ પણ પ્લેન કુરતાને પણ સરસ રીતે ઉઠાવ આપે છે. દુપટ્ટા પર કરેલા જુદા-જુદા રંગના ભરતકામના રેશમમાં રહેલી રંગોની ફુહાર સફેદ, ક્રીમ, બ્લૅક, પીળો, મરૂન કે બીજા કોઈ પણ રંગના પ્લેન કે બ્રૉકેડ કે ઝીણી બુટ્ટીવાળાં કે પાતળી લેસવાળાં સલવાર-કમીઝ્ને એકદમ આકર્ષક બનાવે છે. આ દુપટ્ટા હેવી લુક આપે છે પણ વજનમાં ભારી હોતા નથી. હંમેશાં કોઈ પણ પ્રસંગે અને કોઈ પણ રંગ સાથે જામે છે અને જુદી-જુદી રીતે પણ મૅચ કરી શકાય છે. દુપટ્ટા સિવાય બીજે ક્યાં ફૂલકારી ફેમસ થઈ રહી છે એ પણ જાણીએ.


ફૂલકારી સાડી

પંજાબી સંસ્કૃતિમાં તો પંજાબી ડ્રેસ અને ફૂલકારી દુપટ્ટાનું જ મહત્ત્વ છે. કહેવાય છે કે પંજાબી ઘરમાં દીકરી જન્મને વધાવવામાં આવે છે અને તેના જન્મથી મમ્મી, કાકી, દાદી ફૂલકારી દુપટ્ટો ભરવાનું શરૂ કરી દે છે અને દીકરી મોટી થતાં આ કળા તેને પણ શીખવે છે. આ સુંદર દુપટ્ટામાંથી પ્રેરણા લઈને ફૂલકારી સાડી પણ ડિઝાઇનર બનાવે છે. માત્ર પાલવ ભરેલી કે બૉર્ડર અને પાલવવાળી સાડી પર ખાસ ડિઝાઇન કરી એમ્બ્રૉઇડરી કરાવવી પડે છે અને ફૂલ ઓવરઑલ ભરેલી સાડી પર કસ્ટમાઇઝ કરી શકાય છે. બીજા આઇડિયા પ્રમાણે અઢી મીટર ભરેલા ફૂલકારી દુપટ્ટાને મૅચિંગ પ્લેન શિફોન, જ્યૉર્જેટ, નેટ સાથે હાફ સાડી બનાવીને સુંદર ડિઝાઇનર સાડી બનાવી શકાય છે.

ફૂલકારી ટ્યુબ ટૉપ

ફૂલકારી સાડી બ્લાઉઝ

સિમ્પલ સાડીને એકદમ ઉઠાવ આપવા માટે ફૂલકારી ભરતકામ કરેલું સાડી બ્લાઉઝ બહુ યુનિક અને ડિફરન્ટ લુક આપે છે. ફુલ સ્લીવમાં વર્ક, આખા બ્લાઉઝમાં એકદમ ટચ-ટુ-ટચ ફૂલકારી બાગ એમ્બ્રૉઇડરી, લૉન્ગ ફૂલકારી વર્કવાળું બ્લાઉઝ પ્લેન સાડી કે પાતળી બૉર્ડરવાળી સાડીને સુંદર ઉઠાવ આપે છે. ફૂલકારી વર્કવાળું હૉલ્ટર નેકનું સ્લીવલેસ બ્લાઉઝ કે વન-શૉલ્ડર બ્લાઉઝ પણ સાડી જોડે ટ્રેડિશનલ વર્કને મૉડર્ન ટચ આપે છે.  

ફૂલકારી જૅકેટ

ફૂલકારી વર્ક કરેલાં લૉન્ગ જૅકેટ એકદમ હેવી અને કલરફુલ લુક આપે છે. ક્રીમ કે કોઈ પ્લેન ઘાઘરા-ચોલી સાથે લૉન્ગ ફૂલકારી વર્ક કરેલું રંગબેરંગી લૉન્ગ જૅકેટ સ્ટાઇલિશ લાગે છે. આ રેશમ વર્કવાળો હેવી ડ્રેસ મેંદી અને હલ્દી ફંકશનમાં શોભી ઊઠે છે. સિમ્પલ પ્લેન કુરતી પર શૉર્ટ જૅકેટ પણ સરસ ઉઠાવ આપે છે. શૉર્ટ સ્લીવલેસ વર્કવાળું જૅકેટ કે સ્લીવવાળું જૅકેટ દરેક પ્લેન ડ્રેસ પર શોભે છે અને પછી જોડે દુપટ્ટાની જરૂર રહેતી નથી. આ જૅકેટ વેસ્ટર્ન આઉટફિટ જીન્સ કે સ્કર્ટ સાથે પણ પહેરી શકાય છે.

ફૂલકારી જૅકેટ

ફૂલકારી સલવાર

ફૂલકારી વર્કવાળી પટિયાલા સલવાર અને જોડે પ્લેન કુરતી એક સરસ કૉમ્બિનેશન છે જે થોડા-થોડા વખતે ફૅશનમાં આવતું જ રહે છે. યંગ, પાતળી યુવતીઓ પર આ કૉમ્બિનેશન બહુ જ ખીલે છે. વર્કવાળી લૂઝ સલવાર, પ્લેન કુરતી અને ફૂલકારી દુપટ્ટો પ્યૉર પંજાબી આઉટફિટ હવે બધા જ પહેરવાનું પસંદ કરે છે.

ફૂલકારી કુરતા અનારકલી

ફૂલકારી વર્ક કરેલી કુરતી અને ફૂલકારી વર્કવાળા અનારકલી પણ બેસ્ટ એવરગ્રીન આઉટફિટ છે. બ્લૅક કલર પર કલરફુલ ફૂલકારી વર્કની કુરતી હંમેશાં બહુ સરસ લાગે છે.

ફૂલકારી ઘાઘરા

બનારસી કે હેવી એમ્બ્રૉઇડરીવાળા ઘાઘરાના સ્થાને કંઈક નવું પહેરવા ફૂલકારી વર્કની બૉર્ડરવાળા કે પછી ટોટલ ફૂલકારી વર્ક કરેલા ઘાઘરા પણ મૉડર્ન ઇન્ડો-વેસ્ટર્ન ફ્યુઝન સ્ટાઇલમાં એકદમ ઇનથિંગ છે. લેયર ઘાઘરામાં પણ પ્લેન અને ફૂલકારી વર્કના કૉમ્બિનેશનમાં પૅટર્ન કરવામાં આવે છે.

ફૂલકારી કફતાન કમ દુપટ્ટા

ફૂલકારી મૉડર્ન સ્ટાઇલ

ફૂલકારી ભરતકામ પંજાબનું પરંપરાગત ભરતકામ છે અને એકદમ કલરફુલ ટ્રેડિશનલ સ્ટાઇલ છે પણ આજકાલ એને બહુ સરસ મૉડર્ન ટ્વિસ્ટ આપવામાં આવે છે અને ટ્રેડિશનલ વર્કને મૉડર્ન પૅટર્ન અને સ્ટાઇલ સાથે વેસ્ટર્ન આઉટફિટમાં પણ ઍડ કરવામાં આવે છે. ફૂલકારી વર્કવાળા કાપડમાંથી બનાવેલા વનપીસ કલરફુલ અને ક્યુટ લુક આપે છે. ફૂલકારી વર્કમાંથી ક્રૉપ ટૉપ અને પેપ્લમ ટૉપ જીન્સ અને સ્કર્ટ સાથે પહેરવામાં આવે છે. જીન્સ, ટી-શર્ટ અને જૅકેટ કૉમ્બિનેશનમાં જૅકેટ પર ફૂલકારી વર્ક કે ફૂલકારી વર્કના પૅચ બહુ યુનિક ફ્યુઝન લુક આપે છે.

માત્ર પહેરવેશમાં નહીં, ઍક્સેસરીઝમાં પણ ફૂલકારી મસ્ત લાગે છે

. રંગબેરંગી જૂતી

ફૂલકારી વર્ક કરેલી મોજડીઓ, જેને પંજાબી જૂતી પણ કહેવાય છે એ કોઈ પણ ટ્રેડિશનલ આઉટફિટ સાથે સરસ મૅચિંગ થાય છે અને બહુ આકર્ષક લાગે છે. ફ્લૅટ જૂતી પર ફૂલકારી વર્ક અને જોડે ઝીણાં મોતી, નાનાં આભલાં કે ઘૂઘરીઓ બહુ સુંદર ઉઠાવ આપે છે.

. પોટલી કે પર્સ

ફૂલકારી વર્કવાળા મટીરિયલમાંથી જુદી-જુદી સ્ટાઇલ અને પૅટર્નના બટવા કે પોટલી પર્સ બનાવવામાં આવે છે. એને મોતીનાં ઝૂમખાં, રેશમ ટૅસલ્સ, કોડી, છીપલાંનાં લટકણ વગેરે સાથે શણગારવામાં આવે છે. એ ફેસ્ટિવ અને ફંક્શનના ટ્રેડિશનલ લુક સાથે સરસ લાગે છે. ફૂલકારી વર્ક કરેલા ગોળ, ચોરસ, લંબચોરસ શેપનાં હૅન્ડ પર્સ અને સ્લિંગ બૅગ્સ બહુ યુનિક લાગે છે.

. બકલ, બો અને કીચેન

ફૂલકારી વર્કવાળા મટીરિયલના નાના-નાના પીસમાંથી બકલ, બો, કીચેન જેવી નાની નાની ઍક્સેસરીઝ પણ બનાવવામાં આવે છે.

ફૂલકારી છે શું? 
સાતમી સદીમાં ફૂલકારી ભરતકામનો ઉલ્લેખ ભારતીય ઉપખંડના વિવિધ ભાગોના ઇતિહાસમાં જોવા મળે છે પણ એ કારીગરી આજ સુધી પંજાબમાં સચવાઈ છે. રેશમના દોરાને સોયમાં પરોવીને હાથેથી આ ભરતકામ કરવામાં આવે છે. આ ફૂલકારી ભરતકામનો ઇતિહાસ ક્યાંક ઈરાનના ગુલકારી નામે ઓળખાતા ભરતકામની સાથે પણ મળે છે એમ ઇતિહાસકારો લખે છે.
ફૂલકારી ભરતકામ હેવી પ્રમાણમાં જાડા ખદ્દર કે કૉટન કાપડ પર કરવામાં આવે છે. હવે એ બીજા લાઇટવેઇટ કૉટન કે શિફોન પર પણ કરવામાં આવે છે. ફૂલકારી ભરતકામના ટાંકા કાપડની પાછળથી લેવામાં આવે છે. પહેલાં ફૂલકારી ભરતકામ માત્ર ઓઢણી અને શાલ પર જ કરવામાં આવતું હતું અને હજી પણ ફૂલકારી ભરતકામ કરેલા દુપટ્ટા જ સૌથી વધારે ફેમસ છે.
ફૂલકારી વર્કમાં વિવિધ સ્ટાઇલ અને ડિઝાઇન છે જે સાંચી, કટા, ચોપે, તિલપત્ર, શીશદાર, દર્શન દ્વાર, બાગ તરીકે ઓળખાય છે.

Whatsapp-channel Whatsapp-channel

28 February, 2025 07:00 AM IST | Mumbai | Heta Bhushan

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK