આજકાલ જેન-ઝી અને મિલેનિયલ્સમાં સ્કિન-બૅરિયરની ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. એનું કારણ એ છે કે એ સ્કિનકૅરનો પાયો છે. જો સ્કિન-બૅરિયર ખરાબ હશે તો તમે ગમેએટલી મોંઘી પ્રોડક્ટ વાપરશો તો પણ એની અસર નહીં દેખાય.
પ્રતીકાત્મક તસવીર
સામાન્ય રીતે લોકોને એવું લાગતું હોય કે સ્કિનકૅરમાં જેટલી પ્રોડક્ટ્સ અને સ્ટેપ્સ ઍડ કરીશું ત્વચા એટલી હેલ્ધી અને સારી રહેશે, પણ એવું જરાય નથી. ઊલટાનું એ તમારી સ્કિનના બૅરિયરને નુકસાન પહોંચાડી શકે છે અને એને કારણે ત્વચા સંબંધિત અનેક સમસ્યા થઈ શકે છે. એવામાં આપણે ડર્મેટોલૉજિસ્ટ ડૉ. મૃણાલ શાહ મોદી પાસેથી સ્કિન-બૅરિયરનું કામ અને એને મજબૂત રાખવા શું કરી શકાય એ વિશે વિગતવાર માહિતી મેળવી લઈએ.
સ્કિન-બૅરિયર એટલે શું?
ADVERTISEMENT
સ્કિન-બૅરિયર એટલે તમારી ત્વચાની બહારનું લેયર, જે ત્વચાને સુરક્ષા આપનારી ઢાલ છે. સ્કિન-સેલ્સ અને લિપિડનું બનેલું આ સ્કિન-બૅરિયર ઈંટ અને ગારાની જેમ કામ કરે છે. સ્કિન–સેલ્સ ઈંટોનું કામ કરે છે અને બે ઈંટોને જોડતો ગારો એટલે લિપિડ. લિપિડ મુખ્યત્વે સેરામાઇડ્સ, કૉલેસ્ટરોલ, ફૅટી ઍસિડ્સ આ ત્રણ વસ્તુથી બનેલા હોય છે. સ્કિન-બૅરિયર તમારી ત્વચાની અંદર રહેલા મૉઇશ્ચરને જાળવી રાખવાનું તેમ જ પ્રદૂષણ, ધૂળ, તડકો, કેમિકલ, બૅક્ટેરિયા જેવાં બહારનાં પરિબળોથી ત્વચાને નુકસાન થતું બચાવવાનું કામ કરે છે.
બૅરિયર કમજોર થાય તો?
સ્કિન-બૅરિયર કમજોર પડવાથી ત્વચામાં મૉઇશ્ચર જળવાતું નથી, પરિણામે સ્કિન ડ્રાય થઈ જાય છે. ત્વચાની સંવેદનશીલતા વધી જાય છે જેથી કેમિકલવાળી હાર્શ પ્રોડક્ટ્સ અથવા તો બહારના એન્વાયર્નમેન્ટની અસર ઝડપથી સ્કિન પર થાય છે. બૅક્ટેરિયા અને ઍલર્જન્સ સરળતાથી ત્વચામાં પ્રવેશ કરી શકે છે; જેને કારણે ઍકને, એક્ઝિમા અથવા તો ઍલર્જિક રીઍક્શન વધુ થવા લાગે છે. ત્વચામાંથી મૉઇશ્ચર-લૉસ થવાથી અને ઇન્ફ્લેમેશનને કારણે ચહેરા પર કરચલીઓ ઝડપથી આવવા લાગે છે. સ્કિન વધારે પડતી નિસ્તેજ થવા લાગે છે. એવી જ રીતે બહારનાં પરિબળોથી ત્વચાને પ્રોટેક્ટ કરવાની ક્ષમતા ઘટી જાય છે. એટલે ડૅમેજ થયેલા સ્કિન-બૅરિયરને ફરી મજબૂત બનાવવું ખૂબ જરૂરી છે.
શું કરવું જોઈએ?
રોજબરોજના જીવનમાં હાર્શ સોપ અને ક્લેન્ઝરનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. એ તમારી સ્કિનને વધુ ડ્રાય કરી શકે છે. એની જગ્યાએ માઇલ્ડ અને સલ્ફેટ-ફ્રી ક્લેન્ઝર્સ જે સ્કિનના નૅચરલ લિપિડ લેયરને નુકસાન ન પહોંચાડે અને મૉઇશ્ચરાઇઝર જેમાં સેરામાઇડ્સ, હાયોલ્યુરૉનિક ઍસિડ અથવા ગ્લિસરીન હોય એનો ઉપયોગ કરવો જોઈએ જેથી ત્વચાની ડ્રાયનેસ ઓછી થાય. એવી જ રીતે ત્વચાને સૂર્યનાં હાનિકારક કિરણોથી બચાવવા માટે સનસ્ક્રીન લગાવીને જ ઘરની બહાર નીકળવું જોઈએ. એવી જ રીતે વિટામિન C, રેટિનૉઇડ્સ જેવાં ઍક્ટિવ ઇન્ગ્રીડિયન્ટ્સનો ઉપયોગ હાઈ કૉન્સન્ટ્રેશનમાં અને ફ્રીક્વન્ટ્લી કરવાનું ટાળવું જોઈએ; નહીંતર એ સ્કિન-બૅરિયરને ડૅમેજ કરવાનું કામ કરી શકે છે. એવી જ રીતે સ્ક્રબથી વધુપડતું ઘસી-ઘસીને સ્કિનને એક્સફોલિએટ કરવાનું ટાળવું જોઈએ. એ સિવાય આલ્કોહોલ-બેઝ્ડ ટોનર, સેટિંગ સ્પ્રેનો ઉપયોગ કરવાથી પણ સ્કિન-બૅરિયરને નુકસાન પહોંચે છે.
ડાયટમાં સુધારો
તમારે ડાયટમાં એવાં પોષક તત્ત્વોનો સમાવેશ કરવો જોઈએ જે ડૅમેજ થયેલા સ્કિન-બૅરિયરને રિપેર કરવામાં મદદ કરે. જેમ કે તમારે ડાયટમાં હેલ્ધી ફૅટ્સનો સમાવેશ કરવો જોઈએ. એ માટે અખરોટ, બદામ, ફ્લેક્સ સીડ્સ, ચિયા સીડ્સ, ઑલિવ ઑઇલ, અવાકાડો વગેરેનો સમાવેશ કરવો જોઈએ. હેલ્ધી ફૅટ્સ ત્વચાના લિપિડ લેયરને મજબૂત કરવાનું કામ કરે છે જેનાથી ડ્રાયનેસ ઓછી થાય છે. એ સિવાય ડાયટમાં દૂધ, દહીં, પનીર, વિવિધ પ્રકારની દાળનો સમાવેશ કરવો જોઈએ જેમાંથી શરીરને પ્રોટીન મળી રહે. પ્રોટીન કોલૅજન અને ઇલૅસ્ટિન બનાવવામાં મદદ કરે છે, જેનાથી ત્વચાની ઇલૅસ્ટિસિટી સુધરે છે. સ્કિન-બૅરિયરને મજબૂત કરવા માટે વિટામિન C (લીંબુ, સંતરાં, સ્ટ્રૉબેરી, ટમેટાં, બ્રૉકલી); વિટામિન A (ગાજર, શક્કરિયાં, બીટરૂટ, પપૈયું, પાલક), વિટામિન E (તલ, બદામ, હેઝલનટ, અવાકાડો) તેમ જ ઝિન્ક (ચણાદાળ, મસૂરદાળ, કોળાનાં બીજ, કાજુ, બદામ)નો સમાવેશ કરવો પણ ખૂબ જરૂરી છે. એવી જ રીતે દરરોજ ૮-૧૦ ગ્લાસ પાણી પીવા પર ધ્યાન આપવું જોઈએ જે ત્વચાને અંદરથી હાઇડ્રેટ રાખીને ડ્રાયનેસ ઓછી કરે છે.

