આટલા સમયના મારા અનુભવે મેં જોયું છે કે કેટલાક ભૈયાઓના ગલ્લાને કોઈ નામ નથી હોતું, પણ તેમનો સ્વાદ એવો સરસ હોય છે કે અઠવાડિયા પછી પણ તમારી જીભ પરથી એ જાય નહીં
નામ વિનાની આ સેવપૂરી અને ભેળપૂરીનો સ્વાદ અદ્ભુત છે
મારા નવા નાટકના શો માટે હમણાં મારે દોડધામ બહુ રહે છે. આજે શો મુંબઈમાં હોય તો કાલે ગુજરાતમાં હોય, પરમ દિવસે સાઉથમાં હોય અને એના પછી ફરી શો પાછો મુંબઈમાં હોય. ટાઇમની મારામારી વચ્ચે ટ્રાવેલિંગ કરવાનું હોય એટલે સ્વાભાવિક રીતે તમે મનભાવતું કંઈ ખાવા જઈ શકો નહીં એટલે હમણાં એક દિવસ ફ્રી હતો ત્યારે મેં નક્કી કર્યું કે આજે તો મુંબઈનું સ્ટ્રીટ-ફૂડ ખાવું જ છે.
મારી પાસે બે ઑપ્શન હતા. એક, વડાપાંઉ અને બીજો આપણી સેવપૂરી-ભેળપૂરી. અંધેરીમાં પ્રૉબ્લેમ એ કે સારાં વડાપાંઉ એક જ જગ્યાએ મળે અને એની ફૂડ-ડ્રાઇવ હું અગાઉ તમારા માટે કરી ચૂક્યો હતો એટલે મેં નક્કી કર્યું કે સેવપૂરી-ભેળપૂરીને પ્રાધાન્ય આપવું. એટલે હું તો રીતસર ખુદાબક્ષની જેમ ગાડીમાં રવાના થઈ ગયો; પણ સાહેબ, મારું નસીબ જોર કરતું હતું અને મને એક સેવપૂરી-ભેળપૂરીવાળો મળી ગયો જેનો સ્વાદ એટલો અદ્ભુત કે ન પૂછો વાત. જોકે કરમની કઠણાઈ જુઓ તમે. યુપીના એ ભૈયાના ઠેલાનું કોઈ નામ નહીં અને આજુબાજુમાં કોઈ એવો લૅન્ડમાર્ક પણ નહીં કે હું તમને સમજાવી પણ શકું કે તે ક્યાં બેસે છે. છતાંય ટ્રાય કરું છું.
ADVERTISEMENT
જો તમે અંધેરી સ્ટેશનથી લોખંડવાલા તરફ આવતા હો તો જે. પી. રોડ પર એન્ટર થાઓ એટલે થોડા સીધા જતાં લેફ્ટ સાઇડ પર એક સેવપૂરીવાળાને ત્યાં તમને બહુ ભીડ જોવા મળશે. તે જ આ ભૈયો.
હું પણ પસાર થતો હતો ત્યારે ત્યાંની ભીડ જોઈને ઊભો રહી ગયો હતો અને મારો જુગાર સફળ રહ્યો.
મેં સૌથી પહેલાં ભેળ મગાવી. ભેળના સ્વાદ પરથી જ મને સમજાઈ ગયું કે આપણે ડિનર અહીં કરી લઈએ તો નિરાશ નહીં થવું પડે. ભેળ પછી મેં તરત સેવપૂરી મગાવી અને સેવપૂરીએ મારી તબિયત ખુશ કરી દીધી. અદ્ભુત સ્વાદ. સેવપૂરીમાં જે સેવ હતી એ આપણા વાળથી પણ પાતળી અને એકદમ કરકરી. મોઢામાં મૂકો ત્યાં જ ઓગળી જાય. સેવપૂરી પછી મેં પાણીપૂરી ટ્રાય કરી.
એકદમ ગરમાગરમ રગડો અને તીખુંતમતમતું પણ ઠંડુંગાર ફુદીનાનું પાણી. પેટમાં સાતેય કોઠે દીવા થઈ ગયા. બીજી એક વાત કહું. પાણીપૂરીની જે પૂરી હતી એ મીડિયમ સાઇઝની હતી. પાણીપૂરીમાં મોટી પૂરીનો આગ્રહ ક્યારેય રાખવો નહીં, કારણ કે એવી પૂરીમાંથી અડધી પૂરી તો તમારા પ્લેટમાં જ પડતી હોય છે અને પડી જતી એ પૂરી સાથે અંદરનો રગડો અને પાણી પણ પ્લેટમાં જ વેડફાઈ જતાં હોય છે. એ વાત જુદી છે કે મારા જેવા બકાસુર છેલ્લે એ પ્લેટનું પાણી પણ પી જ જાય. એટલે જો પાણીપૂરીનો સાચો આસ્વાદ લેવો હોય તો બહેતર છે કે આરામથી મોઢામાં જાય એ સાઇઝની જ પૂરી ખાવી. આ જે ભૈયાની વાત કરું છે તે ભૈયાની બધી પૂરી મીડિયમ સાઇઝની હતી. પૂરી પણ બરાબર તળાયેલી હતી એટલે ડાર્ક બ્રાઉન કલરની અને કરકરી હતી.
મને એવી મજા આવી ગઈ કે આ બધું ખાધા પછી મેં તેની પાસે એક ભેળ અને એક સેવપૂરી પાર્સલ પણ કરાવી. મને ખાતરી હતી કે થોડી વાર પછી મને ફરીથી આ બન્ને વરાઇટી ખાવાનું મન થવાનું છે અને એવું જ થયું. ઘરે પહોંચતાંની સાથે જ હું પાર્સલ ખોલીને ટીવી સામે ગોઠવાઈ ગયો.
આહાહાહા... અત્યારે પણ એ સ્વાદ યાદ આવે છે ત્યારે મોઢામાં રીતસર પાણીના ફુવારા છૂટે છે.


