જથ્થાબંધ વટાણાની ખરીદી કરવાના હો તો સાથે-સાથે શેફ નેહા ઠક્કરે શૅર કરેલી વટાણાની આ વાનગીઓ પણ ટ્રાય કરી જુઓ
વટાણાની વાનગીઓ
આમ તો મુંબઈમાં બારેમાસ તમને વટાણા મળશે, પણ અત્યારે ભરપૂર માત્રામાં વટાણા મળે છે. આ સીઝનમાં વટાણા ફોલીને ઘરે ફ્રોઝન કરીને આખા વર્ષ માટે સંઘરી રાખી શકાય છે. જો એ માટે પણ જથ્થાબંધ વટાણાની ખરીદી કરવાના હો તો સાથે-સાથે શેફ નેહા ઠક્કરે શૅર કરેલી વટાણાની આ વાનગીઓ પણ ટ્રાય કરી જુઓ
લીલા વટાણાનો હલવો
ADVERTISEMENT
સામગ્રી ઃ ૧ વાટકી લીલા વટાણા, ૧ વાટકી દૂધ, ૧ વાટકી ઘી, ૧ ટેબલસ્પૂન રવો, ૧ ટેબલસ્પૂન મિલ્ક પાઉડર, ૧ સ્પૂન સૂંઠ પાઉડર, ૧ સ્પૂન ઇલાયચી પાઉડર, ૧ સ્પૂન જાયફળ પાઉડર, ૩/૪ વાટકી ખાંડ, ૧૦-૧૫ નંગ કાજુ-બદામ, ૧૦-૧૫ નંગ કિસમિસ
બનાવવાની રીત : સૌપ્રથમ લીલા વટાણા ફોલી સારી રીતે સાફ કરી ધોઈ લો. હવે વટાણાને ક્રશ કરી લો. કાજુ-બદામની કતરણ કરી લો.
હવે એક પૅનમાં ૩ ચમચી ઘી ગરમ કરવા મૂકો. ગરમ થાય એટલે એમાં ક્રશ કરેલા વટાણા સરસ શેકી લો. હવે એમાં દૂધ ઉમેરી હલાવી લો. લીલા વટાણાનો માવો ધીમા તાપે દૂધમાં શેકો. શેકાશે એટલે સુગંધ આવશે. પછી એમાં રવો, ખાંડ ઉમેરો. હવે બીજું ઘી ઉમેરી સરખું હલાવી લો.
હવે એમાં મિલ્ક પાઉડર, ઇલાયચી પાઉડર, સૂંઠ પાઉડર, જાયફળ પાઉડર, કાજુ-બદામની કતરણ, કિસમિસ નાખી હલાવો. ઘટ્ટ થાય એટલે ઘી છૂટું પડશે. પછી બાઉલમાં કાઢી લો. ડ્રાયફ્રૂટથી ડેકોરેટ કરી સર્વ કરો.
લીલા વટાણા કબાબ
સામગ્રી ઃ ૧ વાટકી લીલા વટાણા, ૧ વાટકી પનીર છીણેલું, એક વાટકી કોથમીર ઝીણી સમારેલી, ૨ નંગ બાફેલા બટાટા, ૧ ચમચી આદું-મરચાંની પેસ્ટ, ૧ ચમચી લીલું લસણ ઝીણું સમારેલું, ૧ ચમચી ચણાનો લોટ, ૧ ચમચી આમચૂર પાઉડર, ૧ મોટી ચમચી ઓટ્સનો પાઉડર, ૧/૨ ચમચી ગરમ મસાલો, ૧ ચમચી લાલ મરચું પાઉડર, મીઠું સ્વાદ અનુસાર, તેલ જરૂર મુજબ
બનાવવાની રીત ઃ સૌપ્રથમ વટાણાને ક્રશ કરી લેવા. હવે એક બાઉલમાં બટાટા મૅશ કરીને ક્રશ કરેલા વટાણા, છીણેલું પનીર, ઓટ્સ પાઉડર, ચણાનો લોટ, આમચૂર પાઉડર, આદુંમરચાંની પેસ્ટ, સમારેલું લસણ, કોથમીર, ગરમ મસાલો, લાલ મરચું, સ્વાદ અનુસાર મીઠું બધી સામગ્રી ઉમેરી મિક્સ કરી લેવું. હવે કબાબ વાળી ફ્રિજમાં ૧૦ મિનિટ રાખી દો જેથી સરસ સેટ થઈ જશે.હવે પૅનમાં થોડું તેલ ઉમેરી કબાબને બન્ને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શૅલો ફ્રાય કરવા. તો તૈયાર છે એકદમ ડિલિશ્યસ વટાણા કબાબ.
વટાણા બન ઢોસા
સામગ્રી ઃ ૨ વાટકી તાજા વટાણા, ૨ વાટકી ઝીણો રવો, ૧ વાટકી દહીં, ૧ વાટકી પાણી, ૧/૨ ઇંચ ટુકડો આદું, ૩ કળી લસણ, થોડી કોથમીર, સ્વાદ અનુસાર મીઠું સ્ટફિંગ માટેની સામગ્રીઃ ૨ ચમચી ઝીણી કટ કરેલી ડુંગળી, ૨ ચમચી ઝીણું કટ કરેલું કૅપ્સિકમ, ૨ ચમચી મકાઈના દાણા, ૪ ચમચી છીણેલું પનીર, ૧ ચમચી પીત્ઝા સીઝનિંગ, અડધી ચમચી મરી પાઉડર, સ્વાદ પ્રમાણે મીઠું
બનાવવાની રીતઃ સૌપ્રથમ એક મિક્સર જારમાં વટાણાને પાણી નાખ્યા વગર ક્રશ કરવા. હવે એમાં બે વાટકી રવો, એ જ વાટકીથી માપીને એક વાટકી દહીં, અને એક વાટકી પાણી, કોથમીર, આદું, લસણ, મીઠું ઉમેરી ક્રશ કરવાં. કોથમીર ઉમેરવાથી એકદમ સરસ કલર આવી જશે.
હવે એ મિશ્રણને એક બાઉલમાં કાઢી ૧૦ મિનિટ માટે રેસ્ટ આપવો. એક બાઉલમાં કટ કરેલી ડુંગળી, કૅપ્સિકમ, મકાઈના દાણા, છીણેલું પનીર બધું લેવું. એમાં સ્વાદ પ્રમાણે મીઠું, પીત્ઝા સીઝનિંગ અને મરી પાઉડર ઉમેરો. હવે વટાણાનું જે બૅટર રેડી કર્યું હતું એમાં એક નાની ચમચી બેકિંગ પાઉડર અને અડધી ચમચી બેકિંગ સોડા, ચપટી હિંગ ઉમેરી એક જ સાઇડ ચમચાથી સરખું હલાવી લેવું. હવે આપણે બન ઢોસા બનાવવા માટે નાનું વઘારિયું લેવાનું. એને ઘીથી ગ્રીસ કરી લેવું હવે. એમાં થોડું બૅટર ઉમેરવું. બૅટર પર બે ચમચી સ્ટફિંગ મૂકો. સ્ટફિંગને થોડું દબાવી ઉપર ફરીથી થોડું બૅટર ઉમેરવું. હવે ઉપર એક મિનિટ માટે ઢાંકણ ઢાંકી દેવું અને બીજી સાઇડ પલટાવી ફરી એક મિનિટ માટે થવા દો. હવે ઉપર બટર લગાવી ગરમાગરમ બન ઢોસા સર્વ કરો.
વટાણાનું અથાણું
સામગ્રી ઃ ૧ વાટકો લીલા વટાણા, ૨ ચમચી આખા ધાણા, ૧ ચમચી જીરું, ૧ ચમચી મરી, બે ચમચી અથાણાનો મસાલો, ૧ ચમચી હળદર, સ્વાદ અનુસાર મીઠું, ૧ ચમચી રાઈના કુરિયા, ૪ ચમચી તેલ, ૧ ચમચી વિનેગર
બનાવવાની રીત ઃ સૌપ્રથમ એક પૅનમાં ગરમ પાણી મૂકવાનું. એમાં મીઠું નાખી ગરમ થાય એટલે વટાણા નાખી ગૅસ બંધ કરી ઢાંકીને બે મિનિટ રાખવું. હવે વટાણાને નિતારી કોરા કરવા.
હવે એક પૅનમાં આખા ધાણા, જીરું, મરીને શેકી લેવાં. શેકાય એટલે ઠંડાં પાડી એને થોડાં અધકચરાં પીસી લેવાં.
હવે એક પૅનમાં તેલ ગરમ મૂકવું. એમાં રાઈના કુરિયા ઉમેરી નાખી ગૅસ બંધ કરી દેવો. હવે જે મસાલો તૈયાર કર્યો હતો એ મિક્સ કરવો.
હવે એમાં હળદર, અથાણાનો મસાલો, મીઠું નાખી મિક્સ કરવું. હવે એમાં કોરા કરેલા વટાણા નાખી સરખું મિક્સ કરી લેવું. છેલ્લે એક ચમચી વિનેગર ઉમેરી મિક્સ કરી લેવું. તો તૈયાર છે વટાણાનું અથાણું.

