પાર્લા-ઈસ્ટમાં આવેલો બાબુ વડાપાંઉનો સ્ટૉલ ૧૯૬૪માં શરૂ કરવામાં આવ્યો હતો. અહીંનાં વડાં અત્યારેય સેલિબ્રિટીથી લઈને સ્ટુડન્ટ્સ સુધી દરેકનાં પ્રિય છે
બાબુ વડાપાંઉ, હનુમાન રોડ, વિલે પાર્લે (ઈસ્ટ).
વિલે પાર્લે અને એની આસપાસમાં રહેતા લોકો માટે બાબુ વડાપાંઉનું નામ નવું નથી. આ વડાપાંઉનું આઉટલેટ શરૂ થયાને અનેક દાયકાઓ વીતી ગયા હોવા છતાં બાબુ વડાપાંઉની લોકપ્રિયતા હજી અકબંધ રહી છે. એનું કારણ છે એનો એકસરખો ટેસ્ટ અને ગ્રાહકોની સાથેનું રિલેશન. હવે જાણીએ આ વડાંનો સ્ટૉલ કોણે અને કેવી રીતે શરૂ કર્યો.
ADVERTISEMENT
કોથિંબીર વડી
વાત જાણે એમ છે કે મૂળ કોંકણના એવા બાબુરાવ સીતાપ્રાવે લગભગ ૧૯૫૦ની આસપાસ વિલે પાર્લે ઈસ્ટમાં આવેલી જીવન રેસ્ટોરાંમાં ટેબલ-બૉય અને હેલ્પર તરીકે પોતાની સફર શરૂ કરી હતી. ત્યાર બાદ તેમણે એક શાળાની કૅન્ટીનમાં મદદનીશ તરીકે કામ કર્યું. આમ તેમને આ ક્ષેત્રે સારીએવી હથોટી બેસી ગઈ હતી, જેને પગલે તેમણે ૧૯૬૪ની સાલમાં વડાપાંઉનો એક નાનો સ્ટૉલ ખોલીને સાહસ ખેડ્યું હતું. માત્ર ૬ પૈસામાં વડાપાંઉ વેચવાનું શરૂ કરનાર આ સ્ટૉલમાં હવે પેઢીઓ બદલાઈ ગઈ છે, પણ ગ્રાહકોનો ધસારો અકબંધ રહ્યો છે. માત્ર વડાપાંઉની સાથે શ્રીગણેશ કરનારા આ સ્ટૉલમાં આજે અનેક બીજી મહારાષ્ટ્રિયન વાનગીઓ પણ મળે છે.
વડાપાંઉ
પટ્ટી સમોસા
અહીંના ફૂડની વાત કરીએ તો વડાપાંઉ નંબર વન પર આવે છે. એની સાથે પીરસવામાં આવતી સૂકી લસણની ચટણીને ખાવા માટે આજે પણ લોકોને મોંમાં પાણી આવી જાય છે. ત્યાર બાદ અહીં પટ્ટી સમોસા વધુ ખપે છે. તેમ જ કોથિંબીર વડી, સાબુદાણાનાં વડાં વગેરે આઇટમો પણ અહીં ખૂબ વેચાય છે. અહીં ગ્રાહકોનો રશ હંમેશાં રહેતો હોય છે. આ વડાપાંઉની માગ કેટલી બધી હોઈ શકે છે એનું એક ઉદાહરણ જોઈએ તો એવું કહેવાય છે કે રોજ સેંકડો કિલો બટાટા અહીં બટાટાવડાં બનાવવા માટે વાપરવામાં આવે છે તેમ જ દિવસના પાંચ વખત બેકરીમાંથી પાંઉનો સ્ટૉક મગાવવામાં આવે છે.
ક્યાં મળશે? : બાબુ વડાપાંઉ, હનુમાન રોડ, વિલે પાર્લે (ઈસ્ટ).

