ટૉરોન્ટોમાં આવેલા બાલાજી ઘૂઘરા હાઉસમાં માત્ર ઘૂઘરા જ નહીં, કાઠિયાવાડના એ બધા નાસ્તા મળે છે જેની કોઈએ કલ્પના સુધ્ધાં ન કરી હોય.
બાલાજી ઘૂઘરા હાઉસ
મિત્રો, ગયા વીકની જેમ આ વખતની ફૂડ-ડ્રાઇવ પણ આપણી કૅનેડામાં જ છે અને એ પણ ટૉરોન્ટો શહેરમાં. સામાન્ય રીતે અમે અમેરિકામાં હોઈએ એટલે વીકના ૭ દિવસમાંથી ૬ દિવસ અમારો બ્રેકફાસ્ટ અમેરિકન હોય, પણ અમારે જવાનું હતું ટૉરોન્ટોથી એડ્મૉન્ટન અને એને માટે ફ્લાઇટ પકડવાની હતી. રાતે જ અમને અમારા ઑર્ગેનાઇઝરે કહી દીધું કે તમે બ્રેકફાસ્ટ બાલાજી ઘૂઘરા હાઉસમાં જ કરજો. બાલાજી ઘૂઘરા હાઉસ નામ સાંભળીને જ મારા કાન ઊભા થઈ ગયા. અમે તો પહોંચ્યા બાલાજીમાં અને મિત્રો, મારે માટે જન્નતનાં દ્વાર ખૂલી ગયાં.
બાલાજીના નામમાં ભલે ઘૂઘરા એક જ નાસ્તાનો ઉલ્લેખ થયો હોય પણ ત્યાં કાઠિયાવાડી નાસ્તાની ભરમાર હતી. તમે નામ બોલો એ બધું બાલાજીમાં મળતું હતું. કાઠિયાવાડી ચાથી માંડીને થેપલાં-મરચાં, ભૂંગળા-બટાટા, વણેલા ગાંઠિયા, ચાપડી-ઊંધિયું, સમોસા-ચાટ, દાળ-પકવાન અને એવું તો કેટલુંય. મેં તો જઈને સૌથી પહેલાં બાલાજીના ઘૂઘરા મગાવ્યા.
સામાન્ય રીતે ફૉરેનમાં તમને તમારા દેશની વરાઇટી પ્રમાણમાં થોડી મોંઘી મળે. ઘૂઘરાની એક પ્લેટના ૧૦ કૅનેડિયન ડૉલર એટલે સમજો કે ૬૦૦ રૂપિયાની એક પ્લેટ. એમાં ચાર મોટા ઘૂઘરા આવે. ઘૂઘરા પર પેલી રાજકોટની ગ્રીન કોઠાની ચટણી હોય, એના પર ખજૂર-આમલીની મીઠી ચટણી અને પછી એના પર સેવ. કૅનેડામાં આ બધું જોઈને જ મારે મન તો સાડાપાંચસો રૂપિયા વસૂલ થઈ ગયા (ઘૂઘરાની સાઇઝ અને ચાર નંગના તો કાઠિયાવાડમાં પણ ૫૦ રૂપિયા લે જ છે). ઘૂઘરા ડિટ્ટો આપણા રાજકોટમાં મળે એવા જ. એ પછી ફાફડા-જલેબી. ફાફડા એટલે ખરેખર નાયલૉન જેવા સૉફ્ટ અને એકદમ પાતળા ફાફડા. જલેબી પણ ચોખ્ખા ઘીમાં ને કેસરયુક્ત. એ પછી મેથીનાં થેપલાં અને ચા મગાવ્યાં. આગળ વાત કરતાં પહેલાં એક ચોખવટ કરી લઉં.
દિવસ દરમ્યાન સૌથી વધારે હું ખાઉં એ મારો બ્રેકફાસ્ટ છે. જોકે આવી કોઈ જગ્યાએ મારે વધારે આઇટમનો આસ્વાદ માણવો હોય તો હું થોડું-થોડું ટ્રાય કરું, જેથી વરાઇટી કેવી છે એની ખબર પડે.
મેથીનાં થેપલાં સાથે જે ચા આવી હતી એ અસ્સલ કાઠિયાવાડી ચા જેવી જ હતી, એકદમ કઢેલા દૂધની. તમને અમેરિકા-કૅનેડામાં આવી ચા મળી જાય એટલે સાહેબ સ્વર્ગ મળી ગયું હોય એવો ભાસ થાય. દાળ-પકવાનનાં જે પકવાન હતાં એ એકદમ કરકરાં અને દાળ એકદમ સિંધીઓની હોય એવી જ, એક પણ જાતના મસાલા વિનાની. પકવાનની સાઇઝ પણ ખાસ્સી મોટી. કહો કે આપણી જમવાની મોટી થાળી હોય એવડું એ પકવાન હતું. ફૉરેનની આ પણ એક ખાસિયત છે. ત્યાં તમને ફૂડ-ક્વૉન્ટિટી પ્રૉપર પ્રમાણમાં મળે. આ વાત મેં અઢળક દેશોમાં નોટિસ કરી છે. આપણે ત્યાં ક્વૉલિટી અને ક્વૉન્ટિટીની બાબતમાં બધા પોતપોતાનું ધાર્યું કરે છે, પણ ફૉરેનમાં એવું નથી થતું.
થેપલાં સાથે તમે ચા ન મગાવો તો પણ ચાલે. કારણ કે થેપલાં સાથે દહીં, રાયતાં, મરચાં અને બેડેકરનું પેલું પંજાબી અથાણું હોય છે એ આપવામાં આવે. ટૂંકમાં કહું તો એક પ્રકારનું નાનકડું પ્લૅટર જ સમજો. સમોસા-ચાટમાં પણ ત્રણ સમોસા વાપર્યા હશે એવું મને લાગે છે. બધી જાતની ચટણી અને એના પર એકદમ ક્રીમી દહીં પાથરીને તમને ચાટ આપે. અમે બટાટા-પૌંઆ પણ મગાવ્યા. એકદમ ધુમાડા નીકળતા બટાટા-પૌંઆ ખાતી વખતે તો તમને ખરેખર કાઠિયાવાડ યાદ આવી જાય. બટાટા-પૌંઆ બનાવવાની અનેક રીત છે, પણ બાલાજીમાં જે બટાટા-પૌંઆ હતા એ કાઠિયાવાડી સ્ટાઇલના હતા.
મિત્રો, હવે તો કૅનેડામાં અઢળક ઇન્ડિયન્સ રહે છે. એમાં તમારા મિત્રો કે રિલેટિવ્સ હોય તો તેમને આ ફૂડ-ડ્રાઇવ મોકલજો. નહીં તો આ બાલાજી ઘૂઘરાનું નામ આપીને કહેજો કે દેશની જ્યારે યાદ આવે ત્યારે અચૂક ત્યાં જાય. ખરેખર, દેશી સ્વાદ સાથે વતનની એ બધી વાતો યાદ આવી જશે જે જીવનમાં ક્યારેયભુલાતી નથી.

