દાદર-વેસ્ટમાં હનુમંતે ફાલૂદા સેન્ટરમાં આઇસક્રીમને ફુલ લોડ કરીને સર્વ કરવામાં આવતો સુરતનો ફેમસ ફાલૂદા મળે છે
હનુમંતે ફાલૂદા ઍન્ડ આઇસક્રીમ, છત્રપતિ શિવાજી મહારાજ પાર્કની બાજુમાં, ડી. એલ. વૈદ્ય માર્ગ, દાદર (વેસ્ટ)
બે દિવસ વરસાદનાં ઝાપટાં પડ્યા બાદ હવે ફરીથી ગરમીનું જોર વધી રહ્યું છે જે હવે રીતસરનું ચોમાસું ન બેસી જાય ત્યાં સુધી રહેશે. આવામાં ફરી વખત ક્રીમી આઇસક્રીમ અને ફાલૂદા ઝાપટવાની મજા પડી જશે. જો આવા સમયે તમને કંઈક અલગ ખાવાનું મન થાય તો દાદરની આ જગ્યાએ એક વાર રાઉન્ડ મારવા જેવું છે. અહીં ફુલ આઇસક્રીમ સ્કૂપ્સથી લોડેડ ફાલૂદા મળી રહ્યા છે. કહેવાય છે કે આ ફાલૂદા સુરતમાં ઘણા પ્રખ્યાત છે.
ADVERTISEMENT
હનુમંતે સ્પેશ્યલ ફાલૂદા
દાદર વેસ્ટથી પાંચ મિનિટના વૉકિંગ ડિસ્ટન્સ પર આવેલું હનુમંતે ફાલૂદા અને આઇસક્રીમ સેન્ટર એના આઇસક્રીમ અને ફાલૂદા માટે ઘણું પ્રખ્યાત છે. તેમનું કહેવું છે કે તેમના આઇસક્રીમ્સ અને મિલ્કશેક્સ સુરતથી રોજ આવે છે. ફાલૂદામાં ઘણીબધી વરાઇટી આવે છે. લગભગ બે ડઝન કરતાં પણ વધુ વરાઇટીના ફાલૂદા અહીં મળે છે. રોઝ, બટરસ્કૉચથી લઈને હનુમંતે સ્પેશ્યલ અને બાલદી ફાલૂદા મળે છે. અહીંના યુનિક ફાલૂદાની વાત કરીએ તો હનુમંતે સ્પેશ્યલ ફાલૂદા કંઈક અલગ છે જેમાં ડ્રાયફ્રૂટ્સથી લઈને ચૉકલેટ સિરપ અને પાંચ અલગ-અલગ ફ્લેવરના આઇસક્રીમ સ્કૂપ ઉમેરવામાં આવે છે.
બાલદી ફાલૂદા
આવી જ રીતે બાલદી ફાલૂદા પણ છે જે મિની પ્લાસ્ટિકની બાલદી જેવા દેખાતા ટ્રાન્સપરન્ટ વાસણમાં સર્વ કરવામાં આવે છે. એમાં પણ ડ્રાયફ્રૂટ, ચૉકલેટ હોય જ છે સાથે એમાં ઢગલાબંધ આઇસક્રીમના સ્કૂપ્સ પણ ઉમેરવામાં આવે છે અને આ એક જણ માટે ખાવું લગભગ અશક્ય જ હોય છે. મિલ્કશેકમાં બદામ શેક અહીં સૌથી વધુ વેચાય છે. લાસ્ટ બટ નૉટ ધ લીસ્ટ, કોલ્ડ કોકો એકદમ ચિલ્ડ મળે છે.
ક્યાં મળશે? : હનુમંતે ફાલૂદા ઍન્ડ આઇસક્રીમ, છત્રપતિ શિવાજી મહારાજ પાર્કની બાજુમાં, ડી. એલ. વૈદ્ય માર્ગ, દાદર (વેસ્ટ)

