એક સમયે તેમને શશી કપૂરે ફિલ્મોમાં કામ કરવાની ઑફર આપેલી. એ સમયે અમદાવાદમાં રહેતાં વંદનાબહેનને પોતાનું શહેર છોડીને જવાની ઇચ્છા જ નહોતી એટલે તેમણે ઘસીને ના પાડી દીધી હતી
વંદના પાઠક
વંદના પાઠક ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીનું અત્યંત જાણીતું નામ છે. અત્યારે તો તેઓ અઢળક ગુજરાતી ફિલ્મો પણ કરે છે, એક સમયે તેમને શશી કપૂરે ફિલ્મોમાં કામ કરવાની ઑફર આપેલી. એ સમયે અમદાવાદમાં રહેતાં વંદનાબહેનને પોતાનું શહેર છોડીને જવાની ઇચ્છા જ નહોતી એટલે તેમણે ઘસીને ના પાડી દીધી હતી. આજે તેમને લાગે છે કે એ સમયે હા પાડી હોત તો કરીઅર કોઈ જુદી જ દિશામાં આગળ વધી હોત
૨૦૦૨માં પ્રોડ્યુસર જે. ડી. મજીઠિયા નાટકમાં કામ કરી ચૂકેલી અને ‘હમ પાંચ’ સિરિયલની સૌથી મોટી બહેન મીનાક્ષી માથુર તરીકે પ્રખ્યાત થયેલી ઍક્ટ્રેસ વંદના પાઠકને ઘરે મળવા ગયા હતા. વંદનાબહેનને દીકરી આવેલી. એ સમયે નાટકોમાં સાથે કામ કરવાને કારણે તેઓ એકબીજાને ઘણી સારી રીતે ઓળખતાં એટલે તેના નવા બાળકને પહેલી વાર જોવા અને વંદનાબહેનની ખબર કાઢવા જેડીભાઈ વંદનાબહેનના ઘરે ગયા હતા. તેઓ તેમના ઘરે બેઠા હતા ત્યારે તેમને લેખક આતિશ કાપડિયાનો ફોન આવ્યો. આતિશભાઈ તેમને કહી રહ્યા હતા કે વંદનાને પૂછી જોને એક વાર, પૂછવામાં શું છે? જેડીભાઈ કહી રહ્યા હતા કે ભાઈ, તેની ડિલિવરી થયાને અઠવાડિયું પણ નથી થયું, હું કેવી રીતે પૂછું તેને? તે નહીં કરી શકે, હું અહીં તેની દીકરીનું મોઢું જોવા આવ્યો છું, એમાં આવી વાત કરું તો કેવું લાગે? આટલું કહીને તેમણે ફોન કાપી નાખ્યો. થોડી વાર થઈ એટલે ફરી આતિશભાઈએ ફોન કર્યો. જેડીભાઈ ત્યારે થોડા અકળાઈ ગયા અને તેમણે ફરી એ જ કહ્યું, ‘એમ કેમ પુછાય, તને સમજાતું નથી?’
ADVERTISEMENT
વંદનાબહેને દૂરથી જેડીભાઈના બદલાતા હાવભાવ જોયા અને તેમણે સહજતાથી પૂછ્યું કે શું થયું, કોનો ફોન છે? જેડીભાઈએ કહ્યું, ‘આતિશ છે ફોન પર, અમે એક સિરિયલ બનાવવા માગીએ છીએ. એ માટે તે તને પૂછવાનું કહે છે. એમાં એક સરસ રોલ છે તારા માટે પણ હું તેને કહી રહ્યો છું કે તેને હજી હમણાં જ દીકરી આવી છે તો તેનાથી કઈ રીતે કામ થાય?’
આ પ્રશ્ન સાંભળીને વંદનાબહેને કહ્યું કે કેમ ન થાય? ચોક્કસ થાય. જેડીભાઈએ પૂછ્યું કે ખરેખર?
ફોનમાંથી ખુશખુશાલ આતિશભાઈનો અવાજ આવ્યો, જોયું? મેં નહોતું કહ્યું, વંદના ના પાડે જ નહીં.
આ રીતે ‘ખિચડી’ સિરિયલને એની ‘જયશ્રી’ મળી ગઈ. શૂટિંગનો પહેલો દિવસ અને વંદનાબહેન તેમની દોઢ મહિનાની દીકરીને લઈને સેટ પર ગયાં. સેટ પર વંદનાબહેનનો આખો રૂમ
બેબી-ફ્રેન્ડ્લી બનાવવામાં આવ્યો હતો. બાળકના ઘોડિયાથી લઈને મચ્છરદાની, ડાઇપર્સથી લઈને બેબી-વાઇપ્સ સુધી બધી જ વ્યવસ્થા જેડીભાઈએ કરી હતી. ૨૦૦૨થી ૨૦૦૪ સુધી ‘ખિચડી’ સિરિયલ ચાલી. નાટકો, ટીવી અને ફિલ્મોમાં અઢળક કામ કરી ચૂકેલાં વંદનાબહેન આજે પણ ઘરે-ઘરે જયશ્રીના કિરદારથી ઓળખાય છે.
નાનપણ
મજાની વાત એ છે કે વંદનાબહેનનાં મમ્મીનું નામ જયશ્રી છે. મૂળ મરાઠી પણ ગુજરાતી ઍક્ટર તરીકે ખૂબ જ જાણીતા અરવિંદ વૈદ્યના ઘરે પહેલા સંતાનરૂપે વંદનાબહેનનો જન્મ થયો. એટલે ગળથૂથીમાં જ કળા મળી હોય એ સમજી શકાય. નાનપણથી તેઓ અમદાવાદ રહેતાં. એ દિવસોને યાદ કરતાં વંદનાબહેન કહે છે, ‘અમે પપ્પાનાં નાટકો જોઈને જ મોટાં થયાં છીએ. જોકે એ ખરું કે તેમનાં અને કાન્તિ મડિયાનાં નાટકો સિવાય અમે બીજાં કોઈ નાટકો જોયાં જ નથી. બહારગામ ફરવા અમે જતાં નહીં પણ પપ્પા સાથે તેમનાં નાટકો જ્યાં-જ્યાં ગયાં છે જેમ કે હૈદરબાદ, દિલ્હી, કલકત્તા, એ બધી જ જગ્યાએ અમે તેમની સાથે જ ગયાં હોય. મને યાદ છે કે હું ૫-૬ વર્ષની હતી. એક નાટક હતું ‘નંદુ-ઇંદુ’. એના માટે પપ્પા મને બાઇક પર બેસાડીને લઈ ગયા. મને કહે કે જો હું આમ બોલુંને તો તારે આવો જવાબ આપવાનો. આવું કઈ પૂછું તો આવો જવાબ આપવાનો, એ સમયે નાટક શું છે એ તો ક્યાંથી ખબર હોય; બસ, પપ્પાએ કહ્યું એટલે એમ કરી દીધું અને આ રીતે નાટકોની શરૂઆત થઈ ગઈ. એ પછી પપ્પા ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ISRO) માટે કામ કરતા. ખેડૂતો માટેના કાર્યક્રમો હોય કે જનજાગૃતિ માટેની વાત હોય, એ બધામાં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે મેં કામ કર્યું.’
વંદના પાઠક પોતાની ફૅમિલી સાથે
ભણતર
ભણવામાં વંદનાબહેન ખૂબ હોશિયાર હતાં એટલે કૉલેજમાં તેમણે સાયન્સ લીધેલું, પરંતુ બારમાં ધોરણમાં પેપર-ચેકિંગમાં કોઈ પ્રૉબ્લેમ થવાને લીધે માર્ક્સ ઓછા આવ્યા એટલે તેઓ એકદમ નિરાશ થઈ ગયાં હતાં. એ સમયે અરવિંદભાઈએ તેમને કહ્યું કે તું એક કામ કર, ગુજરાત યુનિવર્સિટીનો નાટ્યવિભાગ એક વખત જોઈ આવ, તને ગમે તો ત્યાં ઍડ્મિશન લેવા વિશે વિચારજે. એ વાત યાદ કરતાં વંદનાબહેન કહે છે, ‘હું એ કૉલેજમાં ગઈ અને મને એ ખૂબ ગમી. એક નવું વિશ્વ મારી સમક્ષ ખૂલ્યું. મેં નક્કી કર્યું કે હું અહીં ભણીશ. ડિપ્લોમા કોર્સ ત્યાં જૉઇન કર્યો અને એ પછી સાથે ગ્રૅજ્યુએશન તો કરવું છે એમ વિચારીને BScમાં ઍડ્મિશન લઈ લીધું. એ સમયે પપ્પા એક નાટક પ્લાન કરી રહેલા. એનું નામ હતું ‘સ્પર્શ’. લેપ્રસીના દરદીઓના જીવન પર આધારિત આ નાટક મારું પહેલું કમર્શિયલ નાટક હતું જેના માટે મને ગુજરાત રાજ્યનો બેસ્ટ ઍક્ટ્રેસનો અવૉર્ડ મળ્યો. એ સમયે હું ૧૮-૧૯ વર્ષની હોઈશ. હું સ્ટેજ પર જઈને રડવા લાગેલી કે મારા પપ્પા મારા કરતાં વધુ સારું કામ કરે છે તો તેમને કેમ અવૉર્ડ નથી આપતા, મને કેમ આપો છો? ત્યારે લેખક પ્રબોધ જોશી, જે મને અવૉર્ડ આપી રહ્યા હતા તેમણે કહ્યું કે બેટા, પપ્પાએ આ નાટકમાં ઍક્ટિંગ નથી કરી, તેં કરી છે એટલે તને અવૉર્ડ છે. સાચે! ક્યારેક વિચારું તો લાગે કે કેટલી ભોળી હતી હું.’
મુંબઈમાં શરૂઆત
વંદનાબહેન અને નીરજભાઈ લગ્ન પછી મુંબઈ આવ્યાં. એ સમયે અમદાવાદમાં બન્નેનું સારું નામ થઈ ગયેલું અને ખૂબ નાટકો મળતાં હતાં. દૂરદર્શનની સિરિયલો પણ મળી રહી હતી. વંદનાબહેનને મુંબઈ આવવાનો નિર્ણય એ સમયે યોગ્ય લાગતો નહોતો, પરંતુ નીરજભાઈએ તેમને કહ્યું કે અહીં તું નાનકડી નદીની મોટી માછલી છે; મુંબઈ એક મોટો સમુદ્ર છે, ત્યાં પહોંચવા તારે છલાંગ લગાવવી પડશે; ત્યાં ઘણી મોટી માછલીઓ મળશે તને, પણ એની વચ્ચે તું ક્વીન બનીને બતાવે ત્યારે સાચું. આ અરસામાં જ એક નાટક માટે મુંબઈ આવવાનું થયું. એ વિશે વાત કરતાં વંદનાબહેન કહે છે, ‘સિદ્ધાર્થ રાંદેરિયાનું ડિરેક્શન હતું અને મહાવીર શાહનું નાટક હતું ‘જન્મદાતા’. એના માટે હું અને મમ્મી ગુજરાત મેલમાં મુંબઈ આવ્યાં. સ્ટેશનથી સીધાં અમારે હિન્દુજા ઑડિટોરિયમ પહોંચવાનું હતું. એ દિવસે મને ખૂબ જ કૃતજ્ઞતાનો ભાવ આવ્યો કે જે શહેરમાં પોતાનાં સપનાં પૂરાં કરવા લોકો ફુટપાથ પર પણ જીવતા હોય છે એ શહેરમાં પગ મૂકતાંની સાથે મારે ઑડિટોરિયમ પહોંચવાનું હતું. મને સીધું આ શહેરે સ્ટેજ આપ્યું અને એ જ એક મોટો આવકાર હતો.’
વર્કિંગ મધર
નાટકોમાં કામ કરતાં-કરતાં એકતા કપૂર સાથે મુલાકાત થઈ અને ‘હમ પાંચ’ની મીનાક્ષી માથુરનો રોલ તેમને મળી ગયો. વંદનાબહેને આ સિરિયલ સાડાપાંચ વર્ષ કરી જેમાં છેલ્લે-છેલ્લે વંદનાબહેન પ્રેગ્નન્ટ હતાં. સિરિયલમાં તો તે કુંવારાં હતાં એટલે ગર્ભવતી બતાવી શકાય નહીં. છતાં તેમણે કામ ન છોડ્યું. છેલ્લે સુધી મોટી સાઇઝના દુપટ્ટાઓથી તેઓ પેટ ઢાંકતાં અને પ્રેગ્નન્સીમાં સાડાઆઠ મહિના સુધી તેમણે કામ કર્યું. એના વિશે વંદનાબહેન કહે છે, ‘મેં જીવનમાં દરેક પ્રકારના ઉતાર-ચડાવ જોયા છે. એક સમયે મારા અકાઉન્ટમાં ૧૦૦ રૂપિયા જ હતા. એટલે કામની કદર મને ઘણી છે. બીજું એ કે મારાં માતા-પિતા હંમેશાં મારી સાથે, મારી મદદે હોય જ. એટલે કામ કરતાં-કરતાં બાળકોનો ઉછેર કરવામાં વાંધો ન આવ્યો. વળી એ સમયે સિરિયલો અઠવાડિયાના બધા જ દિવસ નહોતી આવતી એટલે મૅનેજેબલ હતું. આજની તારીખે વર્કિંગ મધર્સ માટે ઘણું અઘરું છે.’
અફસોસ
૨૦૨૦માં વંદના પાઠકે ગુજરાતી ફિલ્મ ‘ગોળકેરી’ કરી. એ પછી ‘સ્વાગતમ’, ‘કહેવતલાલ પરિવાર’, ‘નવા પપ્પા’, ‘બુશર્ટ-ટીશર્ટ’, ‘ગુલામ ચોર’, ‘ખિચડી-2 : મિશન પંથુકીસ્તાન’, ‘વૅનિલા આઇસક્રીમ’, ‘ઉંબરો’, ‘ઑલ ધ બેસ્ટ પંડ્યા’ જેવી અઢળક ગુજરાતી ફિલ્મો કરી છે. તેમની તાજેતરની ફિલ્મ છે ‘જય માતાજી-ચાલો રૉક કરીએ’. ૨૨-૨૩ વર્ષની ઉંમરે ‘સાસુજીના અખતરા’ સિરિયલ વંદનાબહેન કરી રહ્યાં હતાં જે શશી કપૂર પ્રોડક્શન હતું. એક દિવસ તેઓ સેટ પર આવ્યા ત્યારે વંદનાબહેનને મળ્યા. એ દિવસને યાદ કરતાં વંદનાબહેન કહે છે, ‘તેમણે મને સીધું જ પૂછ્યું કે વંદના, તું ફિલ્મોમાં કામ કરીશ? તો મેં તેમને સીધી ના પાડી દીધી કારણ કે મને અમદાવાદ નહોતું છોડવું. તેમણે મને સમજાવ્યું કે એક ઍક્ટર તરીકે તમારો વ્યાપ વધે, પણ એ સમયે અમદાવાદ છોડવાની કોઈ ઇચ્છા જ નહોતી મને કારણ કે ત્યાં મને સારું કામ મળતું હતું અને મને એ વાતનો ઘણો સંતોષ હતો. આજે વિચારું છું તો લાગે છે કે એ સમયે હા પાડી હોત તો બની શકત કે જીવન કંઈક અલગ હોત. બધાના જીવનમાં કોઈ ને કોઈ કાશ... તો હોય જ છે. મારા જીવનનું કાશ... આ બનાવ છે.’
વંદના અને નીરજ પાઠકની લવ-સ્ટોરી
બારમાના રિઝલ્ટથી નિરાશ થઈને કૉલેજમાં જતી વખતે વંદનાબહેનને કોઈ અંદાજ પણ નહોતો કે તેમનું જીવન કઈ રીતે બદલાવાનું છે, અહીં તેમને તેમનો જીવનસાથી મળવાનો છે. વંદનાબહેને મૂળ ઉત્તર પ્રદેશના અને રાજસ્થાનમાં જન્મેલા લેખક, ડિરેક્ટર અને પ્રોડ્યુસર નીરજ પાઠક સાથે લગ્ન કર્યાં હતાં. તેમની લવ-સ્ટોરી વિશે જણાવતાં વંદનાબહેન કહે છે, ‘ડ્રામા કૉલેજમાં એક દિવસ હું લાઇબ્રેરીમાં હતી. એ સમયે હું એકદમ લીડર જેવી, ખૂબ જ વાતોડી અને દુનિયામાં જાણે મારું જ રાજ ચાલતું હોય એમ જીવતી. નીરજ તેના મિત્ર સાથે ડ્રામા કૉલેજમાં ઍડ્મિશન લેવા આવેલો. તેના શબ્દોમાં જ કહું તો લાલ સિલ્કનું ટૉપ, જીન્સ, લાંબો ચોટલો, સરસ અવાજ અને એ સમયના ગુજરાતમાં એકદમ શુદ્ધ હિન્દીમાં બોલતી છોકરીના પ્રથમ નજરના પ્રેમમાં તે પડી ગયો. મને તો તેના વિશે કંઈ ખબર જ નહોતી. માર્ચમાં કોર્સ શરૂ થાય, પરંતુ તેણે જાન્યુઆરીમાં મોડો શરૂ કર્યો. વળી ઘણા પ્રોફેસર ગુજરાતીમાં શીખવે. તેને ગુજરાતી આવડે નહીં એટલે હું તેને શીખવતી. તેની બધી નોટ્સ ગુજરાતીમાંથી હિન્દીમાં ટ્રાન્સલેટ કરી દેતી. આમ અમે મિત્રો બની ગયાં. તેને મારા પ્રત્યે લાગણી વધતી ગઈ પણ મને એવું કંઈ નહોતું. મને એમ કે અમે ખૂબ સારાં મિત્રો છીએ. ત્યાં એક દિવસ તેણે મને પ્રપોઝ કર્યું. મેં તેને કહ્યું કે આપણે તો મિત્રો છીએ સારાં, પ્રેમ જેવું કંઈ નહીં. એટલે તે ખૂબ જ હર્ટ થઈ ગયો. પછી સતત ૨-૩ દિવસ મારી સાથે વાત જ નહોતો કરતો.’
તો પછી તમને તેમના પ્રત્યે પ્રેમ ક્યારે થયો? એ બાબતે વાત કરતાં વંદનાબહેન કહે છે, ‘તે મારો ખૂબ જ સારો મિત્ર હતો પણ જે ૨-૩ દિવસ તેણે મારી સાથે વાત ન કરી એ દરમિયાન મેં તેને એ નજરથી જોવાનું શરૂ કર્યું. તે ખૂબ જ સારો છોકરો છે એ વાતનો અહેસાસ મને હતો, કારણ કે તેનામાં એક પણ અવગુણ નહીં. ક્યારેય ઊંચા અવાજે ન બોલે, ગાળો ન બોલે, સિગારેટ-દારૂ તો છોડો, ટપરી પર ખાલી બેસીને ટાઇમ વેસ્ટ કરવાવાળો પણ નહોતો તે. ખૂબ જ મહેનતુ અને જીવનમાં કંઈક કરવું હતું તેને. મારી જેમ તે પણ સાયન્સ ગ્રૅજ્યુએશન કરતો હતો. ભણવામાં પણ હોશિયાર હતો. એકદમ સારો છોકરો કહી શકાય એવો. એટલે મેં તેને કહ્યું કે હા, ચોક્કસ આગળ વધી શકાય પણ મને ટાઇમપાસમાં બિલકુલ રસ નથી. તેણે કહ્યું ના, એવું જરાય નથી; મારે તો પરણવું જ છે તારી સાથે. ૨૪ વર્ષની ઉંમરે અમે બન્નેએ લગ્ન કરી લીધાં હતાં. બસ, આજે એ વાતને વર્ષો વીતી ગયાં. અમારાં બે બાળકો છે, યશ અને રાધિકા. યશ અત્યારે ૨૮ વર્ષનો છે અને ક્રિકેટનું હોસ્ટિંગ કરે છે. સાથે-સાથે પપ્પાના પ્રોડક્શન હાઉસમાં કામ કરે છે. રાધિકા ૨૩ વર્ષની છે. હાલમાં લંડનથી સ્ક્રીનપ્લે રાઇટિંગનો કોર્સ કરીને પાછી ફરી છે.’

