દેશ-વિદેશના ભક્તજનોએ મોકલી ૩૦,૦૦૦થી વધુ રાખડીઓ
સાળંગપુરમાં હનુમાનદાદાના મંદિરમાં રાખડીઓનો અનોખો શણગાર
સૌરાષ્ટ્રમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં આવેલા શ્રી કષ્ટભંજનદેવ હનુમાન મંદિરમાં ગઈ કાલે રાખડીઓનો અનોખો શણગાર થયો હતો. દેશ-વિદેશના ભક્તજનોએ ૩૦,૦૦૦થી વધુ અવનવી રાખડીઓ મોકલી હતી જેનાથી મંદિરમાં શણગાર કરવામાં આવ્યો હતો.
‘મારા દાદાને મારી રાખડી’ અભિયાન અંતર્ગત હજારો ભક્તજનોએ મંદિરમાં રાખડીઓ મોકલી હતી. વિવિધ ડેકોરેશનવાળી તેમ જ આર્ટિફિશ્યલ રાખડીઓ, કાપડ અને ઊનમાંથી બનાવેલી રાખડીઓ, મોરપંખવાળી, બાણ આકારની, કોડીઓ અને મોતીથી બનાવેલી, ફૂલવાળી, પ્રભુ શ્રીરામના મુખવાળી, હનુમાનદાદાના ફોટોવાળી, હનુમાનજીના પેઇન્ટિંગવાળી, ઇન્ડિયન મૅપવાળી, ચોખામાંથી બનાવેલી, હનુમાનચાલીસા લખેલી તેમ જ અન્ય પ્રકારની દોઢ ફુટથી લઈને ત્રણ ફુટ જેટલી ગોળ, ચોરસ, લંબચોરસ, લંબગોળ આકારની રાખડીઓ સાળંગપુરમાં આવી હતી. ગુજરાત ઉપરાંત દેશનાં અન્ય રાજ્યો તેમ જ આફ્રિકા, યુગાન્ડા, અમેરિકા, કૅનેડા, ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ, દુબઈ સહિતના દેશોમાંથી ૩૦થી ૩૫ હજાર રાખડીઓ ભક્તજનોએ મોકલી હતી.

