કાંજુરમાર્ગના એક હાઇરાઇઝ બિલ્ડિંગમાં રહેતી ૧૧ વર્ષની છોકરીનો તેના જ પાડોશમાં રહેતા ૫૦ વર્ષના આધેડે વિનયભંગ કર્યો હતો
પ્રતીકાત્મક તસવીર
કાંજુરમાર્ગના એક હાઇરાઇઝ બિલ્ડિંગમાં રહેતી ૧૧ વર્ષની છોકરીનો તેના જ પાડોશમાં રહેતા ૫૦ વર્ષના આધેડે વિનયભંગ કર્યો હતો. આ બાબતે છોકરીએ તેનાં માતા-પિતાને જાણ કરતાં તેમણે આધેડ સામે પોલીસ-ફરિયાદ કરી હતી. પોલીસે આધેડ સામે વિનયભંગ અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન્સ ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) ઍક્ટ હેઠળ ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી.
પીડિત છોકરી ૧૧ વર્ષની છે અને એ મકાનના ૧૪મા માળે રહે છે. રોજ સાંજે તે સ્કૂલમાંથી પાછી આવે છે. બુધવારે સાંજે તે સ્કૂલમાંથી પાછી આવીને લિફ્ટમાં ચડી ત્યારે પાડોશમાં રહેતો આધેડ પણ તેની સાથે લિફ્ટમાં આવી ગયો હતો. લિફ્ટમાં અન્ય કોઈ ન હોવાથી એકાંતનો લાભ લઈને આધેડે છોકરી સાથે અડપલાં કર્યાં હતાં. એને કારણે છોકરી ગભરાઈ ગઈ હતી. તેણે ઘરે જઈને તેનાં મમ્મી-પપ્પાને કહ્યું કે બાજુમાં રહેતા અંકલે તેની સાથે ગંદું કૃત્ય કર્યું હતું. એથી તરત જ તેના પેરન્ટ્સે પોલીસમાં જઈને ફરિયાદ કરી હતી. પોલીસે આધેડ આરોપીની ધરપકડ કરીને તેની સામે ભારતીય ન્યાયસંહિતાની કલમ અને POCSO ઍક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ કાર્યવાહી શરૂ કરી હતી.

