રક્ષાબંધનના અવસરે વાત કરીએ બહેન પાસેથી કિડની મેળવીને નવજીવન મેળવનારા ગાંધીનગર અને અમદાવાદના ભાઈઓ સાથે : અમદાવાદમાં આવેલી કિડની હૉસ્પિટલમાં છેલ્લાં ત્રણ વર્ષમાં ૨૦ બહેનોએ ભાઈઓને અને ૩ ભાઈઓએ બહેનોને આપી હતી કિડની
જગદીશ ઠાકોર અને તેમને કિડની આપનાર લાલ સાડીમાં રેખાબહેન (ડાબે); કિરણ પટેલને કિડની આપનાર સુશીલાબહેન તેમને રાખડી બાંધી રહ્યાં છે (જમણે)
આજે ભાઈ-બહેનના સ્નેહનું પર્વ રક્ષાબંધન સમગ્ર વિશ્વમાં હર્ષોલ્લાસપૂર્ણ રીતે ઊજવાશે ત્યારે અમદાવાદના જગદીશ ઠાકોર અને ગાંધીનગરના કિરણ પટેલ બહુ પ્રફુલ્લિત છે. આજે તેઓ જે જીવન જીવી રહ્યા છે એ તેમની બહેનને કારણે જીવી રહ્યા છે એવી લાગણી વ્યક્ત કરતાં ‘મિડ-ડે’ને આ બન્ને ભાઈઓએ કહ્યું હતું કે અમારી બહેને પળનોય વિચાર કર્યા વગર કિડનીનું દાન કરીને અમને નવજીવન આપ્યું છે, આજે અમે જે સ્વસ્થ જિંદગી જીવી રહ્યા છીએ એ અમારી બહેનને કારણે જીવી રહ્યા છીએ.
અમદાવાદમાં રહેતા ૫૧ વર્ષના જગદીશ ઠાકોરને કિડની બદલવી પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ ત્યારે તેમનાં મોટાં બહેન આગળ આવ્યાં હતાં. જગદીશભાઈ ‘મિડ-ડે’ને કહે છે, ‘મારે કિડની બદલવી પડે એવી ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. આજના સમયે કોઈ પોતાની કિડની આપે નહીં, પરંતુ ગયા વર્ષે જૂનમાં મારાથી મોટાં રેખાબહેને મને તેમની કિડનીનું દાન કર્યું હતું. મારી કિડની ખરાબ થઈ ગઈ હોવાથી મારે અઠવાડિયામાં બે-ત્રણ વખત ડાયાલિસિસ કરાવવું પડતું હતું અને ખાવામાં પણ કન્ટ્રોલ કરવો પડતો હતો. મારાં મોટાં બહેને મને કિડની આપીને આ બધી મુશ્કેલીમાંથી મને ઉગારી લીધો હતો. મારા માટે મારાં બહેન ભગવાન છે. તેમણે મને નવો જન્મ આપ્યો છે.’
ADVERTISEMENT
ગાંધીનગરમાં રહેતા કિરણ પટેલની કિડની જ્યારે ફેલ થઈ ગઈ અને કિડની બદલવી પડે એવી પરિસ્થિતિ આવી પડી ત્યારે એવી વિકટ પરિસ્થિતિમાં તેમની ચાર બહેનો તેમના પડખે ઊભી રહી ગઈ હતી અને પોતાની કિડની આપવા તૈયાર થઈ ગઈ હતી. પોતાની બહેનોએ કિડની આપવા દાખવેલી તત્પરતા વિશે વાત કરતાં કિરણ પટેલ ‘મિડ-ડે’ને કહે છે, ‘બે વર્ષ પહેલાં મારી કિડની ફેલ થઈ ગઈ હતી. મારી ચાર બહેનો છે તેમને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેઓ મને કિડની આપવા તૈયાર થઈ ગઈ હતી. કૅનેડામાં રહેતી મારી બહેન તો ગાંધીનગર આવી ગઈ હતી. જોકે મારી સુશીલાબહેનની કિડની મને મૅચ થઈ હતી અને ગયા વર્ષે ફેબ્રુઆરીમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી. હું ડાયાલિસિસ પર હતો એ બધું હવે છૂટી ગયું છે અને આજે મારી મોટી બહેનને કારણે હું સ્વસ્થ જીવન જીવી રહ્યો છું. સુશીલાબહેને મને તેમની કિડની દાન આપી અને મારો નવો જન્મ થયો.’
આજના સમયમાં પણ ભાઈબહેનો વચ્ચે ઋણાનુબંધ યથાવત્ રહ્યો છે એનાં આ ઉદાહરણો છે. છેલ્લાં ત્રણ વર્ષમાં અમદાવાદમાં આવેલી સરકારી કિડની હૉસ્પિટલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડાયાલિસિસ ઍન્ડ રિસર્ચ સેન્ટરમાં ૨૦ બહેનોએ તેમના ભાઈને દીર્ઘાયુની પ્રાર્થના સાથે કિડનીનું દાન આપ્યું છે અને ૩ ભાઈઓએ તેમની બહેનને કિડનીનું દાન આપ્યું છે.

