કાંદિવલી-ઈસ્ટમાં છેલ્લાં ૪૦ વર્ષથી આ વડાપાઉં ફેમસ છે
સાવંત વડાપાંઉ
મુંબઈકરોનો ફર્સ્ટ લવ એટલે વડાપાંઉ. એમાં પણ બહાર મસ્ત મજાનો વરસાદ વરસતો હોય અને સામે વડાપાંઉની લારી દેખાઈ જાય તો કોને ખાવાનું મન ન થાય? મુંબઈમાં રહેતા મોટા ભાગના લોકોએ અનેક ઠેકાણેનાં વડાપાંઉ ખાધાં હશે તેમ છતાં હજી કોઈક નવી જગ્યા ટ્રાય કરવાની ઇચ્છા હોય તો કાંદિવલીના આ ઍડ્રેસ પર આવી જજો.
કાંદિવલી-ઈસ્ટમાં આવેલા સમતાનગરમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેથી અંદર પ્રવેશતાંની સાથે પીળા કલરની નાનકડી ફૂડ-ટ્રક જોવા મળશે. એ જ છે સાવંત વડાપાંઉ. છેલ્લાં ૪૦ વર્ષથી તેઓ કાંદિવલી ઈસ્ટમાં વડાપાંઉ વેચી રહ્યા છે. જોકે સ્થળ બદલાતું રહ્યું છે, પરંતુ ટેસ્ટ એવો જ જાળવી રાખ્યો છે. આ વિશે વધુ માહિતી આપતાં સાવંત વડાપાંઉના ફાઉન્ડરના દીકરા પવન સાવંત કહે છે, ‘મારા પપ્પા પ્રકાશ સાવંતે ૧૯૮૬ની સાલમાં વડાપાંઉનો સમતાનગરમાં સ્ટૉલ શરૂ કર્યો હતો. એ સમયે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેની પાછળની તરફનો વિસ્તાર એટલો વિકસ્યો નહોતો છતાં લોકો સાવંતનાં વડાં ખાવા માટે દૂર-દૂરથી આવતા હતા. આજે પણ વડાંનો ટેસ્ટ અહીં અકબંધ રાખ્યો છે. ૨૦૨૦ની સાલ બાદથી અમે ફૂડ-ટ્રક વસાવી લીધી છે અને એમાં જ હવે વડાપાંઉ વેચીએ છીએ. આજની તારીખમાં પણ મારા પપ્પા રોજ અહીં આવે છે અને પોતાના નિરીક્ષણ હેઠળ પર્ફેક્ટ ટેસ્ટ અને ક્વૉલિટી સાથેનાં વડાં બની રહ્યાં છે કે નહીં એની ખાતરી કરે છે.’
ADVERTISEMENT
આમ તો અહીંનાં બટાટાવડાં અને પાંઉવડાં ખૂબ જ ફેમસ છે જ પરંતુ સાથે હવે અહીં વિવિધ વરાઇટીનાં બટાટાવડાં, ભજિયાં વગેરે પણ મળે છે જે ટ્રાય કરવા જેવાં છે. ભાવની વાત કરીએ તો એ પણ રીઝનેબલ છે. ટૂંકમાં વડાપાંઉ લવર્સ માટે આ જગ્યા બેસ્ટ રહેશે.
ક્યાં મળશે? : સાવંત વડાપાંઉ, સમતાનગર, ફ્લાયઓવરની બાજુમાં, કાંદિવલી (ઈસ્ટ).

