Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

યે પાઇનૅપલ હૈ બડા પાવરફુલ

Published : 27 June, 2025 12:50 PM | Modified : 28 June, 2025 06:36 AM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

અત્યારે પાઇનૅપલની સીઝન પણ છે ત્યારે જાણી લો કે શું કામ કમ્પલ્સરી આ ફળ તમારી ડાયટનો હિસ્સો હોવું જ જોઈએ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પાચન સુધારવાથી લઈને ત્વચાના રંગ નિખારવા સુધી, સાંધાના દુખાવામાં રાહત આપવાથી લઈને વજન ઘટાડવા સુધીના પારાવાર લાભ આ ખાટામીઠા ફળમાંથી મળે છે. આજે ઇન્ટરનૅશનલ પાઇનૅપલ ડે છે અને અત્યારે પાઇનૅપલની સીઝન પણ છે ત્યારે જાણી લો કે શું કામ કમ્પલ્સરી આ ફળ તમારી ડાયટનો હિસ્સો હોવું જ જોઈએ


‘ગુડ મૉર્નિંગ પાઇનૅપલ, લુકિંગ વેરી ગુડ, વેરી નાઇસ.’ આજકાલ યંગસ્ટર્સમાં પૉપ્યુલર આ જિંગલને યાદ કરીને પણ દરરોજ જો પાઇનૅપલ ખાઓ તો એ તમારા હિતમાં છે. જેનઝીના ચૅટબૉક્સમાં પાઇનૅપલને કોઈક યુવાનીના પ્રતીક તરીકે તો કોઈક ઓપન રિલેશનશિપના સિમ્બૉલ તરીકે ગણે છે. ક્યાંક વળી પાઇનૅપલનો કયો ભાગ ઉપર મૂક્યો છે એનાથી એનો અર્થ બદલાઈ જતો હોય છે. સેંકડો વર્ષ સુધી પાઇનૅપલ મહેમાનગતિ અને સમૃદ્ધિનું પ્રતીક રહ્યું છે. જોકે એ બધી પંચાતમાં પડ્યા વિના આજે ઇન્ટરનૅશનલ પાઇનૅપલ ડે નિમિત્તે આ રસદાર ફળ કેટલું ગુણવાન છે અને એને ખાવાની સાચી રીત શું હોઈ શકે એના પર ચર્ચા કરીએ.



ઇતિહાસ પર એક નજર


પાઇનૅપલ  કોમોસસ નામનું બૉટનિકલ નામ ધરાવતું પાઇનૅપલ મૂળ સાઉથ અમેરિકાનું ફળ મનાય છે. પ્રાગ, બ્રાઝિલમાં સૌથી પહેલાં પાઇનૅપલ ની ખેતી થતી. અમેરિકાની શોધ કરનારા કોલંબસની ૧૪૯૩માં પાઇનૅપલ પર નજર પડી. તેણે યુરોપમાં આ ફળની એન્ટ્રી કરાવી. યુરોપિયન દેશોમાં પાઇનૅપલ  એ લક્ઝરીનું પ્રતીક ગણાતું. પાઇન જેવો દેખાવ અને ઍપલ જેવો સ્વાદ હોવાને કારણે પાઇનૅપલ નું બીજું નામ પાઇનૅપલ પડી ગયું. આજે તો આ ફળ હવાઈ, ફિલિપીન્સ, થાઇલૅન્ડ ઉપરાંત ભારતમાં પણ મબલક પ્રમાણમાં ઉગાડવામાં આવે છે. સોળમી સદીમાં પાઇનૅપલ ની પોર્ટુગીઝ વેપારીઓ દ્વારા ભારતમાં એન્ટ્રી થઈ. સાઉથ અમેરિકાથી વાયા આફ્રિકા થઈને ભારતમાં આવેલું આ ફળ અહીંના વાતાવરણમાં એવું ભળી ગયું કે આજે ભારત પાઇનૅપલનું સર્વાધિક પ્રોડક્શન કરતા દેશોમાં પાંચમા નંબરે આવે છે. આપણે ત્યાં મેઘાલય, ત્રિપુરા, આસામ, કર્ણાટક, કેરલા, મહારાષ્ટ્રના વિવિધ પ્રદેશો અને ગોવામાં પાઇનૅપલની ખેતી થાય છે. મેઘાલયમાં તો એનું પ્રોડક્શન એટલું મોટા પાયે છે કે ત્યાં એને ‘સ્ટેટ ફ્રૂટ’નો દરજ્જો મળ્યો છે અને દર વર્ષે મેઘાલયમાં પાઇનૅપલ ફેસ્ટિવલ પણ મનાવાય છે.

સ્વાદ ભી સેહત ભી


ટેસ્ટ અને થેરપ્યુટિક વૅલ્યુની દૃષ્ટિએ પાઇનૅપલ સૌથી વધુ લાભકારી ફળ છે એમ કહી શકાય. ન્યુટ્રિશનિસ્ટ પૂજા આશર કહે છે, ‘વિટામિન C, મૅન્ગેનીઝ, ફાઇબર, બ્રોમેલિન, ઍન્ટિ- ઑક્સિડન્ટ્સથી ભરપૂર ગણાતું આ ફળ આપણા ઓવરઑલ સ્વાસ્થયને સુધારનારું છે. વિટામિન C આપણે જાણીએ જ છીએ કે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે, સ્કિન અને હેર માટે આ વિટામિન મદદ કરે. એવી જ રીતે પાઇનૅપલ માં રહેલું મૅન્ગેનીઝ એક જાતનું મિનરલ છે જે હાડકાંની હેલ્થ સુધારવામાં, કોઈ જખમ થયો હોય તો એના હીલિંગમાં મદદ કરનારું છે. બ્રોમેલિન નામનું એન્ઝાઇમ પાઇનૅપલ માં પ્રચૂર પ્રમાણમાં છે જે ઍન્ટિ-ઇન્ફ્લૅમેટરી એટલે કે શરીરમાં સોજા દૂર કરવાનું કામ કરે છે. સાંધાની તકલીફમાં, સંધિવાતને કારણે થતા દુખાવામાં એટલે જ પાઇનૅપલનું સેવન રાહત આપી શકે છે. પાચન સુધારવામાં પણ બ્રોમેલિન અદ્ભુત પરિણામ આપે છે જેનાથી બ્લોટિંગ, ઍસિડિટી જેવી પાચનની સમસ્યામાંથી રાહત મળે છે. બ્રોમેલિન પ્રોટીનને બ્રેકડાઉન કરવાની ક્ષમતા ધરાવે છે એટલે જ્યારે પણ હાઈ પ્રોટીન ધરાવતો આહાર લીધો હોય એના પછી જો પાઇનૅપલ નું સેવન થાય તો પાચન વધુ સરળતા સાથે થશે. એ સિવાય પાઇનૅપલ માં રહેલાં ઍન્ટિ-ઑક્સિડન્ટ તત્ત્વો શરીર માટે એક પ્રોટેક્ટિવ લેયર તૈયાર કરે. શરીરને નુકસાન કરનારાં વિવિધ તત્ત્વોથી (ફ્રી રૅડિકલ્સ) પ્રોટેક્ટ કરતા હોય છે. એ જ રીતે વેઇટલૉસ અને બૉડી ડીટૉક્સમાં પણ પાઇનૅપલ  મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પાઇનૅપલ  પેઇન રિલીવિંગ તત્ત્વો પણ ધરાવે છે. સાઇનસ હોય, ઇન્જરી થઈ હોય ત્યારે પણ પાઇનૅપલ  ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે.’

ક્યારે અને કેવી રીતે ખવાય?

પાઇનૅપલને બને એટલું ફ્રેશ અને કટ કર્યા પછી તરત જ ખાઈ લેવું વધુ હિતાવહ મનાય છે. ન્યુટ્રિશનિસ્ટ પૂજા કહે છે, ‘પાઇનૅપલમાં રહેલું બ્રોમેલિન અને વિટામિન C કટ થયા પછી વાતાવરણના સંપર્કમાં આવતાં ઓછું થવા માંડે છે એટલે કટ કર્યા પછી તરત જ ખાવું વધુ બહેતર છે.  જોકે પાઇનૅપલ  ખાધા પછી ઘણા લોકોને દાંત અંબાઈ ગયાનો અનુભવ થતો હોય છે, કારણ કે આ ઍસિડિક ફ્રૂટ છે પણ મોઢામાં રહેલી લાળમાં મિક્સ થતાં આલ્કલાઇન બની જાય છે. આ સ્થિતિમાં પાઇનૅપલને કટ કરીને તાત્કાલિક ખાવાને બદલે પંદરેક મિનિટ સૉલ્ટ વૉટરમાં ટુકડા રાખી મૂકવાના જેથી એમાંનું ઍસિડ ઓછું થઈ જાય. બીજું, પાઇનૅપલને ખાલી પેટ ન ખાવું જોઈએ. સવારે દસ વાગ્યા પછી ચાર વાગ્યા સુધી પાઇનૅપલ ખાવાનો યોગ્ય સમય છે. જમતાં પહેલાં તરત જ કે જમીને તરત જ પાઇનૅપલ ખાવાનું અવૉઇડ કરવું જોઈએ તેમ જ પાઇનૅપલને ગરમ કર્યા વિના ખાવું, કેનમાં રહેલું અથવા પ્રિઝર્વેટિવવાળું પાઇનૅપલ ન ખાવું. બેથી ત્રણ સ્લાઇસ જ એકસાથે ખાઈ શકાય. દિવસમાં એથી વધુ પાઇનૅપલ અવૉઇડ કરવું. બીજું, પાઇનૅપલ ખાઈ લીધા પછી તરત જ ચોખ્ખા પાણીથી ગાર્ગલ કરવું, જે તમારી દાંતની હેલ્થને બરકરાર રાખવા માટે જરૂરી છે.’

આયુર્વેદ અને પાઇનૅપલ 

પાઇનૅપલ ને આયુર્વેદના નિજ રોગ નામના પુસ્તકમાં ‘બહુનેત્ર’ ફળ તરીકે ઉલ્લેખવામાં આવ્યું છે. આ ભારતીય ફળ ન હોવા છતાં એના દ્રવ્ય ગુણ એટલે કે એની વિશેષતાનું વર્ણન મળે છે. અહીં અનુભવી આયુર્વેદાચાર્ય ડૉ. મહેશ સંઘવી કહે છે, ‘આયુર્વેદની દૃષ્ટિએ પાઇનૅપલ  મીઠો અને ખાટો રસ ધરાવતું અને પચવામાં થોડુંક ભારે કહેવાય એવું ફળ છે અને ઍસિડિક હોવા છતાં કૂલિંગ ઇફેક્ટ આપનારું છે, કારણ કે પચ્યા પછી એનો મધુર સ્વાદ ગણાય છે. એટલે ગરમીને કારણે શરીરમાં થતી તકલીફોમાં પાઇનૅપલ લાભકારી છે. જેમને પણ અશક્તિ જેવું લાગે તેમને પાઇનૅપલનો જૂસ અપાય તો એ તરત રાહત આપશે. વાત અને પિત્તને શમન કરનારું ફળ છે. સોજા ઓછા કરે, હૃદયના ધબકારાને રેગ્યુલેટ કરે, પેટના કૃમિની સમસ્યામાંથી રાહત આપે, પિળિયામાં ઉપયોગી, બહેનોને માસિક ધર્મ દરમ્યાન અતિશય પીડા થતી હોય તો એમાં રાહત આપે. પાઇનૅપલને સિંધાલૂણ અથવા મિસરી સાથે ખાવાથી એ દાંતને નુકસાન નહીં કરે. પિત્ત અને વાયુનો સમય હોય ત્યારે પાઇનૅપલ ખાવું જોઈએ. એટલે સવારે દસથી સાંજે ચાર વાગ્યા સુધીનો સમય કહી શકાય.’

તમને ખબર છે?
ફેંગશુઈ અને વાસ્તુશાસ્ત્રમાં ધન, ધાન્ય અને સમૃદ્ધિને આકર્ષવામાં પાઇનૅપલનો સિમ્બૉલ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. હવાઇઅન દેશોમાં પાઇનૅપલને એટલું પવિત્ર માનવામાં આવે છે કે એને ખાસ ભગવાનને ચડાવવામાં આવે છે. કૅરિબિયન દેશોમાં પાઇનૅપલ નવી શરૂઆતનું સિમ્બૉલ માનવામાં આવે છે. ૧૬મી સદીમાં પાઇનૅપલ એટલાં રૅર હતાં અને એટલાં મોંઘાં હતાં કે એને વિવિધ પાર્ટીઓમાં ટેબલ પર શોપીસ તરીકે રાખવા માટે ભાડે આપવામાં આવતાં. 

ચ મુખ્ય લાભ

પાચનની સમસ્યાઓ દૂર કરીને પાચન શક્તિ વધારે અને વજન ઘટાડવામાં ઉપયોગી છે.

રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે.

સાંધામાં અથવા શરીરના કોઈ પણ હિસ્સામાં રહેલા સોજાને દૂર કરવા માટે ઉપયોગી છે.

આંખ, ચહેરા
અને વાળની હેલ્થ સુધારવામાં ઉપયોગી છે.

રક્તપરિભ્રમણની ક્રિયાને વધુ બહેતર કરવામાં મદદ કરે.

 

Whatsapp-channel Whatsapp-channel

28 June, 2025 06:36 AM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK