મીરા-ભાઈંદરમાં આવેલા આગરા ચાટ સેન્ટરમાં પનીર સ્ટફ્ડ સમોસા અને ઘીમાં તળેલી ચાટ આઇટમ્સ મળે છે.
આગરા ચાટ સેન્ટર
જેમ સુરતનું જમણ ફેમસ છે એમ ઉત્તર ભારતની ચાટ આઇટમ ખૂબ ફેમસ હોય છે. ખાસ કરીને આગરાની. જેણે ત્યાંની ચાટ આઇટમ અથવા તો સમોસા ખાધાં હશે તેને મુંબઈમાં એવાં નહીં મળ્યાં હોય. મુંબઈમાં ખૂબ ઓછી જગ્યા હશે જ્યાં અદ્દલ ઉત્તર ભારતના ટેસ્ટ સાથેનાં સમોસા અને ચાટ આઇટમ્સ મળતાં હશે, પરંતુ મીરા રોડ ખાતે એક ઢાબા-કમ-સ્ટૉલ એવો આવેલો છે જ્યાં માત્ર આઇટમ્સ જ ઉત્તર ભારતની નથી મળતી, સાથે એની અંદર વપરાતી સામગ્રી પણ આગરાથી મગાવવામાં આવે છે. તો ચાલો જાણીએ આ સ્ટૉલ વિશે થોડી અધિક માહિતી.
આગરા ચાટ સેન્ટર લગભગ ૧૦ વર્ષ પહેલાં શરૂ કરવામાં આવ્યો હતો. આ ચાટ સેન્ટરની ખાસિયત એ છે કે અહીં જે ચાટ આઇટમ મળે છે એની તમામ મસાલા સહિતની સામગ્રી આગરાથી આવે છે તેમ જ અહીં એને બનાવનાર રસોઇયા પણ આગરાના જ છે. અને બીજું એ કે અહીં દરેક નાસ્તા ઘીમાં તળવામાં આવે છે. અહીંના સમોસા ખૂબ જ ફેમસ છે. એક તો એનો મસાલો અને એની અંદર નાખવામાં આવતા પનીરના ટુકડા, જે એક યુનિક આઇટમ બનાવી દે છે. અહીંના કસ્ટમરોનું કહેવું છે કે અહીં જ્યારે સમોસા ખાઓ તો મોઢામાં ચાર-પાંચ પનીરના ટુકડા આવે જ છે. આ સિવાય અહીં અલગ-અલગ ચાટ આઇટમ્સ જેવી કે પાણીપૂરી, સેવપૂરી, રગડા-પૅટીસ, સમોસા ચાટ, દહીંપૂરી વગેરે પણ મળે છે. આ ઉપરાંત સરખી પેટપૂજા કરવા માટે પણ અહીં અનેક વિકલ્પો છે જેમ કે છોલે-ભટૂરે, વિવિધ જાતનાં પરાઠાં વગેરે પણ હોય છે જે બપોરે ૧ વાગ્યા પછી મળે છે. બાકી દરેક ચાટ આઇટમ સવારે ૯ વાગ્યાથી લઈને મોડી રાત સુધી મળે છે. નાસ્તા હોય ત્યાં સ્વીટ કેમ કરીને ભુલાય એટલે અહીં જલેબી, ઘૂઘરા જેવી સ્વીટ આઇટમ્સ પણ મળે છે.
ક્યાં છે? : આગરા ચાટ સેન્ટર, સેક્ટર-નંબર 5, શાંતિ પાર્ક, મીરા રોડ (ઈસ્ટ)

