Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > જેને સ્વ પ્રત્યે કરુણા નથી ઉદ્ભવતી તે અન્ય પ્રત્યે ક્યારેય કરુણા ન દાખવી શકે

જેને સ્વ પ્રત્યે કરુણા નથી ઉદ્ભવતી તે અન્ય પ્રત્યે ક્યારેય કરુણા ન દાખવી શકે

Published : 29 June, 2025 02:46 PM | IST | Mumbai
Dr. Nimit Oza | feedbackgmd@mid-day.com

વેરવિખેર થયેલી જાતને બન્ને હાથે સમેટીને જો ફરી બેઠી કરવી હોય તો એનો એકમાત્ર રસ્તો છે સ્વ-કરુણા

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)


આપણી અંદર રહેલા બાળકને નિરાંત અને રાહત આપી શકવી એ જગતની સૌથી મોટી ઉપલબ્ધિ છે. કોઈ પણ આધ્યાત્મિક મથામણ કે માનસિક શાંતિના અભિયાન માટે પાયાની જરૂરિયાત ‘સ્વ-કરુણા’ છે. અકળાયેલી, નિરાશ થયેલી કે દુ:ખી થયેલી જાતને પ્રેમ અને નિસબતથી સાંત્વન આપી શકીએ તો આપણી અંદર રડી રહેલા બાળકને છાનું રાખી શકીએ. ભાવનાત્મક અકસ્માતોમાં ઈજાગ્રસ્ત થયેલા અંતઃકરણની સમયસર અને યોગ્ય સારવાર બહુ જરૂરી હોય છે. જગત આખાને આપેલી સલાહ, સાંત્વન કે સહાનુભૂતિ જો આપણી પોતાની જ જાતને કામ ન લાગવાની હોય તો એ નિરર્થક છે. હૃદય પર હાથ મૂકીને ક્યારેક જાતને એવું કહેવું જરૂરી હોય છે કે ‘હું છુંને તારી સાથે, તું બિલકુલ ચિંતા ન કર.’


વેરવિખેર થયેલી જાતને બન્ને હાથે સમેટીને જો ફરી બેઠી કરવી હોય તો એનો એકમાત્ર રસ્તો સ્વ-કરુણા છે. કોઈ કારણસર દુઃખી થયેલા આપણા સૌથી નજીકના મિત્રને ચિયર-અપ કરવા માટે આપણે જે ભાષામાં તેની સાથે વાત કરતા હોઈએ એ જ ભાષામાં ક્યારેક પોતાની જાત સાથે વાત કરવી જરૂરી હોય છે. એ વાત સાચી કે ગળે મળવા માટે બે જણની જરૂર પડે છે, પણ ક્યારેક એકલા હોઈએ ત્યારે પોતાની જાતને પણ ગળે મળી શકાય એ તમને ખબર છે? સ્વને ગળે મળવાની એ પદ્ધતિને ‘બટરફ્લાય હગ’ કહેવાય છે. બન્ને હાથે જાતને કરેલો એ સ્પર્શ ગજબની નિરાંત આપે છે, અંતઃકરણને ટાઢક આપે છે. તો કોઈના પર ડિપેન્ડન્ટ રહ્યા વગર કઈ રીતે કરવાનું આ ‘બટરફ્લાય હગ’?



સૌથી પહેલાં એક ઊંડો શ્વાસ લો. આંખો બંધ કરો. જમણો હાથ ડાબા ખભા પર અને ડાબો હાથ જમણા ખભા પર મૂકો. આમ છાતી પર બન્ને હાથ એકબીજાને ક્રૉસ કરશે. પછી કોઈ મિત્રને શાબાશી આપતા હો એ રીતે બન્ને હથેળીઓ વડે વારાફરતી પોતાના જ ખભા પર હળવેથી થાપ આપો. ફરી એક ઊંડો શ્વાસ લઈને સ્વગત બોલો, ‘ઇટ્સ ઓકે. બધું ઠીક થઈ જશે.’ જ્યાં સુધી રાહત અને નિરાંતનો અનુભવ ન થાય ત્યાં સુધી આ Crossed-arm પોઝિશનમાં રહો. થોડા જ સમયમાં તમને એક ગજબની હળવાશનો અનુભવ થશે. એને બટરફ્લાય હગ એટલા માટે કહેવાય છે કારણ કે પતંગિયું જેમ પાંખો હલાવે એ રીતે આપણી બન્ને હથેળીઓ હલાવીને આપણા ઑપોઝિટ શોલ્ડર્સને થપથપાવવાના છે.


૧૯૯૮માં મેક્સિકોમાં આવેલા એક ભયાનક વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલા પીડિતો અને નિરાશ્રિતોને રાહત આપવા માટે લ્યુસીના આર્ટીગાસ દ્વારા આ બટરફ્લાય હગની શરૂઆત કરવામાં આવેલી. કુદરતી આફતોને કારણે ઊજડી ગયેલાં ગામો અને ભાંગી પડેલા લોકોને હિંમત આપવા માટે તેમણે આ પદ્ધતિની શોધ કરેલી. એ શહેરમાંથી હોય કે મનમાંથી, વાવાઝોડું પસાર થયા પછીનું રાહતકામ જ આપણને સામાન્યતા કે નૉર્મલસી સુધી લઈ જવામાં મદદ કરે છે. જીવનમાંથી બુલેટ ટ્રેનની માફક પસાર થઈ ગયેલી કોઈ પરિસ્થિતિ કે વ્યક્તિના ચાલ્યા ગયા પછી ક્યાંય સુધી કંપન અનુભવતા લાકડાંના પુલ જેવા મનને પુનઃ સ્થાયી કરવું એ સૌથી મોટો પડકાર છે અને એ માટે બટરફ્લાય હગ ઉપયોગી છે.

જાતને ગળે મળવાની આ પદ્ધતિનો મુખ્ય હેતુ એ યાદ કરાવવાનો છે કે ‘It’s Okay Not to Be Okay.’ જીવનના સંઘર્ષો સામે અવિરત ચાલતી લડાઈમાં ઘવાયેલી કે હારી ગયેલી જાતને પ્રોત્સાહિત કરવા માટે થોડો સમય ફાળવવો જરૂરી હોય છે. ફક્ત દુ:ખ વખતે જ નહીં; ચિંતા, અસલામતી કે ઉદ્વેગના સમયમાં પણ બટરફ્લાય હગ ઉપયોગી થાય છે. કોઈ વિચાર કે ચિંતાને કારણે હૃદયના ધબકારા વધી જાય, પરસેવો થવા લાગે, ઊલટી જેવું થાય, મન અસ્વસ્થ અને અશાંત થઈ જાય એવી દરેક પરિસ્થિતિમાં આ પદ્ધતિ એક હાથવગી અને નિશ્ચિત રાહત આપે છે.


તો પ્રેમથી મનાવી લો તમારી અંદર રિસાઈ ગયેલા બાળકને! ઠોકર વાગીને પડ્યા પછી ધૂળ ખંખેરીને ઊભા થઈ જવું, બસ એટલું જ કામ ક્યારેક સૌથી બહાદુરીભર્યું હોય છે. જો જાત પ્રત્યે થોડી સહાનુભૂતિ રાખીએ તો આપણા શ્રેષ્ઠ કાઉન્સેલર આપણે પોતે જ હોઈએ છીએ. તરછોડાઈ જવાનો કે એકલા પડી જવાનો ડર, આત્મવિશ્વાસનો અભાવ અને નિષ્ફળ જવાની ચિંતા દરેકને સતાવતી હોય છે. એવા સમયે સ્વ પ્રત્યે દાખવેલી થોડીઘણી ઉદારતા બહુ ઉપયોગી થાય છે.

હકીકત એ છે કે આપણે દરેક ઘવાયેલા છીએ. એ સૂક્ષ્મ હોય કે સ્થૂળ, ભાવનાત્મક હુમલાઓના ઉઝરડાથી આપણા દરેકનું અંતઃકરણ અવારનવાર ઈજાગ્રસ્ત થતું રહે છે. એ દરેક ઈજા પર મલમપટ્ટી કરવાની જવાબદારી આપણી પોતાની જ છે. જાત માટેની નફરત, ગુસ્સો કે કડવાશ પર જે વિજય મેળવી શકે છે તે જ સાચો સુપરસ્ટાર બની શકે છે. જેને સ્વ પ્રત્યે કરુણા નથી ઉદ્ભવતી તે અન્ય પ્રત્યે ક્યારેય કરુણા ન દાખવી શકે. તમે વર્ષોથી જાતને ધિક્કારતા આવ્યા છો અને એનાથી કશો જ ફાયદો નથી થયો તો એક વાર એને પ્રેમ કરી જુઓ! એનો વાંસો થાબડીને એને શાબાશી આપી જુઓ કે ‘તું બહુ જ બહાદુર છે’ અને જુઓ કે કદાચ અંદર રહેલું કશુંક બદલાય. વહાલ અને નિસબતથી ગળે મળ્યા પછી એવું પણ બને કે અંદર રહેલું કોઈ તમને થૅન્ક યુ કહેતું હોય.

Whatsapp-channel Whatsapp-channel

29 June, 2025 02:46 PM IST | Mumbai | Dr. Nimit Oza

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK