વર્ષના ૩૬૫ દિવસ કામ તો રહેવાનું જ છે. સવારે ઊઠતાંવેંત જ કામની ચિંતા કરવાથી કે કામે જવા માટે ભાગદોડ કરવાથી કામ ખતમ થઈ જવાનું નથી એટલે આપણે આપણા દિવસની શરૂઆત શાંતિથી કરીએ એ ખૂબ જરૂરી છે
પ્રતીકાત્મક તસવીર
શું તમે સવારે ઊઠતાંવેંત હાથમાં મોબાઇલ પકડીને કામના મેસેજ, ઈ-મેઇલ ચેક કરવામાં લાગી જાઓ છો? પાંચ-દસ મિનિટ મોબાઇલમાં રહ્યા બાદ કામે સમયસર પહોંચવાના ચક્કરમાં ઝડપથી દિનચર્યા પતાવી રેડી થઈને ફટાફટ નાસ્તો કરી ઑફિસ જવા માટે નીકળી જાઓ છો? જો તમારી દિનચર્યા આવી હોય તો તમારે એ વહેલી તકે બદલવાની જરૂર છે. એની જગ્યાએ તમારે તમારા દિવસની શરૂઆત સ્લો મૉર્નિંગથી કરવી જોઈએ.
સ્લો મૉર્નિંગ એટલે શું?
ADVERTISEMENT
દિવસની શરૂઆત શાંતિથી અને સચેત રહીને તેમ જ એન્જૉય કરતાં-કરતાં કરવી. સવારે થોડા જલદી ઊઠીને અમુક ઍક્ટિવિટી માટે સમય કાઢવો જે તમારી બૉડી અને માઇન્ડ બન્નેને રિલૅક્સ ફીલ કરાવે, એને સ્વસ્થ રાખવાનું કામ કરે. અનેક રિસર્ચમાં એવું તારણ નીકળ્યું છે કે જે લોકોના દિવસની શરૂઆત સ્લો મૉર્નિંગથી નથી થતી, જેમને સવાર-સવારમાં સ્ટ્રેસ રહ્યા કરતું હોય એ લોકોને લાંબા ગાળે ઍન્ગ્ઝાયટી, હાઈ બ્લડપ્રેશર, વજનવધારો, ડાયાબિટીઝ, નબળી ઇમ્યુનિટી વગેરેની સમસ્યા થાય છે.
ફાયદો શું?
સ્લો મૉર્નિંગ સ્વસ્થ અને તનાવમુક્ત જીવન જીવવાનો એક સારો વિકલ્પ છે. એ તમને દિવસની શરૂઆત આરામથી કરવા માટે અને પોતાના માટે સમય કાઢવાની તક આપે છે. કામના પ્રેશર વગર આરામથી દિવસની શરૂઆત કરશો તો સ્ટ્રેસ અને ઍન્ગ્ઝાયટીનો અનુભવ નહીં થાય. સવારે ઊઠીને પોતાની જાતની માવજત કરવા માટે સમય ફાળવશો તો કામમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં અને કામ કરવાની ક્ષમતા બન્નેમાં વધારો થશે. સ્લો મૉર્નિંગ હેલ્ધી હૅબિટ્સને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે, જે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે લાભદાયક છે.
કઈ રીતે શરૂઆત કરવી?
સ્લો મૉર્નિંગની શરૂઆત કરવા માટે સૌથી પહેલાં તો તમારે તમારી જાતને વધુ સમય ફાળવવો પડે. એ માટે રોજ કરતાં ઓછામાં ઓછા બે કલાક વહેલા ઊઠવું પડે. તમારી પાસે પૂરતો સમય હશે તો ભાગદોડ કરવાને બદલે તમે સમય લઈને બધી વસ્તુઓ કરી શકશો. રોજનું એક રૂટીન ફિક્સ કરી દો જેથી ઊઠીને તમારે શું કરવું છે અને કેટલા ટાઇમમાં કરવું છે એ તમને અગાઉથી જ ખબર હોય.
તમે સવારે યોગ, ધ્યાન, બ્રીધિંગ એક્સરસાઇઝ કરી શકો. એનાથી તમને એનર્જી મળશે, ફોકસ સુધરશે અને સ્ટ્રેસ ઓછું થશે. સવારે મનગમતું મ્યુઝિક સાંભળો, ચાની ચૂસકી લેતાં-લેતાં ન્યુઝપેપર વાંચો, એનાથી તમારો મૂડ સારો થશે. વૉક માટે કે સાઇક્લિંગ માટે બહાર જાઓ. સૂર્યનો પ્રકાશ શરીરની આંતરિક ઘડિયાળને એટલે કે આપણા સૂવા-જાગવાના ચક્રને સંતુલિત કરવામાં અને ઊંઘની ગુણવત્તા સુધારવામાં મદદ કરશે. પોતાનો હેલ્ધી બ્રેકફાસ્ટ આરામથી સમય લઈને ખાઓ. આ બધી નાની-નાની પણ મહત્ત્વની વસ્તુઓ છે.

