Health Funda: આજકાલના બાળકોમાં વધતી સ્થૂળતા અને મેદસ્વિતા ખરેખર ચિંતાનો વિષય છે ત્યારે પેરેન્ટ્સે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે સમજાવે છે ડૉ. રિશિતા બોચિયા જોષી
તસવીર ડિઝાઇનઃ કિશોર સોસા
સુંદર અને ટકાઉ ઘર બનાવવા મજબૂત પાયો, સારી અને યોગ્ય સામગ્રી તેમજ કુશળ કામદારોની જરૂર પડે છે તેમ આપણા શરીરનું સર્વાંગી સ્વાસ્થ્ય જળવાય તે માટે ખોરાક, કસરત અને મનની સ્વસ્થતા જરૂરી છે. ખોરાક આપણા શરીરને ઊર્જા આપે છે. નિયમિત કસરત શરીરને મજબૂત બનાવે છે, સાથે સાથે મનને તેજ અને તણાવમુક્ત રાખે છે. આમ સર્વાંગી સ્વાસ્થ્ય માટે તન અને મન બન્ને સ્વસ્થ હોવા ખૂબ જરુરી છે. સોશ્યલ મીડિયા જ્યારે આંગળીના ટેરવે છે ત્યારે સરળતાથી માહિતી મળી જાય કે, સર્વાંગી સ્વાસ્થ્ય માટે શું ખાવું જોઈએ? ડાયટિંગમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું? કઈ કસરત કરવી જોઈએ? માનસિક શાંતિ માટે શું જરુરી છે? વગેરે વગેરે બધી જ માહિતી મળી જાય છે. પરંતુ વ્યક્તિ દીઠ દરેક બાબત જુદી-જુદી હોય છે. પણ સર્વાંગી સ્વાસ્થ્યને લગતી કેટલીક બાબતો બહુ કૉમન હોય છે. તમને મૂંઝવણ થતી હોય કે સુખાકારી અને સર્વાંગી સ્વાસ્થ્ય માટે શું કરવું તો ગુજરાતી મિડ-ડે ડોટ કોમ તમારી માટે લઈને આવ્યું છે – ‘હેલ્થ ફંડા’ (Health Funda). જેમાં દર શનિવારે ‘હેલ્થ એન ફૂડવિલા’ (Health n Foodvilla)નાં ડાયટિશન અને ફૂડ ન્યુટ્રિશનિસ્ટ, હોલિસ્ટિક ફંક્શનલ હેલ્થ કૉચ ડૉ. રિશિતા બોચિયા જોષી (Dr. Rishita Bochia Joshi) ખોરાક, શારિરીક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્યને લગતા વિષયો પર આપણી સાથે વાત કરશે.
આજના ‘હેલ્થ ફંડા’ના એપિસોડમાં ડૉ. રિશિતા બોચિયા જોષી આજકાલના બાળકોમાં વધતી સ્થૂળતા અને મેદસ્વિતા પાછળ કયા કારણો છે અને તેનો ઉપાય શું?
ADVERTISEMENT
ભૂતકાળમાં, કુપોષણ ભારતમાં જાહેર આરોગ્યનો સૌથી મોટો મુદ્દો હતો. જોકે, આજે શહેરી વિસ્તારોમાં બાળકોની સ્થૂળતા વધતી જતી ચિંતા બની રહી છે. જ્યારે કેટલાક અવિકસિત ગ્રામીણ વિસ્તારોમાં હજી પણ બાળકોને કુપોષણનો સામનો કરવો પડે છે. દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ મુદ્દા અંગે ચિંતા વ્યક્ત કરી છે. ઇન્ડિયન જર્નલ ઓફ કોમ્યુનિટી મેડિસિન અનુસાર, અર્બન ભારતમાં શાળાએ જતા લગભગ ૧૪ ટકા બાળકો વધુ વજનવાળા અથવા મેદસ્વી છે, અને છેલ્લા દસ વર્ષમાં આ સંખ્યા બમણી થઈ ગઈ છે. બાળક વધુ વજનવાળું છે કે મેદસ્વી છે તે સમજવા માટે, બોડી માસ ઇન્ડેક્સ નામના માપ (BMI) નો ઉપયોગ કરીએ છીએ. જે બાળકના વજન અને ઊંચાઈની તુલના કરે છે. આનું યોગ્ય રીતે મૂલ્યાંકન કરવું ખુબ જરુરી છે, જે બાળકના વિકાસ માટે મહત્વનું છે.
આજકાલના બાળકોમાં મેદસ્વિતા વધવા પાછળ કયા પરિબળો જવાબદાર છે?
ડૉ. રિશિતા બોચિયા જોષી જણાવે છે કે, આપણે સહુ જાણીએ છીએ કે આપણા બાળકો પાસે પહેલાના સમયની જેમ બહાર રમવાનો સમય નથી હોતો. આપણે તેમને ભણતર સિવાયના અનેક જુદા-જુદા ક્લાસિસમાં પણ મૂકીએ છીએ, પણ તે બધા ઘરની અંદર હોય છે. સ્ક્રીન સમય ઉપરાંત, વિડિઓ ગેમ્સ તેમને કલાકો સુધી વ્યસ્ત રાખે છે અને કોઈપણ શારીરિક પ્રવૃત્તિઓ વિના તેમના મગજ પર અસર કરે છે.
બીજું પરિબળ છે - સ્ક્રીન ટાઇમની સાથે, ટીવી પર જંક ફૂડની જાહેરાતો અને બાળકો હસતા-રમતા સાથેના બિલબોર્ડ બધે જ નજરે પડે છે. સુગરી ફૂડ્સ, તળેલા નાસ્તા અને સોફ્ટ ડ્રિંક્સની જાહેરાતો બાળકોના મગજ પર બહુ પ્રભાવ પાડે છે.
ત્રીજું પરિબળ છે – પેરેન્ટ મોડેલિંગ. બાળકો મોટેભાગે ઘરે જે જુએ છે તેની નકલ કરે છે. ઘરમાં જ ફાસ્ટ ફૂડ બનતું હોય, માતાપિતા શારીરિક પ્રવૃત્તિ કે એક્સરસાંઝ ન કરતા હોય અથવા ભોજન દરમિયાન ગેજેટ્સનો ઉપયોગ કરતા હોય તો બાળકો પણ તે જોઈને તેવું જ શીખે છે.
ચોથું પરિબળ છે – જંક ફૂડ્સ સરળતાથી મળી જાય છે. સુપરમાર્કેટ અને દુકાનોમાં, જંક ફૂડ ઘણીવાર તેજસ્વી, રંગબેરંગી પેકેજિંગ સાથે ડિસ્પ્લે પર હોય છે જે બાળકોનું ધ્યાન ખેંચે છે, જેના કારણે તેઓ પહેલા આ વસ્તુઓ પસંદ કરે છે.
આજના સમયમાં પણ ભારતીય ઘરોમાં, "ગોળમટોળ" બાળકોને હજુ પણ "સ્વસ્થ" તરીકે જોવામાં આવે છે. આજે પણ, ઘણીવાર ચોકલેટ અને બિસ્કિટ બાળકને પુરસ્કાર તરીકે આપવામાં આવે છે.

પણ શું બાળપણમાં સ્થૂળતા અહીં જ અટકે છે?
તેનો જવાબ છે ના, બાળપણમાં જે સ્થૂળતા આવે છે તેની લાંબા ગાળાની અસરો હોય છે.
જે બાળકો અતિસક્રિય, આક્રમક અથવા બેચેન હોય છે અને તેમને પૂરતી શારીરિક પ્રવૃત્તિ કે યોગ્ય પોષણ મળતું નથી તેઓ આ સમસ્યાઓનો સામનો કરે છે. આ બાળકો ટાઇપ 2 ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, ફેટી લીવર રોગ અને પ્રારંભિક તરુણાવસ્થાનું જોખમ વધારે છે.
માનસિક રીતે, વધુ વજનવાળા બાળકો ઘણીવાર ગુંડાગીરી, આત્મસન્માનનો અભાવ અને સામાજિક એકલતાનો સામનો કરે છે. જેમ જેમ તેઓ મોટા થાય છે, તેમ તેમ તેમને હૃદય રોગ, મેટાબોલિક સમસ્યાઓ અને ડિપ્રેશન થવાની શક્યતા વધુ હોય છે, જેના કારણે પ્રારંભિક હસ્તક્ષેપ ખૂબ જ મહત્વપૂર્ણ બને છે.
એનો ઉપાય શું?
આપણી ભાવિ પેઢીઓના સ્વાસ્થ્યને આકાર આપવા માટે માતાપિતા અને શાળાઓ માટે ડૉ. રિશિતા બોચિયા જોષીએ અહીં કેટલીક ટિપ્સ આપી છે.
૧. ડિજિટલ શિસ્ત: સ્ક્રીન સમયને અઠવાડિયામાં ફક્ત ૨ કે ૩ દિવસ અથવા દિવસમાં ફક્ત થોડી મિનિટો સુધી મર્યાદિત કરો. ૪ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે, સ્ક્રીન સમય સંપૂર્ણપણે ટાળો.
૨. ફેમેલિ ફર્સ્ટ ન્યુટ્રિશ્યન: એક પરિવાર તરીકે, સ્વસ્થ ખાવાની ટેવ અપનાવો. પૌષ્ટિક ખોરાક પસંદ કરો, ઘરે રાંધેલા ભોજનને પ્રાધાન્ય આપો, તેમાં વિવિધ પ્રકારના ભોજનનો સમાવેશ કરો અને કોઈપણ ગેજેટ્સ વિના સાથે બધા સાથે બેસીને જમો તે સુનિશ્ચિત કરો.
૩. રોજ એક્ટિવિટિઝ કરોઃ તમારા બાળકોને સાયકલિંગ, રનિંગ, યોગ, જિમ્નેસ્ટિક્સ જેવી શારીરિક પ્રવૃત્તિઓ કરવા માટે પ્રોત્સાહન આપો. અથવા તો દરરોજ ઓછામાં ઓછો એક કલાક પાર્કમાં રમવા માટે પ્રોત્સાહિત કરો.
૪. સ્માર્ટ સ્નેકિંગ: નાસ્તાના સમય દરમિયાન પહેલા ફળો આપો, અને પછી બાળકો માટે સ્વસ્થ નાસ્તાની અનેક બ્રાન્ડ માર્કેટમાં છે તે આપવાનું પસંદ કરો.
૫. શાળાઓની ભૂમિકા: શાળાઓએ બાળકોને પોષણ અને આરોગ્યનું મહત્વ વિશે શીખવવા માટે પ્રવૃત્તિઓ અને વર્કશોપને પ્રોત્સાહન આપવું જોઈએ. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ શાળાઓને "ઈટ રાઈટ કેમ્પસ" પહેલ અપનાવવા વિનંતી કરી છે અને વડા પ્રધાને પણ શાળાઓમાં સ્વસ્થ ખોરાક પીરસવા માટે ઘણા વિચારો રજૂ કર્યા છે.
આપણે આપણા બાળકોને જેટલું વહેલું ધ્યાનપૂર્વક ખાવાનું અને સક્રિય રહેવાનું શીખવીશું, તેટલું જ ભારતનું ભવિષ્ય સ્વસ્થ બનશે.
(શબ્દાંકનઃ રચના જોષી)


