પાકના નુકસાન સામે બાવીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર, વ્યક્તિદીઠ બે હેક્ટરની મર્યાદામાં આપવામાં આવશે સહાય : કમોસમી વરસાદથી તારાજીનો ભોગ બનેલા ૨૫૧ તાલુકાનાં ૧૬,૫૦૦થી વધુ ગામોના ખેડૂતોને મળશે સહાય
ભૂપેન્દ્ર પટેલ
ગુજરાતમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદથી ખેતરોમાં ઊભા પાકનો નાશ થતાં ખેડૂતોની માઠી દશા બેઠી છે ત્યારે ખેડૂતોને મદદ કરવા માટે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગઈ કાલે ૧૦,૦૦૦ કરોડ રૂપિયાના રાહત-પૅકેજની જાહેરાત કરી હતી. એમાં ખેડૂતોને થયેલા પાકના નુકસાન સામે બાવીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર, હેક્ટરદીઠ બે હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે.
ભૂપેન્દ્ર પટેલે આ જાહેરાત કરતાં કહ્યું હતું કે ‘આ ઉપરાંત ૯ નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ૧૫,૦૦૦ કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી પણ રાજ્ય સરકાર કરશે. અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશાં પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે એવો વિશ્વાસ આપું છું.’
ADVERTISEMENT
કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ૨૫૧ તાલુકાઓનાં ૧૬,૫૦૦થી વધુ ગામોના ખેડૂતોને થયેલા પાકના નુકસાનનો સર્વે ૫૧૦૦ ટીમોએ હાથ ધર્યો હતો. જાહેર કરાયેલા રાહત-પૅકેજની ઉલ્લેખનીય બાબત એ છે કે ગુજરાતમાં અત્યાર સુધીમાં અપાયેલા રાહત સહાય-પૅકેજના ઇતિહાસમાં ભૂપેન્દ્ર પટેલે પિયત અને બિનપિયત પાકોને એકસમાન પાક-નુકસાન વળતર આપવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.


