મુંબઈ ઍરપોર્ટની આજુબાજુના ૧૦ કિલોમીટરના વિસ્તારમાં મીટ શૉપ બંધ કરવાનો બૉમ્બે હાઈ કોર્ટે આપ્યો આદેશ
ફાઇલ તસવીર
મુંબઈ ઍરપોર્ટની આસપાસના ૧૦ કિલોમીટરના વિસ્તારમાં આવેલી કાયદેસર અને ગેરકાયદે તમામ પ્રકારની મીટ શૉપ બંધ કરીને એમનાં લાઇસન્સ રદ કરવાનો આદેશ તાજેતરમાં જ બૉમ્બે હાઈ કોર્ટે આપ્યો છે. ચીફ જસ્ટિસ શ્રી ચંદ્રશેખર અને ગૌતમ અણખડની ખંડપીઠે સોમવારે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ને આ અંગે મૌખિક સૂચના આપી હતી.
ઍરક્રાફ્ટ ઍક્ટ ૧૯૩૪ અને ઍરક્રાફ્ટ રૂલ્સ ૧૯૩૭ અનુસાર તથા મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ઍરપોર્ટ ઝોન રેગ્યુલેશન અંતર્ગત ઍરપોર્ટના ૧૦ કિલોમીટરના વિસ્તારમાં મીટ શૉપ ન હોવી જોઈએ; જ્યારે મુંબઈ ઍરપોર્ટની આસપાસ મીટ શૉપ્સ, પૉલ્ટ્રી અને ફિશ શૉપને લાઇસન્સ આપવામાં આવ્યાં છે. મ્યુનિસિપલ કૉર્પોરેશનની પોતાની જ ફિશમાર્કેટ અને નૉન-વેજ માર્કેટ નજીકમાં આવેલી છે જેથી ગમે ત્યારે ઍરક્રાફ્ટ સાથે બર્ડ હીટને લીધે કોઈ ભયંકર દુર્ઘટના બની શકે છે. આ મુદ્દા પર જાહેર હિતની અરજીની સુનાવણીમાં હાઈ કોર્ટે મીટ શૉપ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.


