આૅફિસના વૉશરૂમનો ઉપયોગ જો યોગ્ય સાફસફાઈ કર્યા વગર કરવામાં આવે કે પછી કામના ચક્કરમાં લાંબા સમય સુધી પેશાબને રોકી રાખવામાં આવે તો યુરિનરી ટ્રૅક્ટ ઇન્ફેક્શન થવાનું જોખમ રહે છે
પ્રતીકાત્મક તસવીર
સામાન્ય રીતે મહિલાઓમાં યુરિનરી ટ્રૅક્ટ ઇન્ફેક્શન (UTI) થવાની ફરિયાદ વધુ રહેતી હોય છે. ઑફિસ જતી મહિલાઓમાં આનું એક કારણ તેઓ ત્યાં જે ટૉઇલેટ યુઝ કરે છે એ હોઈ શકે છે. ઑફિસમાં ટૉઇલેટ-સીટ્સનો ઉપયોગ અનેક મહિલાઓ કરતી હોય છે. જો સીટ પર બૅક્ટેરિયા, વાઇરસ અને ફંગલ ઇન્ફેક્શન હોય તો એ સીધા તમારી ત્વચાના સંપર્કમાં આવે છે અને ઇન્ફેક્શનનો ખતરો વધી જાય છે. બાથરૂમને જો સાફ અને કોરાં રાખવામાં આવતાં ન હોય તો એના ઉપરનું મૉઇશ્ચર, ગંદકી અને ગરમ વાતાવરણ બૅક્ટેરિયાના ગ્રોથને વધારે છે.
ઘણી મહિલાઓને પેશાબ કર્યા પછી પ્રાઇવેટ પાર્ટની સફાઈ કઈ રીતે કરવી એની યોગ્ય રીત ખબર ન હોય તો પણ યુરિનરી ટ્રૅક્ટ ઇન્ફેક્શન થઈ શકે છે. પેશાબ કર્યા પછી હંમેશાં પ્રાઇવેટ પાર્ટને આગળથી પાછળ એટલે કે યોનિથી ગુદાની દિશામાં સાફ કરવો જોઈએ.
ADVERTISEMENT
કામની વ્યસ્તતા વચ્ચે ઘણી મહિલાઓને પેશાબ રોકી રાખવાની આદત હોય છે, પણ આ આદતને કારણે પણ યુરિનરી ટ્રૅક્ટ ઇન્ફેક્શન થવાનું જોખમ હોય છે. યુરિનને રોકવામાં આવે ત્યારે હાનિકારક બૅક્ટેરિયાને વધવાનો સમય મળે છે, જેને કારણે યુરિનરી બ્લૅડરમાં ગંભીર ઇન્ફેક્શન થઈ શકે છે. પેશાબ રોકવાની આદત લાંબો સમય સુધી રહે તો પેશાબ પર કન્ટ્રોલ ઓછો થઈ શકે છે, જેનાથી અચાનક યુરિન લીક થવા માંડે છે.
કઈ રીતે સાવધાની રાખશો?
ટૉઇલેટ-સીટ પર ડાયરેક્ટ બેસી જવાને બદલે એના પર ટિશ્યુ પેપર પાથરી દો અને પછી યુઝ કરો.
માર્કેટમાં ટૉઇલેટ-સીટ સૅનિટાઇઝર, ડિસ્પોઝેબલ સીટકવર પણ આવે છે જેનો તમે ઉપયોગ કરી શકો છો.
પેશાબ કરીને આવ્યા પછી દર વખતે હાથ ધોવાનું રાખો.
શારીરિક સંબંધ બાંધ્યા પછી પ્રાઇવેટ પાર્ટને સરખી રીતે સાફ કરવાનું રાખો.
પર્યાપ્ત માત્રામાં પાણી પીવાનું રાખો.
પર્સનલ હાઇજીન રાખો
મહિલાઓ માટે વ્યક્તિગત સ્વચ્છતા એટલે કે પર્સનલ હાઇજીન જાળવી રાખવી ખૂબ જરૂરી છે. દિવસમાં ઓછામાં ઓછું એક વાર પ્રાઇવેટ પાર્ટને નવશેકા પાણીથી સાફ કરવો જોઈએ. પ્રાઇવેટ પાર્ટને સાફ કરવા માટે હાર્શ કેમિકલ અને ફ્રૅગ્રન્સવાળા સાબુ વાપરવાનું ટાળો. તમે ઇચ્છો તો માઇલ્ડ ઇન્ટિમેટ વૉશનો ઉપયોગ કરી શકો, જે માર્કેટમાં ઈઝીલી અવેલેબલ છે. પિરિયડ્સમાં હો ત્યારે દર ૪-૬ કલાકમાં પૅડ બદલવાનું રાખો. તમે જે અન્ડરગાર્મેન્ટ્સ પહેરો એ પણ સાફ, કૉટનનાં અને વધુપડતાં ટાઇટ ન હોય એનું ધ્યાન રાખો.

