છાશવારે શરદી થતી હોય તો દરરોજ સવારે આમળા, હળદર, આદું અને કાળા મરીના ઉકાળાનું સેવન કરી શકો છો. આ ઉકાળામાં એવાં ગુણકારી તત્ત્વો છે જે તમને શરદી થવા નહીં દે અને થઈ હશે તો એ મટાડી પણ દેશે
કંગનાએ જણાવેલો દેશી નુસખો શરદીથી અપાવશે છુટકારો
ફક્ત શિયાળામાં જ શરદીની સમસ્યા થાય એવું નથી. ઉનાળામાં પણ વાઇરલ ઇન્ફેક્શનને કારણે શરદી થતી હોય છે. એ સિવાય બહારના ગરમ વાતાવરણ અને ઘર-ઑફિસના ACવાળા ઠંડા વાતાવરણ વચ્ચે રહીને પણ શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટી જતી હોય છે અને શરદી થતી હોય છે. એવી જ રીતે લાંબા સમય સુધી ACમાં રહેતા હોય તેમને પણ શરદી થવી સામાન્ય બાબત છે.
એવામાં અભિનેત્રી કંગના રનૌતે હાલમાં જ એક શોમાં શરદી ન થાય એ માટેનો એક દેશી નુસખો જણાવ્યો હતો. તેણે કહ્યું હતું કે તમે પાણીમાં આમળા, હળદર, આદું અને કાળા મરીનો પાઉડર નાખી એને ઉકાળીને પીશો તો શરદીથી ૧૦૦ ટકા બચી જશો. જેમને બદલાતા હવામાનને કારણે અવારનવાર સામાન્ય શરદી થઈ જતી હોય તેમને આ ઉકાળો પીવાથી ફાયદો થઈ શકે છે.
ADVERTISEMENT
આનું કારણ જણાવતાં ડૉક્ટરનું કહેવું છે કે આમળામાં વિટામિન Cનું પ્રમાણ ભરપૂર હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાનું કામ કરે છે. એવી જ રીતે હળદર, કાળા મરી અને આદુંમાં ઍન્ટિ-ઇન્ફ્લૅમેટરી પ્રૉપર્ટીઝ હોય છે જે શરીરની અંદર શ્વસનમાર્ગનો સોજો ઓછો કરવામાં મદદ કરીને બંધ નાક અને ગળાને રાહત આપવાનું કામ કરે છે. હળદર અને આદુંમાં ઍન્ટિ-બૅક્ટેરિયલ પ્રૉપર્ટી હોય છે જે શરદી માટે કારણભૂત વાઇરસથી બચાવવાનું કામ કરે છે. એવી જ રીતે હળદર અને આમળામાં ઍન્ટિ-ઑક્સિડન્ટ્સનું પ્રમાણ વધુ હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
આ ઉકાળાને સવારે બ્રેકફાસ્ટ કરતાં પહેલાં અથવા તો બ્રેકફાસ્ટ કર્યા પછી અને બપોરે જમતાં પહેલાંનો જે સમયગાળો છે એમાં પીવો જોઈએ. ઉકાળો પીને તરત બ્રેકફાસ્ટ ન કરવો જોઈએ અથવા તો બ્રેકફાસ્ટ કર્યા પછી તરત ઉકાળો પીવાને બદલે ઓછામાં ઓછો અડધો કલાક રાહ જોવી જોઈએ. આ ઉકાળામાં થોડાં તુલસીનાં પાન અને ઉકાળો થોડો ઠંડો પડી જાય એ પછી એમાં થોડું મધ નાખીને પીવાથી એ વધુ સ્વાદિષ્ટ લાગે છે અને એ વધુ ગુણકારી બની જાય છે. જો આ ઉકાળો તમને સદતો હોય તો તમે એને દરરોજ સવારે પી શકો છો.

