બ્લડ-ડોનેશન વિશે લોકોમાં ઘણી જાગરૂકતા છે, પણ પ્લેટલેટ ડોનેશનને લઈને લોકોને એટલી ખબર નથી ત્યારે આ ગ્રુપના મેમ્બર્સને મળીએ
પ્લેટલેટ ડોનર્સનું સાયનમાં થયેલું ગેટ-ટુગેધર
‘સેવા સે સંતુષ્ટિ’ સ્લોગન છે પ્લેટલેટ ડોનર્સ ઑફ મુંબઈ નામના ગ્રુપનું. આ ગ્રુપમાં મુંબઈના ૪૦૦થી વધુ પ્લેટલેટ ડોનર્સ છે જેઓ નિયમિત પ્લેટલેટ ડોનેટ કરે છે. બ્લડ-ડોનેશન વિશે લોકોમાં ઘણી જાગરૂકતા છે, પણ પ્લેટલેટ ડોનેશનને લઈને લોકોને એટલી ખબર નથી ત્યારે આ ગ્રુપના મેમ્બર્સને મળીએ, તેમના અનુભવો જાણીએ અને પ્લેટલેટ ડોનેશન વિશે પણ માહિતી મેળવીએ
પાંચમી એપ્રિલે સાયનમાં એક ગેટ-ટુગેધર થયેલું, જેમાં પ્લેટલેટ ડોનર્સ ઑફ મુંબઈ નામના ગ્રુપના સભ્યો એકઠા થયેલા. આ ગેટ-ટુગેધરનો ઉદ્દેશ એ હતો કે વૉટ્સઍપ ગ્રુપના માધ્યમથી જોડાયેલા પ્લેટલેટ ડોનર્સ રૂબરૂ એકબીજાને મળે, એકબીજાની પ્લેટલેટ ડોનેશનની જર્ની શૅર કરે અને એકબીજા પાસેથી પ્રેરણા લઈને આ નેક કામને વધુ ઉત્સાહ સાથે આગળ ધપાવતા રહે. આ ગ્રુપનું એક જ મિશન છે કે કૅન્સર સામે લડી રહેલા દરદીને સારવારમાં મદદરૂપ બનતા પ્લેટલેટ્સ ડોનેટ કરવા. એ માટે આ બધા સભ્યો મહિનામાં બે વાર સમય કાઢીને તાતા મેમોરિયલ હૉસ્પિટલમાં જાય છે. આ લોકોની ખાસ સરાહના કરવી પડે, કારણ કે આજના ભાગદોડભર્યા જીવનમાં બધા જ તેમના કામધંધામાં વ્યસ્ત છે. નફાની વાત હોય એવા જ કામ માટે લોકો પાસે સમય હોય છે. એવામાં પ્લેટલેટ ડોનેશન જેમાં એક પૈસાનો પણ ફાયદો થવાનો નથી એ માટે સમય કાઢવાની બધાની ત્રેવડ હોતી નથી. એવામાં આપણા માટે એ જાણવું મહત્ત્વનું બની જાય છે કે એવી કઈ વસ્તુ છે જે તેમને આ સામાજિક કામ કરવા માટે પ્રેરે છે?
ADVERTISEMENT
મનીષ દેઢિયા
૧૬ એપ્રિલે તાતા મેમોરિયલ હૉસ્પિટલના સર્વિસ બ્લૉક બિલ્ડિંગના છઠ્ઠા માળે ડિપાર્ટમેન્ટ ઑફ ટ્રાન્સફ્યુઝન મેડિસિનમાં જઈને રિયલ એસ્ટેટનું કામ કરતા ૫૩ વર્ષના મનીષ દેઢિયા ૧૧૧મી વાર પ્લેટલેટ ડોનેટ કરી આવ્યા. ખાસ ૧૬ એપ્રિલે પ્લેટલેટ ડોનેટ કરીને સમાજોપયોગી કામ કરવાનું તેમની પાસે એક ખાસ કારણ પણ હતું. એ દિવસે મનીષભાઈના પપ્પા ચીમનલાલની ૭૫મી વર્ષગાંઠ હતી. એ વિશે વાત કરતાં મનીષભાઈ કહે છે, ‘મને આ કામ કરવા માટે કોઈએ પ્રોત્સાહિત કર્યો હોય તો એ મારા પપ્પા જ છે. મારા પપ્પાને મેં વર્ષો સુધી બ્લડ ડોનેટ કરતા જોયા છે. તેમને જોઈને મેં પણ ૧૮ વર્ષની ઉંમરથી જ બ્લડ ડોનેટ કરવાનું શરૂ કરી દીધું હતું. ધીમે-ધીમે મેં બ્લડ કૅમ્પ ઑર્ગેનાઇઝ કરવાનું શરૂ કર્યું. દરમ્યાન આજથી પાંચ વર્ષ પહેલાં મને પ્લેટલેટ ડોનેશન વિશે ખબર પડી. એક બ્લડ-કૅમ્પમાં કોઈએ મને કહ્યું કે બ્લડ ડોનેશન તો ત્રણ મહિનામાં ફક્ત એક જ વાર થઈ શકે; એને બદલે પ્લેટલેટ ડોનેટ કરવાનું ચાલુ કર, જે તું દર ૧૫ દિવસે કરી શકે. તો એ રીતે મેં પ્લેટલેટ ડોનેટ કરવાનું શરૂ કર્યું. હવે તો દર ૧૫ દિવસે પ્લેટલેટ ડોનેટ કરવાનું મારું રૂટીન થઈ ગયું છે. પ્લેટલેટ ડોનેશનને લઈને લોકોમાં હજી એટલી જાગરૂકતા નથી. ઘણી વાર કોઈને ખબર પણ હોય એમ છતાં પ્લેટલેટ ડોનેટ કરવામાં આળસ કરે છે. એનું કારણ પણ છે. બ્લડ-ડોનેશનના કૅમ્પ હોય એમ પ્લેટલેટ ડોનેશનના કૅમ્પ ન લગાવી શકાય, કારણ કે એના માટે સ્પેશ્યલ મશીન જોઈએ અને એટલે તમારે હૉસ્પિટલમાં જઈને જ પ્લેટલેટ ડોનેટ કરવા પડે. પ્લેટલેટ ડોનેશનમાં ખાસ્સો પોણો કલાક જેટલો સમય લાગે છે. મારે કાંદિવલીથી પરેલ આવવા-જવામાં અને પ્લેટલેટ ડોનેટ કરવામાં ત્રણ-સાડાત્રણ કલાક જેટલો સમય ફાળવવો પડે. એમ છતાં હું આ કરું છું કારણ કે મને એ ગમે છે.’
દેવાંગ પલણ
આવા જ એક ડોનર, ટ્રેડિંગનું કામ કરતા બાવન વર્ષના પ્રશાંત શેઠ પણ અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ વાર પ્લેટલેટ ડોનેટ કરી ચૂક્યા છે. એના વિશે વાત કરતાં પ્રશાંતભાઈ કહે છે, ‘૨૦૧૨માં મારાં દાદીની ઉંમરના હિસાબે તબિયત લથડતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવાં પડ્યાં હતાં. તેમના શરીરમાં પ્લેટલેટ્સ સાવ ઓછા થઈ ગયા હતા એટલે ડૉક્ટરે એની અરેન્જમેન્ટ કરવા કહ્યું હતું. અમને એક ડોનર મળ્યો. જોકે તે ખૂબ જ ભાવ ખાઈ રહ્યો હતો; જેમ કે હું આટલા જ પૈસા લઈશ, આ જ ટાઇમે આવીશ એ બધું હતું. ભૂતકાળમાં એવો સમય જોયેલો છે. એ સમયે એટલી ખબર નહોતી કે બ્લડની જેમ પ્લેટલેટ ડોનેશન થઈ શકે. એટલે મને મારા રનિંગ ગ્રુપ તરફથી પ્લેટલેટ ડોનેશન વિશે ખબર પડી તો મેં એ આપવાનું શરૂ કર્યું. અત્યાર સુધીમાં હું ૧૦૦થી વધુ વાર પ્લેટલેટ ડોનેટ કરી ચૂક્યો છું. કોઈને જરૂર હોય ત્યારે ડોનેશન આપીને આર્થિક રીતે મદદ કરવી સરળ છે, પણ પ્લેટલેટ કે બ્લડ ડોનેશન કરીને ફિઝિકલી હેલ્પ કરવાવાળા લોકો ખૂબ ઓછા છે. આ કામ એવું છે જેમાં તમને કોઈ આર્થિક ફાયદો તો થવાનો નથી, પણ આ કામ હું મારી સામાજિક જવાબદારી સમજીને કરુ છું.’
પ્લેટલેટ ડોનર્સ ઑફ મુંબઈનો લોગો.
જ્વેલરીની શૉપ ધરાવતા બાવન વર્ષના દેવાંગ પલણ પ્લેટલેટ ડોનેશનના પોતાના અનુભવ વિશે કહે છે, ‘આપણા ગુજરાતીઓમાં એક કહેવત છે કે જેવી સંગત એવી રંગત. મારા ફ્રેન્ડસર્કલમાં ઘણા લોકોને મેં પ્લેટલેટ ડોનેટ કરતા જોયા છે, તેમના ચહેરા પર ખુશી જોઈ છે એટલે મને પણ થયું કે મારે પણ એની પહેલ કરવી જોઈએ. એક સમયે મને સિરિન્જનો ફોબિયા હતો, પણ અત્યારે પ્લેટલેટ ડોનેટ કરવા જાઉં છું ત્યારે મોટી સોય જોઈને મને જરા પણ ગભરામણ થતી નથી. આપણે જ્યારે કોઈ એવી વસ્તુ કરી રહ્યા હોઈએ જેનાથી તમને સુખની લાગણી થતી હોય તો એવા સમયે આ બધી વસ્તુ આપોઆપ ગૌણ થઈ જાય છે. અત્યારે મારી ઉંમર છે કે હજી બીજાં આઠ વર્ષ હું પ્લેટલેટ ડોનેટ કરી શકું છું. તો શા માટે ન કરું? પ્લેટલેટ ડોનેટ કરવાની મારી ક્ષમતા છે તો હું કરું છું. એમાં મારું કશું જ નથી બગડી રહ્યું. ઊલટાનું મને રિટર્નમાં આ કામ કરીને ખુશી મળે છે એટલે આમાં મારો અંગત સ્વાર્થ છુપાયેલો છે એમ તમે કહી શકો. તમને જે કામ કરવાથી ખુશી મળતી હોય એ કામ કરવા માટે તમે વધુ વિચાર કરતા નથી. એવી જ રીતે હું પણ દર ૧૫ દિવસે પ્લેટલેટ ડોનેટ કરવા માટે પહોંચી જાઉં છું. એ પછી મને એ દિવસે કેટલું કામ છે એ વિચારતો નથી. હું અત્યાર સુધીમાં ૮૫ વાર પ્લેટલેટ ડોનેટ કરી ચૂક્યો છું.’
પ્રશાંત શેઠ
પ્લેટલેટ ડોનેશનમાં ફક્ત મિડલએજના લોકો જ આગળ પડતો ભાગ લે છે એવું નથી. આ ગ્રુપમાં યંગસ્ટર્સ પણ છે. વ્યવસાયે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ૨૬ વર્ષનો વત્સલ પાઉ અત્યાર સુધીમાં ૭૫ વાર પ્લેટલેટ ડોનેટ કરી ચૂક્યો છે. તેણે તો બ્લડ-ડોનેશન પણ ૧૮ વર્ષની ઉંમરે જ શરૂ કરી દીધેલું. એનાથી પણ ખાસ વાત એ છે કે તેણે બ્લડ-ડોનેશન કૅમ્પમાં વૉલન્ટિયરનું કામ તો ૧૬ વર્ષની ઉંમરે કરી દીધેલું. એટલે કે જે ઉંમરે તે બ્લડ-ડોનેશન માટે એલિજિબલ પણ નહોતો એ એજમાં તેણે બ્લડ-કૅમ્પમાં સેવા આપવાનું શરૂ કરી દીધેલું. આ વિશે વાત કરતાં વત્સલ કહે છે, ‘મારું માનવું છે કે અમે જે કરીએ છીએ એ એવી કોઈ ગ્રેટ વસ્તુ નથી. આ એક નૉર્મલ વસ્તુ છે. સમાજસેવા કરીને આપણે ધરતી પર રહેવાનું ભાડું ચૂકવી રહ્યા છીએ. સોશ્યલ વર્ક કરતા ઘણા લોકો પોતાને મોટા માણસ સમજવા લાગે છે. તેમને એમ લાગે છે કે અમે સમાજને આપીએ છીએ. આપણને ભગવાને જે આપ્યું છે એમાંથી થોડું બીજાને આપવું એમાં કઈ મોટી વાત છે? આપણને પહેલાં કંઈક મળ્યું છે અને એ પછી આપણે આપવાનો વિચાર કરી રહ્યા છીએ તો એમાં અહંકાર કરવા જેવું શું છે? હું હંમેશાં મારા મિત્રોને કહેતો હોઉં છું કે તમે કોઈ સારું કામ કર્યું હોય ત્યારે એને સોશ્યલ મીડિયામાં એ રીતે નાખો કે લોકો તમારી સાથે જોડાય. તમે એમ નહીં દેખાડો કે એ કામ કરીને તમે કંઈક અલગ કરી દેખાડ્યું છે. સોશ્યલ વર્કને નૉર્મલ બનાવવાની જરૂર છે. મારી દાદીને કૅન્સર હતું એટલે મને કૅન્સરના દરદીઓ પ્રત્યે થોડી વધુ લાગણી છે. એટલે મેં પ્લેટલેટ ડોનેટ કરવાનું શરૂ કર્યું હતું.’
વત્સલ પાઉ
પ્લેટલેટ ડોનેશન વિશે જાણવા જેવુંકોને પ્લેટલેટ્સની જરૂર પડે?
પ્લેટલેટ્સ બ્લડ-સેલ્સ છે જે બ્લીડિંગને રોકવા માટે જરૂરી છે. કીમોથેરપી અને રેડિયેશન થેરપીમાં કૅન્સરના સેલ્સને ટાર્ગેટ કરતી વખતે પ્લેટલેટ્સને પણ નુકસાન પહોંચતું હોય છે. શરીરમાં પ્લેટલેટ્સ કાઉન્ટ ઓછા થઈ જાય તો નાના એવા ઘા કે ચીરામાંથી લોહી વહેવાનું જોખમ અનેકગણું વધી જાય છે. એટલે કીમોથેરપી દરમ્યાન પ્લેટલેટ કાઉન્ટનું રેગ્યુલર મૉનિટરિંગ કરવામાં આવે છે, જેથી જાણી શકાય કે બ્લીડિંગનું રિસ્ક કેટલું છે અને એ પ્રમાણે ટ્રીટમેન્ટ ઍડ્જસ્ટ કરવામાં આવે છે. લ્યુકેમિયાના પેશન્ટ જેઓ કીમોથેરપીમાંથી પસાર થઈ રહ્યા હોય તેમને વધુ પ્રમાણમાં પ્લેટલેટ્સની જરૂર પડે છે. એટલે એક વાર કીમોથેરપી શરૂ થાય એટલે સારવાર દરમ્યાન સતત પ્લેટલેટ્સની જરૂર પડે. ડેન્ગી જેવા તાવમાં પણ જ્યારે ઇમ્યુનિટી ઘટી જાય ત્યારે પ્લેટલેટ્સ ચડાવવાની જરૂર પડે છે.
અરુણ કેજરીવાલ
પ્લેટલેટ ડોનેટ કેમ થાય?
પ્લેટલેટ ડોનેશનમાં લોહીમાંથી ફક્ત પ્લેટલેટ્સ કાઢવામાં આવે છે અને બાકીનું લોહી ડોનરને ફરી આપી દેવામાં આવે છે. આ પ્રક્રિયા પ્લેટલેટફેરેસિસ મશીનની મદદથી કરવામાં આવે છે, જે લોહીને પ્રોસેસ કરીને પ્લેટલેટ્સને અન્ય લોહીના ઘટકોથી અલગ કરી દે છે. પેશન્ટના હાથમાં એક સોય લગાવીને એનાથી લોહી લેવામાં આવે છે. આ લોહી મશીનમાં જઈને પ્રોસેસ થાય છે. મશીન પ્લેટલેટ્સને અન્ય લોહીના ઘટકોથી અલગ કરી દે છે. અલગ થયેલા પ્લેટલેટ્સ બૅગમાં જમા થાય છે. બાકીનું લોહી એ જ સોયના માધ્યમથી ડોનરને પરત કરી દેવામાં આવે છે. આ પ્રક્રિયાને વારંવાર રિપીટ કરીને પ્લેટલેટ્સ એકઠા કરવામાં આવે છે. પર્યાપ્ત પ્લેટલેટ એકઠા થઈ જાય ત્યારે પ્રક્રિયાને બંધ કરી દેવામાં આવે છે. સામાન્ય રીતે આ પ્રક્રિયા ૪૫ મિનિટ સુધી ચાલે છે.
કોણ પ્લેટલેટ ડોનેટ કરી શકે?
તાતા મેમોરિયલ હૉસ્પિટલની ગાઇડલાઇન અનુસાર તમે મહિનામાં બે વાર પ્લેટલેટ્સ ડોનેટ કરી શકો. પ્લેટલેટનું દાન કર્યા પછી એને ફરી બનતાં ફક્ત ૭૨ કલાક જેટલો જ સમય લાગે છે. એટલે ડોનર ત્રણ દિવસ પછી ફરી પ્લેટલેટ ડોનેટ કરી શકે છે. જોકે અઠવાડિયામાં ફક્ત બે જ વાર પ્લેટલેટ ડોનેટ થઈ શકે છે. પ્લેટલેટ ડોનેશન વર્ષમાં ૨૪ વારથી વધુ ન થઈ શકે. એટલે એ હિસાબે તમે મહિનામાં બે વાર ૧૫ દિવસના ઇન્ટરવલ પર બ્લડ ડોનેટ કરો તો સારું પડે. પ્લેટલેટ ડોનેટ કરવા માટે વ્યક્તિની ઉંમર ૧૮ વર્ષથી ૬૦ વર્ષ સુધીની હોવી જોઈએ તેમ જ વજન પચાસ કિલોથી વધુ હોવું જોઈએ. વ્યક્તિને હેપેટાઇટિસ-બી, હેપેટાઇટિસ-સી, એચઆઇવી, સિફિલિસ તો નથીને એની ખાતરી કરવા માટે બ્લડ-ટેસ્ટ કરવામાં આવે છે. પ્લેટલેટ ડોનેશન માટે વ્યક્તિમાં હીમોગ્લોબિનનું પ્રમાણ ૧૨.૫ g/dLથી વધુ અને પ્લેટલેટ કાઉન્ટ ૧,૫૦,૦૦૦થી વધુ (પ્રતિ માઇક્રોલીટર) હોવું જોઈએ. પ્લેટલેટ કલેક્ટ કરતાં પહેલાં ડોનરનું બ્લડ-સૅમ્પલ લઈને આ બધી જ વસ્તુઓ ચેક કરવામાં આવે છે. એ પછી જ તેના પ્લેટલેટ્સ લેવામાં આવે છે. એ સિવાય પણ પ્લેટલેટ ડોનેશન પહેલાં અને પછી કઈ કાળજી રાખવી, ડાયટનું ધ્યાન કઈ રીતે રાખવું, એ બધી જ બાબતોનું માર્ગદર્શન આપવામાં આવે છે.
ડોનર્સને એકઠા કરવાનું શ્રેય આ ભાઈને જાય
આ બધા જ પ્લેટલેટ ડોનર્સને પ્લેટલેટ ડોનર્સ ઑફ મુંબઈના નામે એકતાંતણે બાંધવાનું કામ કર્યું છે વ્યવસાયે ઍડ્વોકેટ અરુણ કેજરીવાલે. અરુણભાઈના આ ગ્રુપમાં ૪૦૦થી વધુ પ્લેટલેટ ડોનર્સ છે. આ ગ્રુપ કઈ રીતે બન્યું એ વિશે માહિતી આપતાં અરુણભાઈ કહે છે, ‘હું ૨૦૧૩થી દહિસર, મલાડ, કાંદિવલી, બોરીવલી વિસ્તારમાં બ્લડ-ડોનેશન કૅમ્પનું આયોજન કરું છું. એના માધ્યમથી હું બ્લડ ડોનેટ કરવા માટે આવતા લોકોને પ્લેટલેટ ડોનેશન વિશે માહિતી આપતો રહું છું. હું કૉલેજ, સોસાયટીઓ, કૉર્પોરેટ કંપનીઓમાં જઈને પ્લેટલેટ ડોનેશન અંગે લોકોમાં જાગરૂકતા ફેલાવવાનું કામ કરું છું. એ રીતે હું લોકોને પ્લેટલેટ ડોનર બનવા માટે તૈયાર કરું છું, તેમને ગ્રુપમાં જોડું છું. સામાન્ય રીતે લોકોને એવો ડર હોય છે કે હું પ્લેટલેટ ડોનેટ કરીશ તો મારા શરીરમાં પ્લેટલેટ કાઉન્ટ ઓછા થઈ જશે, મને હેલ્થ-ઇશ્યુઝ આવી જશે. હું તેમને સમજાવું છું કે આ બધી ગેરમાન્યતા છે. ડોનરના શરીરમાં વધારે પ્લેટલેટ કાઉન્ટ હોય તો જ તેમના પ્લેટલેટ લેવામાં આવે છે. મેં પોતે અત્યાર સુધીમાં ૩૭૭ વાર પ્લેટલેટ ડોનેટ કર્યા છે. હું એકદમ ફિટ છું, રનર છું. શનિવારે પ્લેટલેટ ડોનેટ કરીને આવ્યો હોઉં એમ છતાં રવિવારે આરામથી ૪૨ કિલોમીટરની મૅરથૉનમાં દોડી શકું છું. કોઈ વીકનેસ નથી આવતી. લોકો સામે તમે ઉદાહરણ બનીને ઊભા હો તો તેમનો વિશ્વાસ જીતવો સરળ છે.’

