Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ઉનાળામાં એક્સરસાઇઝ હાર્ટ માટે જોખમી ન બને એનું ધ્યાન રાખજો

ઉનાળામાં એક્સરસાઇઝ હાર્ટ માટે જોખમી ન બને એનું ધ્યાન રાખજો

Published : 07 May, 2025 03:17 PM | Modified : 08 May, 2025 07:10 AM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

પરસેવો પાડો તો વધુ કૅલરી બર્ન થાયવાળો ફંડા ઉનાળામાં ભૂલી જવા જેવો છે. ઉનાળામાં ઇન ફૅક્ટ વધુપડતા પરસેવાને કારણે ડીહાઇડ્રેશન થવાને કારણે હાર્ટ પર લોડ વધી શકે છે, જે હાર્ટ-અટૅકમાં પણ પરિણમી શકે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઉનાળાનો ઉકળાટ માનસિક વ્યગ્રતા તો વધારે જ છે પરંતુ પીગળાવી દેતી ગરમી હાર્ટ-અટૅકનું કારણ પણ બની શકે છે એવું નિષ્ણાતો માને છે. ગરમીમાં ખાસ કરીને એક્સરસાઇઝ કે શારીરિક શ્રમનો અતિરેક હૃદય માટે જોખમી પુરવાર થઈ શકે છે. સામાન્ય રીતે કસરતની વાત આવે ત્યારે એવું મનાતું હોય છે કે જેટલો પરસેવો પડે એટલું સારું. વેઇટલૉસમાં તો ખાસ લોકો વધુમાં વધુ પરસેવો પાડવાના પ્રયાસ કરતા હોય છે, પરંતુ શું એ યોગ્ય છે? ઉનાળામાં જો પૂરતા પ્રમાણમાં પાણી ન પીતા હો તો જરાય નહીં. ઉનાળામાં કસરત દરમ્યાન ડીહાઇડ્રેશન હાર્ટ-અટૅકનું મોટું કારણ બની શકે છે ત્યારે કેવા પ્રકારની તકેદારી આ ગંભીર સમસ્યાથી બચાવી શકે એ વિષય પર નિષ્ણાતો પાસેથી જાણીએ.


એક ઇલાજ



ઉનાળામાં કસરત કરો કે રનિંગ કરો તો એક જ વાત ખાસ યાદ રાખવાની છે કે મેડિકલ સ્ટોરમાં મળતા ઇલેક્ટ્રલ પાઉડરનું પાણી પીતા રહો એમ જણાવીને કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. ચેતન શાહ કહે છે, ‘ઉનાળામાં પાણી તો પીવું જ જોઈએ. કસરત પહેલાં, કસરત કરતી વખતે અને કસરત કર્યા પછી પણ પાણીનો ઉપયોગ થાય એ જરૂરી છે. જોકે પાણી સાથે ઇલેક્ટ્રલ વૉટર પણ ઉનાળા દરમ્યાન પૂરતા પ્રમાણમાં શરીરને મળતું રહે તો પરસેવા વાટે શરીરનાં જે મિનરલ્સ વહી ગયાં હોય એની ભરપાઈ થઈ શકે. ઉનાળામાં કસરત ન કરો એવું હું નહીં કહું, પરંતુ કસરત કરતાં પહેલાં શરીરને હાઇડ્રેટેડ રાખો. ડીહાઇડ્રેશન હાર્ટ માટે જોખમી છે. શરીરમાંથી પાણી ઓછું થાય, મહત્ત્વનાં મિનરલ્સ વહી જાય એટલે પાણીની માત્રા ઘટતાં હાર્ટે લોહીને પમ્પ કરવા માટે વધારે પ્રયાસ કરવા પડે. લોહી જાડું થતાં ક્લૉટ્સ થઈ શકે. જેઓ ઑલરેડી હાઈ કૉલેસ્ટરોલ કે હાઇપરટેન્શનના દરદીઓ હોય તેમના માટે આ વધુ જોખમી સાબિત થઈ શકે. મારી સાથે રનિંગ કરતા ઘણા રનર્સ રનિંગ દરમ્યાન ગિડીનેસ એટલે કે માથું ભમવું, ચક્કર આવવા જેવા અનુભવો કરતા હોય છે. બનતું એવું હોય છે કે શરીરમાંથી પાણીની માત્રા ઘટે, મિનરલ્સ ઓછાં થાય એટલે બ્લડપ્રેશર નીચું જાય; જેથી હાર્ટની કાર્યક્ષમતાને અસર પડે અને હાર્ટ કૉલેપ્સ થવાની સંભાવના વધી જાય.’


ડૉ. ચેતન શાહ, કાર્ડિયોલૉજિસ્ટ


માત્રા ઘટાડી દો

ઉનાળામાં ભરપૂર પ્રમાણમાં પાણી અને અન્ય પાણીયુક્ત પદાર્થો લેવાની સાથે કસરતનું પ્રમાણ ઘટાડવામાં વધુ શાણપણ છે. વેઇટ ઍન્ડ વેલનેસ કન્સલ્ટન્ટ ડૉ. અમી લાખાણી કહે છે, ‘તમે ધારો કે એક કલાક મૉર્નિંગ વૉક પર જતા હો કે રનિંગ કરતા હો તો પંદર મિનિટ ઘટાડી દો. તમારા શરીરની ક્ષમતાને ઉનાળામાં ચૅલેન્જ ન કરો. નારિયેળપાણી, લીંબુપાણી વગેરે પીતા રહો. આપણા શરીર પર ઋતુઓનો પ્રભાવ પડતો હોય છે. આમ પણ ઉનાળાની અતિગરમી અને સાથે મુંબઈની ભેજયુક્ત હવામાં વિશેષ પ્રમાણમાં નીકળતો પરસેવો શરીર માટે પડકારજનક હોય છે. એમાં જો તમે વધુપડતી કસરતો થકી શરીરને નિચોવવાના પ્રયાસ કરશો તો એની પૉઝિટિવ નહીં પણ નેગેટિવ અસર જ પડશે. આ સીઝનમાં ઘરમાં રહીને યોગ, પ્રાણાયામનો અભ્યાસ કરવો વધુ હિતાવહ છે. એક તો ગરમીના ઉકળાટમાં તમારા ચેતાતંત્રમાં પણ સિમ્પથેટિક નર્વસ સિસ્ટમ એટલે કે તમને હાઇપરઍક્ટિવ કરતી સ્થિતિ ઊભી થતી હોય છે એના બદલે પૅરાસિમ્પથેટિક નર્વસ સિસ્ટમ જે તમને રેસ્ટ અને રિલૅક્સ કરવામાં મદદ કરી શકે એ યોગથી નિર્મિત થતી હોય છે. તમને કૂલડાઉન કરવાનું કામ પણ સંભવ છે એટલે આદર્શ છે કે તમે આ ઋતુમાં હેવી એક્સરસાઇઝને બદલે યોગ-પ્રાણાયામ કરો. ઈવન કસરત કરતી વખતે પણ જ્યારે-જ્યારે મોઢું ડ્રાય થાય તો બે-ત્રણ સિપ પાણી સતત પીતા રહેવું જોઈએ. વચ્ચે-વચ્ચે રેસ્ટ અને બ્રેક પણ લેતા રહેવું જોઈએ. એક્સરસાઇઝ પૂરી કર્યા પછી પણ પાંચેક મિનિટનો ગૅપ રાખીને પાણી પીવું અને એ પણ ગટગટ પી જવાને બદલે એક-એક ઘૂંટડાથી પીવું જોઈએ.’

ડૉ. અમી લાખાણી, વેઇટ ઍન્ડ વેલનેસ કન્સલ્ટન્ટ

સેલિબ્રિટીઝ પણ પીતા હોય

સામાન્ય રીતે જિમમાં પોતાની ફિલ્મના કિરદાર પ્રમાણે બૉડી તૈયાર કરતી સેલિબ્રિટીઝ ઉનાળામાં લાઇટ એક્સરસાઇઝના ફંડાને ફૉલો નથી કરી શકતા તો તેઓ શું કરે છે? શાહીદ કપૂર, ઈશાન ખટ્ટર જેવી ઘણી સેલિબ્રિટીઝને ટ્રેઇન કરી રહેલા સમીર જૌરા કહે છે, ‘હાઈ ઇન્ટેન્સિટી વર્કઆઉટમાં તમે ACમાં પણ સ્વેટ કરતા હો છો અને સ્વેટ સાથે બૉડીનાં મહત્ત્વનાં મિનરલ્સ પણ બહાર નીકળી જાય છે. જો એ સમયે તમે ઇલેક્ટ્રલ કે સ્પેશ્યલી ડિઝાઇન્ડ સ્પોર્ટ્સ ડ્રિન્ક ન પીઓ તો વીકનેસ આવી જ શકે છે. તમે ચક્કર ખાઈને પડી શકો છો. મારી પાસે ટ્રેઇન થતી સેલિબ્રિટીઝ પાસે બેથી ત્રણ બૉટલ હોય છે. એમાંથી એકમાં પાણી, એકમાં ઇલેક્ટ્રલ વૉટર અને એકમાં પ્રોટીન શેક હોય. એક્સરસાઇઝ પહેલાં બૉડીને હાઇડ્રેટ કરો એ તો જરૂરી છે જ પણ એક્સરસાઇઝ પછી પણ બૉડી હાઇડ્રેટેડ રહે અને દરમ્યાન પણ તમે થોડુંક-થોડુંક ઇલેક્ટ્રલ પીતા રહો એ મહત્ત્વનું છે.’

સમીર જૌરા, સેલિબ્રિટી ટ્રેઇનર

એક્સરસાઇઝ પછી શું ખાવું-પીવું?
કસરત પછી જાત-જાતનાં ડ્રિન્ક પીવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ત્યારે ખરેખર શું ખાવું અને શું પીવુંં એ વિશે ડાયટ-કન્સલ્ટન્ટ ડૉ. અમી લાખાણી કહે છે, ‘કોઈ પણ બહારનાં ફૅન્સી ‌િડ્ર‌ન્ક પીવાની જરૂર નથી. પ્રોટીન પાઉડર પણ રિલાયેબલ બ્રૅન્ડનો હોય તો દૂધ સાથે પી શકાય. જોકે એના બદલે તો હું એમ જ કહીશ કે તમે ઘરે જ સત્તુને પાણી, લીંબુ, આદુંનો રસ, ખડી સાકર અને પિન્ક સૉલ્ટ ઍડ કરીને પીઓ. તમારા ડીહાઇડ્રેશનને પણ એનાથી લાભ થશે અને પ્રોટીન પણ મળી જશે. વિટામિન C પણ બૉડીને ડીટૉક્સ કરવામાં મદદ કરશે. એ સિવાય મગનું પાણી, ફણગાવેલાં કઠોળ, ઘરનું બનાવેલું પનીર જેવી વસ્તુ તમારા રેગ્યુલર મીલમાં ખાઓ. એક કલાકની એક્સરસાઇઝ પછી ત્રેવીસ કલાક તમે તમારા શરીર સાથે શું કરો છો એ મહત્ત્વનું છે. તમે પૂરતી ઊંઘ લો અને પૌષ્ટિક આહાર ત્રણેય ટાઇમ ખાઓ તો એક્સરસાઇઝ પછીની રિકવરી થવાની જ છે.’

Whatsapp-channel Whatsapp-channel

08 May, 2025 07:10 AM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK