સારામાં સારું શિક્ષણ અને તમામ સુખસગવડો વચ્ચે પણ જો બાળકો શારીરિક અને માનસિક રીતે હેલ્ધી નહીં હોય તો બધું જ વ્યર્થ છે
હેમાંગ, ઝીલ
મળો બે એવા પરિવારોને જેઓ માને છે કે ધન-સંપત્તિ, સારામાં સારું શિક્ષણ અને તમામ સુખસગવડો વચ્ચે પણ જો બાળકો શારીરિક અને માનસિક રીતે હેલ્ધી નહીં હોય તો બધું જ વ્યર્થ છે. આ જ કારણ છે કે સંતાનોને નાની વયે યોગનો પરિચય કરાવીને આજે આખો પરિવાર શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે સાથે યોગ કરતો થઈ ગયો છે
આજના પેરન્ટ્સ એક ગજબનાક પ્રેશર વચ્ચે જીવી રહ્યા છે. બદલાયેલી લાઇફસ્ટાઇલ, ખાવાપીવાની ખોટી આદતો અને ઝડપથી દોડી રહેલી દુનિયા સાથે તાલમેલ મેળવવાની જદ્દોજહદ વચ્ચે સૌથી વધુ પેરન્ટ્સ દ્વારા પણ જેની અવગણના થતી હોય એ છે સ્વાસ્થ્ય. યસ, જેને આપણા પૂર્વજો સાચી વેલ્થ ગણતા હતા એ હેલ્થ અત્યારે છેલ્લી પાટલીએ પહોંચતી જાય છે. એની વચ્ચે કેટલાક એવા પણ પરિવારો છે જેમણે વેલ્થ માટે હેલ્થ સાથે બાંધછોડ નથી કરી. પોતાનું તો સ્વાસ્થ્ય જાળવતાં શીખ્યા જ પણ પોતાના પરિવારને પણ હેલ્થના મામલે પછાત રહેવાથી બચાવ્યા છે. સૌથી પહેલાં યોગથી સ્વાસ્થ્ય મેળવવા માટે તેઓ સક્રિય થયા અને પછી તેમણે પોતાનાં બાળકોને સક્રિય કર્યાં. અત્યારે ઘાટ એ છે કે આખો પરિવાર મોજથી યોગ કરે છે અને સ્વાસ્થ્યના સંદેશનું જુદી રીતે વહન કરી રહ્યો છે.
ADVERTISEMENT
મારી અને પરિવારની જાણે કે આખી લાઇફ જ બદલાઈ ગઈ : અનિલ આશર ઍન્ડ ફૅમિલી
ઘાટકોપરમાં રહેતા અને એક જમાનામાં કમ્પ્યુટર એન્જિનિયર તરીકે સક્રિય અનિલ આશરની વ્યસ્તતા વચ્ચે ફિટનેસને લઈને કોઈ ગોલ્સ જ નહોતા. જીવનમાં સેટલ થવું અને પરિવારને બેટર લાઇફ આપવા માટે દિવસ-રાત કામ કરતા અનિલભાઈના જીવનમાં અનાયાસ જ યોગની એન્ટ્રી થઈ. અનિલભાઈ કહે છે, ‘મારી લાઇફ જ નહીં, હું પણ આખેઆખો બદલાઈ ગયો યોગની બદૌલત. એક ટૉપની મલ્ટિનૅશનલ કંપનીમાં મૅનેજરની પોઝિશન પર હતો. મારી પાસે પોતાની ટીમ હતી. બધા પૂછી-પૂછીને કામ કરે એટલે ઈગો એની ચરમસીમાએ હતો. પોતાનાથી નાની પોઝિશન પર રહેલા લોકો જોડે વાત ન કરવી. પ્લસ બીજી કોઈ હેલ્ધી લાઇફસ્ટાઇલ પણ નહીં. હા, સ્પોર્ટ્સમાં ઍક્ટિવ હતો એટલે સામાન્ય કરતાં થોડોક વધુ હેલ્ધી એમ કહી શકાય. એક વાર યોગનાં ખૂબ ગુણગાન સાંભળ્યાં હતાં એટલે એનાથી પ્રેરાઈને હું યોગક્લાસમાં ગયો. ત્રીસેક વર્ષની જ ઉંમર હશે. એક વાર ગયો અને ત્યાં એવા સરસ મિત્રો બની ગયા કે બસ, ત્યાંનો જ થઈને રહી ગયો. ગ્રુપને કારણે જ યોગમાં આગળ વધતો ગયો. એક પછી એક કોર્સ કરવાના શરૂ કર્યા. દસથી બાર કલાકની વર્ક-ડ્યુટી કરતો અને સાથે યોગ માટે પણ સમય ફાળવતો. હું જોઈ રહ્યો હતો કે મારું એનર્જી-લેવલ બહેતર થઈ રહ્યું છે, હું પહેલાં કરતાં વધુ સારા મૂડમાં રહું છું, મારો લોકો પ્રત્યેનો અપ્રોચ બદલાઈ રહ્યો છે. આ જર્નીમાં મને સૌથી વધુ મોટિવેટ કરવાનું કામ કર્યું મારા પરમ મિત્ર રાયશી બચુભાઈ શાહે જેમનો આજ દિવસ સુધી હું આભારી છું.’
પત્ની રૂપા અને દીકરી હેમલ સાથે અનિલ આશર
અનિલભાઈ પોતાની જૉબ સાથે યોગની એક્ઝામ આપતા. એમાં અનિલભાઈની હેલ્પ કરવા માટે તેમનાં પત્ની રૂપા આશર પણ જોડાયાં. રૂપાબહેનને ત્યાં સુધી યોગનો કોઈ પરિચય નહોતો પણ અર્ધાંગિની તરીકે પતિને યોગની એક્ઝામમાં સારું પડે એટલે નોટ્સ બનાવી આપવી, થોડી સિમ્પલ ભાષામાં તેમને વાંચનસામગ્રી તૈયાર કરી આપવી એ રીતે તેમની જર્ની શરૂ થઈ હતી. અનિલભાઈ કહે છે, ‘મારા કારણે વાઇફને રસ તો પડ્યો પણ તેણે ઘાટકોપરના ઘંટાલી મિત્ર મંડળમાં યોગશિક્ષકનો કોર્સ કર્યો, કારણ કે એના પછીના વર્ષે અમારાં સંતાનોની સ્કૂલ સવારે શરૂ થવાની હતી અને એને કારણે પછી તેના માટે આ કોર્સ કરવાનું અઘરું હતું એટલે બપોરની સ્કૂલમાં જતાં બાળકોને પણ સાચવી શકાય અને સાથે યોગશિક્ષક તરીકેની ટ્રેઇનિંગ પણ મળી જાય એ સિંગલ આશય સાથે તેની યોગજર્ની શરૂ થઈ. અમને જોઈને નાનપણથી જ બાળકો દેખાદેખીમાં અમારી સાથે પ્રૅક્ટિસમાં જોડાતાં. દીકરી હેમલ ભણતી હતી ત્યારે જ તેણે યોગ કોર્સ પણ કર્યો. એ દરમ્યાન યોગમાં વધુ આગળ શીખવા માટે, થેરપી યોગનો શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી અભ્યાસ કરવા માટે હું બૅન્ગલોર ગયો. ત્યાંની સિસ્ટમને જોઈને મેં મારી દીકરીને ત્યાંના એક મહિનાની યોગશિક્ષકની ટ્રેઇનિંગનો કોર્સ કરાવડાવ્યો. એ પછી તેણે ત્યાં જ યોગમાં માસ્ટર્સ કર્યું. તેણે ઇન્ટરનૅશનલ સ્તરે પણ યોગશિક્ષક તરીકે જઈને સેવા આપી છે. અત્યારે અમારા કરતાં તેને યોગ-રિસર્ચ અને યોગ-થેરપીમાં વધુ સમજણ પડવા માંડી છે.’
મજાની વાત છે કે માત્ર અનિલભાઈનો દીકરો હેમાંગ અત્યારે નિયમિત જિમમાં જાય છે અને ફિઝિકલી ફિટ રહેવા માટે તે પોતાના સ્તર પર પ્રયાસ કરી રહ્યો છે પરંતુ યોગ વિશે તો તે પણ જાણે જ છે. ઇન ફૅક્ટ, હેમાંગે પણ યોગમાં ટીચર્સ ટ્રેઇનિંગનો કોર્સ કરી લીધો છે. જિમ સાથે પોતાના યોગના નૉલેજને પણ તેણે કામે લગાવી દીધું છે. ૩૦ કરતાં વધુ વર્ષોની પોતાની યોગયાત્રા વિશે અનિલભાઈ છેલ્લે કહે છે, ‘અત્યારે જો તમે સમય કાઢીને યોગને પ્રાધાન્ય આપશો તો તમારી પાસે રહેલા લિમિટેડ ટાઇમને પણ વધારી આપવાનું કામ યોગ આસાનીથી કરશે. ઓછા સમયમાં વધુ કાર્યક્ષમતાની કેળવણી યોગ થકી સંભવ છે. બાળકોને તો પેરન્ટ્સ શું કરે છે એનાથી ખૂબ ફરક પડતો હોય છે. નાનપણથી મંત્રોચ્ચાર માટે અમે આખો પરિવાર સાથે બેસીએ, જેમાં યોગની પણ ચર્ચા થાય. એ જ સંસ્કારો છે જેને કારણે આજે અમારે બાળકોને જન્ક ન ખાવું કે ફિઝિકલી ઍક્ટિવ રહેવું જોઈએ એ વિષય પર શિખામણ નથી આપવી પડતી, તેમને ખબર જ હોય છે.’
યોગે અમારી પારિવારિક એકતા અને સ્વાસ્થ્ય બન્ને વધાર્યાં છે : પરેશ શાહ ઍન્ડ ફૅમિલી
કાંદિવલીમાં રહેતા પરેશ શાહની એક દીકરી ઝીલ અમેરિકા છે અને છતાં દરરોજ યોગાભ્યાસ કરે છે અને હવે તો હેલ્ધી બૉડી અને માઇન્ડ માટે યોગનું મહત્ત્વ અદકેરું છે એ વાત તેને અનુભવે સમજાઈ છે. ૩૨ વર્ષની ઉંમરે મોટા ભાઈના કહેવાતી હેલ્ધી રહેવા માટે યોગના રસ્તે વળેલા પરેશભાઈ અત્યારે સક્ષમ ડેવલપર બની ગયા છે અને એમાં પણ ક્યાંક ને ક્યાંક તેમને યોગની જ ભૂમિકા દેખાય છે. પરેશભાઈ કહે છે, ‘તકલીફો જોઈ છે. ગરીબી જોઈ છે અને અભાવ વચ્ચે જીવ્યા છીએ. કાંદિવલીમાં દસ બાય બારની રૂમમાં અમે છ જણનો પરિવાર રહેતા. બિલ્ડરને ત્યાં નોકરીથી કામની શરૂઆત કરી હતી. એ સમયે માનસિક રીતે વધુ અલર્ટ થવા કામમાં વધુ પ્રોડક્ટિવ બનવા કંઈક કરવું જોઈએ એવું લાગ્યું એવામાં મારા મોટા ભાઈએ જ યોગનો રાહ ચીંધ્યો. સાચું કહું, જ્યારથી યોગાભ્યાસ શરૂ કર્યો ત્યારથી જાણે કે જીવનમાં ચમત્કાર સર્જાવા શરૂ થયા જે આજ સુધી અકબંધ છે.’
પત્ની વૈશાલી અને દીકરી વિશ્વા સાથે પરેશ શાહ
કાંદિવલીમાં કૃપાળુ યોગાશ્રમમાં કિરીટ ભટ્ટ પાસે યોગ શીખેલા અને હવે યોગશિક્ષક તરીકે પણ જરૂર પડે તો લોકોને ટ્રેઇન કરતા પરેશભાઈની ઇચ્છા હતી કે જે અનુભવ પોતાને થયો એ પોતાનાં સંતાનો સુધી પહોંચે એ જરૂરી હતો. તેઓ કહે છે, ‘દરેક મા-બાપ ઇચ્છતાં હોય કે તેમનાં સંતાનો સંસ્કારી બને અને એટલે જ નાનપણથી ધાર્મિક સંસ્કારો આપે. ખોટું ન બોલવું, ચોરી ન કરવી જેવી બાબતો પણ શીખવે; પરંતુ મેં મારા પરિવારને સ્વસ્થ રહેવું એ પણ નૈતિક મૂલ્યનો જ એક હિસ્સો છે એ શીખવ્યું. ગમે એ ભોગે જાત માટે સમય કાઢવાની ટ્રેઇનિંગ બાળપણથી આપી. આજે બન્ને દીકરીઓ અને વાઇફ પણ નિયમિત યોગાભ્યાસ કરે છે. યોગથી સ્વાસ્થ્ય તો વધ્યું જ અને સાથે આત્મવિશ્વાસ અને નિર્ભયતા પણ આવ્યાં. નિર્ણયશક્તિ પ્રબળ બની. નોકરિયાતમાંથી બિલ્ડર બનવા સુધીની યાત્રામાં યોગે મારી અંદર લાવેલા પરિવર્તનનો ખૂબ મોટો ફાળો છે.’
પરેશભાઈનાં પત્ની વૈશાલીબહેન પોતાના યોગ અનુભવ વિશે વાત કરતાં કહે છે, ‘મારા હસબન્ડે જ યોગ માટેની પ્રેરણા મને આપેલી અને ખરેખર કહું છું કે યોગ અદ્ભુત છે. યોગથી શારીરિક, માનસિક ફાયદા તો છે જ અને યોગથી જીવન પ્રત્યેનો આપણો દૃષ્ટિકોણ પણ બદલાઈ જ ગયો. કોવિડમાં આટલા સ્ટ્રેસ અને ટેન્શન વચ્ચે પણ યોગને કારણે અમે શારીરિક અને માનસિક બન્ને રીતે સ્વાસ્થ્યને જાળવી શક્યાં. સામાન્ય કસરતો તમને ફિઝિકલી ફિટ કરે પરંતુ યોગ તમને ફિઝિકલી, ઇમોશનલી, મેન્ટલી, સ્પિરિચ્યુઅલી એમ દરેક રીતે ફિટ કરે છે. યોગથી અમારી દીકરીઓમાં પણ બદલાવ અમે જોયો છે. મોટી દીકરી અમેરિકામાં પણ બધાં જ ઘરનાં કામ જાતે કરે, ભણે, કામ કરે અને સાથે યોગ કરે છે.’
પરેશભાઈની દીકરી ઝીલ અને વિશ્વા પણ આ વાતને સહમતી આપીને કહે છે, ‘અમારું ફોકસ યોગને કારણે વધ્યું છે. આજે આટલાંબધાં ડિસ્ટ્રૅક્શન વચ્ચે માત્ર પાંચ મિનિટ ડીપ બ્રીધિંગ કરીએ કે દસ સૂર્ય નમસ્કાર કરીએ અને આપણે ફ્રેશન અપ થઈ જઈએ છીએ. સ્ટ્રેસના સમયે પણ તમે ઍન્ગ્ઝાયટીથી પોતાને યોગથી પ્રોટેક્ટ કરી શકતા હો છો એ એની સૌથી સારી બાબત મને લાગે છે. અમારી ઊંઘ સુધરી છે અને સાથે જ વહેલા ઊઠવાની આદત પણ યોગને કારણે કેળવાઈ છે.’
છેલ્લે દરેક મિડલક્લાસ ફૅમિલીને ઉદ્દેશીને પરેશભાઈ કહે છે, ‘મધ્યમવર્ગીય પરિવારો પોતાના સ્વાસ્થ્યને લઈને સૌથી વધુ બેદરકારી દાખવતા હોય છે. મારા અનુભવ પરથી કહું છું કે જીવનમાં યોગને ઉમેરો. પૈસા પાછળ ભાગવાનો કોઈ અર્થ નહીં રહે જો તબિયત જ સારી નહીં હોય. શિક્ષણમાં પૈસા ખરચીએ, લક્ઝરીમાં પૈસા ખરચીએ અને એ બધા માટે ભરપૂર સમય ખરચીએ પણ હેલ્થ વિના બધું જ નકામું છે એ યાદ રાખજો. તમારા ક્ષેત્રમાં આગળ વધવા અને તમારા બાળકને આગળ વધારવા માટે પણ જરૂરી છે કે યોગ જેવી સર્વાંગી સ્વાસ્થ્યને વધારનારી પ્રવૃત્તિમાં આગળ વધો તમે.’

