મોબાઇલનો ડિસ્પ્લે, બૅટરી, પ્રોસેસર બધું ગરમ થઈ જાય છે. એને કારણે ઘણી વાર દુર્ઘટના થવાનું જોખમ પણ વધી જાય છે
મોબાઇલ ઓવરહીટ
તાપમાન જેવું ૪૦ ડિગ્રીની ઉપર જાય એટલે તરત જ મોબાઇલ ઓવરહીટ થવા લાગે છે. મોબાઇલનો ડિસ્પ્લે, બૅટરી, પ્રોસેસર બધું ગરમ થઈ જાય છે. એને કારણે ઘણી વાર દુર્ઘટના થવાનું જોખમ પણ વધી જાય છે. આવું ન થાય એ માટે આજે જ જાણી લો મોબાઇલને ઓવરહીટિંગથી બચાવવાની કેટલીક ટિપ્સ
ઉનાળામાં તાપમાનનો પારો એટલોબધો ઉપર ચાલ્યો જાય છે કે એની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર તો થાય જ છે, અને સાથે આપણે જે ઇલેક્ટ્રૉનિક ગૅજેટ્સ વાપરીએ છીએ એના પર પણ થાય છે. ખાસ કરીને મોબાઇલ પર જેને આપણે ગમે ત્યાં બહાર જઈએ ત્યાં આપણી સાથે ફેરવતા હોઈએ છીએ. ગરમીમાં વધેલા તાપમાનને કારણે સ્માર્ટફોન ઓવરહીટ થવાની સમસ્યા ખૂબ થાય છે. મોબાઇલની અંદરની બૅટરી અને અન્ય પાર્ટ્સ ગરમ થઈ જાય છે. એને કારણે મોબાઇલ સરખી રીતે કામ કરતો નથી એટલું જ નહીં, મોબાઇલ ઓવરહીટ થઈ જવાથી બૅટરીમાં બ્લાસ્ટ પણ થઈ શકે. એમાં આપણે જખમી પણ થઈ શકીએ. એટલે ઉનાળામાં મોબાઇલ વધારે પડતો ગરમ ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સ્માર્ટફોન ઓવરહીટ થઈ જવાનાં બીજાં પણ કેટલાંક કારણો હોય છે. જેમ કે સ્માર્ટફોનનો વધુપડતો ઉપયોગ, ચાર્જિંગ થતું હોય ત્યારે મોબાઇલ વાપરવો, ફોનના પ્રોસેસર પર વધુપડતો લોડ નાખે એવી ભારે ઍપ્સનો ઉપયોગ કરવો વગેરે.
ADVERTISEMENT
સ્માર્ટફોનને ઓવરહીટ થતો બચાવવાની ટિપ્સ
તડકામાં બહાર નીકળ્યા હો ત્યારે સ્માર્ટફોનનો યુઝ કરવાનું ટાળીને એને ખિસ્સામાં જ રાખો. ટ્રેન, કાર, રિક્ષા, બસમાં ટ્રાવેલિંગ કરતી વખતે પણ તડકો સીધો મોબાઇલ પર ન પડે એનું ધ્યાન રાખો.
ફોન ચાર્જ થતો હોય ત્યારે એનો ઉપયોગ કરવાનું ટાળો. ખાસ કરીને ગેમિંગ કે વિડિયો સ્ટ્રીમ ન કરો. સાથે જ ઓશીકા કે ગાદલા પર ફોન રાખીને ચાર્જ કરવાનું ટાળો, કારણ કે એનાથી વેન્ટિલેશન પ્રભાવિત થઈ શકે છે.
ઘણી વાર બૅકગ્રાઉન્ડમાં ચાલી રહેલી ઍપ પણ મોબાઇલને ગરમ કરતી હોય છે એટલે વખતોવખત તમને જે કામમાં ન આવતી હોય એવી ઍપ્સને અનઇન્સ્ટૉલ કરતા જાઓ.
ગેમિંગ ઍપ્સ, વિડિયો એડિટિંગ ઍપ્સ પ્રોસેસર પર લોડ નાખતી હોય છે જેથી મોબાઇલ ગરમ થાય છે. એટલે લાંબા કલાકો સુધી આવી ઍપ્સનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.
ઘણી વાર મોબાઇલ કવરને કારણે મોબાઇલ ફોનની ગરમી બહાર આવી શકતી નથી એટલે જ્યારે પણ મોબાઇલ ગરમ થઈ જાય એટલે તરત એનું કવર હટાવી દો.

